રોહિત-હાર્દિકની જોડીએ ભારતને ઘણી મૅચો જિતાડી છે
અસંખ્ય ક્રિકેટપ્રેમીઓમાં હાર્દિક પ્રત્યે નારાજગી અને રોહિત માટે સહાનુભૂતિ છે, પણ દિગ્ગજ ખેલાડીઓ એકમેકની કૅપ્ટન્સીમાં રમે એ કોઈ નવી વાત નથી
સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા
હાર્દિક પંડ્યાએ ૨૦૨૦ની છઠ્ઠી જૂને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરું કે મુંબઈ ઇન્ડિયન્સની, મારાં રોહિત શર્માના નેતૃત્વ હેઠળ મેં મારા શ્રેષ્ઠ વર્ષોનો અનુભવ કર્યો છે. રોહિત શર્મા ગ્રેટ કૅપ્ટન છે અને તેના હાથ નીચે રમવું મને હંમેશાં ગમ્યું છે. અમે રમવા વિશે એકમેક સાથે ખાસ કંઈ ચર્ચા નથી કરતા, પણ સાચું કહું તો તેના હાથ નીચે મેં મારો બેસ્ટ ટાઇમ માણ્યો છે.’
રોહિત શર્મા પણ ભૂતકાળમાં હાર્દિકની પ્રશંસા કરી ચૂક્યો છે. એટલું જ નહીં, વિરાટ કોહલીએ ૨૦૧૮માં ઇંગ્લૅન્ડ સામેના રોહિત-હાર્દિકના એક સહિયારા મૅચ-વિનિંગ પર્ફોર્મન્સ બાબતમાં બન્નેના વખાણ કરતા કહ્યું હતું કે ‘રોહિત શર્માનો પર્ફોર્મન્સ સ્પેશિયલ હતો, પણ હાર્દિક પંડ્યાનો ઑલરાઉન્ડ દેખાવ ઊડીને આંખે વળગે એવો હતો.’
રોહિતે બ્રિસ્ટૉલમાં બ્રિટિશરો સામેની ટી-૨૦ મૅચમાં અણનમ ૧૦૦ રન બનાવ્યા હતા, જ્યારે હાર્દિકે ચાર વિકેટ લેવા ઉપરાંત અણનમ ૩૩ રન બનાવ્યા હતા અને બન્ને વચ્ચે ૫૦ રનની અતૂટ ભાગીદારી થઈ હતી. ભારતે એ મૅચ સાત વિકેટે જીતી લીધી હતી.
મૂળ વાત એ છે કે થોડા દિવસથી હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા નામના બે દિગ્ગજ ખેલાડી વચ્ચે બહુ મોટું અંતર થઈ ગયું છે. આ અંતર ખાસ તો તેમના ડાઇ-હાર્ડ ચાહકોએ જ ઊભું કરેલું છે. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ (જીટી)ની ચૅમ્પિયન ટીમ છોડીને અચાનક જ મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)માં પાછો આવી ગયો એ જીટી તરફી અનેક ક્રિકેટપ્રેમીઓ અને ગુજરાત રાજ્યના અસંખ્ય ક્રિકેટલવર્સને નથી ગમ્યું. તેમને આઘાત લાગ્યો છે. બીજું, હાર્દિક એમઆઇમાં ઓચિંતો જ પાછો આવી ગયો અને તેને રોહિતના સ્થાને કૅપ્ટન પણ બનાવી દેવાયો એ રોહિત તરફી અને એમઆઇની ફેવરવાળા લોકોને નથી પસંદ પડ્યું. રોહિત પ્રત્યે કરોડો લોકોની સહાનુભૂતિ છે અને હાર્દિક જ્યાં પણ રમવા જાય છે ત્યાં તેનો હુરિયો બોલાવવામાં આવે છે. અમદાવાદ પછી હૈદરાબાદમાં અને સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિકના વિરોધમાં અને રોહિતની તરફેણમાં લોકોએ બૂમો પાડીને માહોલ ગંભીર કરી નાખ્યો હતો. રાજસ્થાન રૉયલ્સ સામેની એમઆઇની મૅચ પહેલાં ટૉસ વખતે હોસ્ટ સંજય માંજરેકરે હાર્દિકનો હુરિયો બોલાવી રહેલા લોકોને ‘બીહેવ’ કહીને શાંત રહેવાની અપીલ કરી હતી છતાં લોકો હાર્દિક પ્રત્યેનો ગુસ્સો ઠાલવતા રહ્યા હતા અને રોહિતની તરફેણવાળા બૅનર બતાડતા રહ્યા હતા.
અહીં આપણે વિશેષ કરીને એ વાત કરવાની છે કે હાર્દિકની વિરુદ્ધમાં અને રોહિતની તરફેણમાં પ્રચંડ લોકમત પ્રવર્તી રહ્યો છે ત્યારે ખાસ કહેવાનું કે આ બન્ને ક્રિકેટરે ભૂતકાળમાં ટીમ ઇન્ડિયાને અને મુંબઈ ઇન્ડિયન્સને સાથે મળીને અથવા વ્યક્તિગત પર્ફોર્મન્સથી અનેક મૅચો જિતાડી છે. થોડા ઉદાહરણ જોઈએ: (૧) ૨૦૧૬ની ૨૪મી ફેબ્રુઆરીએ મીરપુરમાં બાંગ્લાદેશ સામેની ટી-૨૦માં હાર્દિકે ૩૧ રન અને રોહિતે ૮૩ રન બનાવીને ભારતને વિજય અપાવ્યો હતો. તેમની વચ્ચે ૬૧ રનની પાર્ટનરશિપ થઈ હતી. ભારતે એ મૅચ ૪૫ રનથી જીતી લીધી હતી. (૨) ૨૦૨૧ની ૨૦મી માર્ચે અમદાવાદમાં ઇંગ્લૅન્ડ સામે ભારતે કોહલીના અણનમ ૮૦ રન ઉપરાંત રોહિતના ૬૪ રન અને હાર્દિકના અણનમ ૩૯ રનની મદદથી વિજય મેળવ્યો હતો. (૩) વન-ડેમાં પણ રોહિત-હાર્દિકની જોડી રંગ લાવી ચૂકી છે. ઇન્દોરમાં ૨૦૧૭ની ૨૪મી સપ્ટેમ્બરે ઑસ્ટ્રેલિયાએ ૨૯૩ રન બનાવ્યા પછી ભારતે ત્રણ શાનદાર હાફ સેન્ચુરીની મદદથી ૪૭.૫ ઓવરમાં ૨૯૪/૫ના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો. એ ત્રણ સેન્ચુરિયનોમાં અજિંકય રહાણે (૭૦ રન) ઉપરાંત રોહિત (૭૧ રન) અને હાર્દિક (૭૮ રન)નો સમાવેશ હતો.
આ ઉપરાંત બન્નેએ ભારતને ઘણી વન-ડે અને ટી-૨૦ જિતાડી આપી છે અને મુંબઈ ઇન્ડિયન્સ કે જેમાં હાર્દિક ૨૦૧૫ની સાલથી રોહિતની કૅપ્ટન્સીમાં રમતો હતો એમાં બન્નેએ ટીમને ઘણા વિજય અપાવ્યા હતા. એટલું જ નહીં, મુંબઈ ઇન્ડિયન્સ પાંચ ટાઇટલ જીત્યું એમાંથી ચાર ટાઇટલ (૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯, ૨૦૨૦) વખતે હાર્દિક તેના કૅપ્ટન રોહિતની પડખે જ હતો.
ભારતના દિગ્ગજ ક્રિકેટરો એકબીજાના હાથ નીચે રમે એ કોઈ નવી વાત નથી. ૨૪મી માર્ચે અમદાવાદમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મૅચ વખતે હાર્દિકનો હુરિયો બોલાવવામાં આવ્યો એ વિશે રવિચન્દ્રન અશ્ર્વિને ખેદ વ્યક્ત કરતા કહ્યું હતું, ‘ભારતના સિનિયર ખેલાડીઓ એકમેકના સુકાનમાં રમે એ કોઈ નવી વાત નથી. સચિન તેન્ડુલકર અને સૌરવ ગાંગુલી એકબીજાના નેતૃત્વમાં રમ્યા હતા. એ બન્ને દિગ્ગજો રાહુલ દ્રવિડની કૅપ્ટન્સીમાં રમ્યા હતા. ત્રણેય લેજન્ડરી ત્રિપુટી અનિલ કુંબલેની કૅપ્ટન્સીમાં રમ્યા હતા અને એ ચારેય ખેલાડી એમએસ ધોનીના હાથ નીચે રમ્યા હતા. એ તો ઠીક, પણ ધોની એક સમયે વિરાટ કોહલીની કૅપ્ટન્સીમાં રમ્યો હતો.’
તાજેતરમાં વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સના કૅમ્પમાં રોહિત અને હાર્દિક એકમેકને ભેટ્યા એને ધ્યાનમાં રાખીને વધુ સકારાત્મક દૃષ્ટિકોણથી જોઈએ તો ક્રિકેટપ્રેમીઓમાં એક વર્ગ એવો પણ હશે કે તેઓ હાર્દિક-રોહિત પ્રકરણ વહેલાસર સમેટાઈ જાય એવું ઇચ્છતા હશે.
હાર્દિક પ્રચંડ વિરોધી સૂરને ધ્યાનમાં રાખીને ખુદ એમઆઇની કૅપ્ટન્સી છોડે અથવા ટીમનું મૅનેજમેન્ટ તેના સ્થાને રોહિતને ફરી સુકાન સોંપે એમાં પડવા કરતાં આપણે એટલું જ ઇચ્છીએ બન્ને દિગ્ગજો વચ્ચેની જે ઊંડી ખાઈ છે એ બહુ જલદી ભરાઈ જાય. એવું થાય એ જ એમઆઇના તેમ જ આફટરઑલ ભારતીય ક્રિકેટના હિતમાં છે. ટી-૨૦નો વર્લ્ડ કપ બહુ દૂર નથી. આઇપીએલ પછી જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-૨૦ વિશ્ર્વ કપ માટે મોટા ભાગે રોહિતને કૅપ્ટન બનાવવામાં આવશે કે હાર્દિકને એ પણ મોટો સવાલ છે. એના ઉકેલ માટે જરૂરી છે કે હાલની મડાગાંઠ વહેલી તકે ઉકેલાઈ જાય.
વર્ષો બાદ ફરી કૉમેન્ટરી બૉક્સમાં ધૂમ મચાવી રહેલા નવજોત સિંહ સિધુએ બહુ સરસ કહ્યું છે કે ‘જો રોહિતને જૂનના ટી-૨૦ વર્લ્ડ કપનો કૅપ્ટન અત્યારથી જ બનાવી દેવાયો હોત તો એમઆઇના ફ્રૅન્ચાઇઝીએ હાર્દિકને કૅપ્ટન બનાવ્યો જ ન હોત.’