‘જસ્ટ ટુ મિનિટ’ ગઝલ બ્યુરો
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
આ કવિતાનો નશો પણ કેવો! તેર સો રૂપિયા ભરી જસ્ટ ટુ મિનિટ’ કલા બ્યુરોમાં કવિતા શીખવા પેલા આધેડભાઈ વાળમાં કલર કરીને કફની-પાયજામો અને ખભે બગલ થેલો લઈને સૌથી પહેલા પહોંચી ગયા. (કવિ બનવાની કેટલી ધગશ!) અંદરના ઓરડે જઈ જોયું તો પેલી યુવતી ગુરુજીના પગમાં બેઠી હતી. પેલા આધેડ કિશનભાઈ પણ ગુરુજીને પ્રણામ કરી બેઠા. સૂટબૂટમાં સજ્જ રિવોલ્વિંગ ચેરમાં બેઠેલા ગુરુનો ઇન્ટરનેશનલ પ્રભાવ જોઈને કિશનભાઈ પ્રભાવિત અને પ્રસન્ન થઈ ગયા. ગુરુજી એક પ્રશ્ર્ન પૂછું?’ કિશનભાઈએ પોતાની ઊર્મિ બહાર કાઢવી શરૂ કરી.
પૂછો, જલદી પૂછો. મારી પાસે સમય નથી. હમણાં મારે ઇન્ટરનેશનલ વર્કશોપ ઓન ઇન્ટરનેટ કરવાનો છે. યૂ નો… હવે મને એકલદોકલને કલાક જ્ઞાન આપવાનું વ્યર્થ લાગે છે. પહેલાં તમને યાદ હશે. એક બેરાળુબાપુ થઈ ગયા. તેઓ એક ફૂંક મારે એટલે હજારો લોકોને એક ફૂંકનો પ્રભાવ મળી જાય. બધાના રોગ સાગમટે મટી જાય. એમ હવે હું પણ નેટ ઉપર જસ્ટ ટુ મિનિટ’માં મારી કલા હજારો સુધી પહોંચાડીશ. યૂ નો… આજકાલ આ જ્યાં ને ત્યાં ચાલતી શિબિરોમાં યૂ નો… કેટલી તકલીફ પડે છે! જમાનાની સાથે ગુરુઓએ પણ અપડેટ થવું પડશે.’
ગુરુજી પહેલાં મારો કેસ લઈ લો.’
તમારી બે મિનિટ પૂરી થઈ ગઈ. એમ કહી આ તમારી ચેલી સોબસ્સો અમથા અમથા પડાવે છે.’
યૂ નો… શંકા નિવારણ પ્રશ્ર્નોના જવાબ માટે કિંમત તો ભરવી જ રહી, સમજ્યા?’ હા તો હવે કવિતા બે મિનિટમાં શીખીશું. ચાલો, બોલો ભાઈ, કયા પ્રકારની કવિતા શીખવી છે?’
મારે પ્રેમની કવિતા શીખવી છે, ગુરુજી.’
કિશન, ડોન્ટ સે મી ગુરુજી, સે મી સર. ઓકે. હવે આંખ બંધ કરીને જરા પ્રેમનું સપનું જોવાની કોશિશ કરો. જસ્ટ ટુ મિનિટ.’
ઓકે સર’ એક મિનિટમાં જ કિશનભાઈએ આંખ ખોલી.
કિશન, શું જોયું?’
સર, હું મારી પ્રેમિકા સાથે બાગમાં ગીત ગાતો હતો.’
ઓકે કિશન, શું ગાતો હતો? એ પ્રેમગીત તારા શબ્દોમાં ઉતાર. યૂ કેન કિશન, યૂ કેન… સમજી લે કે, તું કિસન ઉર્ફે કૃષ્ણ છે. ગા… કિશન ગા…’
અને કિશને ગાયું; રંગબેરંગી ફૂલો વચ્ચે તારું મારું મળવું…
વાહ વાહ! કિશન, હવે પ્રાસ બેસાડ. મળવું સાથે ભળવું, હળવું, કંઈપણ ચાલે… આગળ વધ કિશન… યૂ કેન…’
અને કિસને ફરી એની અંદરની દોમ દોમ ઊર્મિઓ ઠાલવતા ગાયું;
રંગબેરંગી ફૂલો વચ્ચે તારું મારું મળવું,
લાગે જાણે સપના જેવું, તોય ના પાછા વળવું…
વાહ વાહ, કિશન! આ જ તો મારે તારી પાસેથી જોઈતું હતું. ભીતરની ઊર્મિ બહાર આવી ગઈ. બરાબર બે મિનિટમાં કવિતા શીખી ગયો. કિશન જા… હવે ફતેહ કર. કોઈ બાગમાં જઈને લલકાર, તને તારા સપનાની રાણી અવશ્ય મળી જશે.’
પણ સર, પેલી કાફિયાવાળી ગઝલ શીખવો. આજકાલ ગઝલનો વાવર બહુ છે. સર, લ્યો હું કાફિયાનું લિસ્ટ હો વેચાતું લઈ આયવો છું અને રદીફનું લિસ્ટ હો મોંઘુ હતું, પણ બ્લેકમાં હો લેતો જ આવ્યો. તમારે માટે હો થોડું હેલ્લું પડે, સર.’
જો કિશન, એક તો તું રદીફ-કાફિયાનો દસ ગણો ભાવ આપીને આવ્યો છે અને બીજી વાત તારી બે મિનિટ પૂરી થઈ ગઈ છે હવે. ગઝલ એ બીજી કલા છે અને અઘરી પણ છે, તો એના બે હજાર લાગશે. પહેલાં કાઉન્ટર પર ફી જમા કરાવો પછી મારા બનાવેલા ઉચ્ચકક્ષાના રદીફ વાજબી ભાવે બહારથી ખરીદો અને મારા પુસ્તકો રેફરન્સ માટે ખરીદો. પછી આપણે ગઝલ ગઝલ રમીએ. ઓકે મિસ્ટર કિશન? એની મોર પ્રશ્ન?’
નો સર..’ (મુંડાવાનું હુ બાકી છે?)
આટલું બોલીને સરે વિદાય લીધી. કિશન ઉર્ફે દેવદાસે ખિસ્સામાં હાથ નાખ્યો તો હાથમાં માત્ર ઘરે જવાનું રીક્ષા ભાડું હાથ લાગ્યું. પેલી યુવતીએ સરના જતા જ પોત પ્રકાશ્યું, મિ. કિશન, હું પણ ગઝલ શીખવાડું છું. તમારા ઘરે આવીને સાંજે સાંજે શીખવાડીશ. જે આપવું હોય તે બંધ મુઠ્ઠીએ આપજો. ગઝલ તો બે મિનિટમાં તો શું, પણ હું તો એક જ મિનિટમાં શીખવાડી દઈશ. આખર શિષ્યા કોની છું!’
ઇન્સ્ટંટ મેગી હોઈ શકે પણ આ તો કલામાંય આવું? ઇન્સ્ટંટ ગઝલ? કવિઓની ભારે પ્રગતિ
ભઈ!