આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી 2024: એકનાથ ખડસેની ભાજપમાં ઘરવાપસી નિશ્ચિત

પુત્રવધૂ સામે ચૂંટણી નહીં લડું… શરદ પવારનો સાથ છોડ્યો!

(અમારા પ્રતિનિધિ તરફથી)
જળગાંવ: શરદ પવારને આંચકો આપીને એકનાથ ખડસે ફરી ભાજપમાં ઘરવાપસી કરવા જઈ રહ્યા છે. એનસીપી (શરદ પવાર) માંથી તેમની વિદાયની જાહેરાતની ઘડીઓ ગણાઈ રહી છે. પવારની યોજના ખડસેને રાવેર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડાવવાની હતી. જો કે, ખડસેએ તેમની પુત્રવધૂ – રક્ષા સામે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. રક્ષા ખડસે હાલમાં રાવેરના વર્તમાન સાંસદ છે અને ભાજપના સભ્ય છે. ભાજપે તેમને ફરીથી રાવેર બેઠક પરથી ઉમેદવારી આપી છે.

રાજકીય લાભ અને નુકસાનનું મૂલ્યાંકન કર્યા પછી 71 વર્ષના એકનાથ ખડસેએ પવારને છોડી દેવાનું શ્રેષ્ઠ માન્યું. ખડસેએ લગભગ સાડા ત્રણ વર્ષ પહેલા ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. 2016માં કેબિનેટ મંત્રી પદના દુરુપયોગ અને ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમને સરકારમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. ખડસેના ભાજપ છોડવા પાછળ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથેનો તણાવ પણ એક મહત્વનું કારણ હતું. ખડસે અને ફડણવીસ એકબીજાને પસંદ નથી કરતા.

આ પણ વાંચો : બોલો, કોંગ્રેસ વર્ધામુક્ત બન્યું એના માટે ફડણવીસે કોનો આભાર માન્યો

ખડસે ભાજપમાં પાછા ફરવાના પ્રશ્ર્ન પર ન તો સહમત થયા કે ન તો તેમણે આ સમાચારને નકાર્યા. જોકે, ભાજપના એક નેતાને ટાંકીને અગ્રણી અંગ્રેજી દૈનિકે લખ્યું છે કે ખડસેનું પાર્ટીમાં ફરી સ્વાગત કરવામાં આવશે. ભાજપના નેતાએ કહ્યું હતું કે ખડસેએ પૂર્વ અને ઉત્તર મહારાષ્ટ્રમાં ભાજપનું નિર્માણ કર્યું છે અને પાર્ટી નેતૃત્વની તેમની ક્ષમતાથી વાકેફ છે. ખડસેની વિદાય શરદ પવાર માટે મોટો ફટકો હશે. જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડીએ) ખડસેની કનડગત ચાલુ કરી ત્યારે શરદ પવાર સતત તેમની પડખે ઊભા રહ્યા હતા.

કોણ છે એકનાથ ખડસે?
જળગાંવ જિલ્લાના મુક્તાઈનગરથી છ વખત વિધાનસભ્ય રહી ચૂકેલા ખડસે 1995માં પ્રથમ વખત પ્રધાન બન્યા હતા. મનોહર જોશીની આગેવાની હેઠળની શિવસેના-ભાજપ સરકારમાં તેમને નાણા અને સિંચાઈ ખાતાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. રાજ્યમાં ભાજપને ગામેગામ સુધી પહોંચાડનારા પ્રારંભિક નેતાઓમાંથી એક ખડસેને એક સમયે ગોપીનાથ મુંડે જેટલું સમકક્ષ સ્થાન રાજ્ય ભાજપમાં હતું.

તેઓ નારાયણ રાણેની સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતા. ફડણવીસ સાથે મતભેદો અને ભ્રષ્ટાચારના આરોપોને કારણે ખડસેએ 3 જૂન, 2016ના રોજ મહારાષ્ટ્રની કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારપછી તેઓ સંપૂર્ણપણે ભાજપમાંથી સાઈડલાઈન થઈ ગયા હતા. સતત થઈ રહેલી તેમની અવગણનાથી નારાજ ખડસેએ ઓક્ટોબર 2020માં ભાજપ છોડીને એનસીપીમાં જોડાવાની જાહેરાત કરી હતી. હાલમાં ખડસે વિધાન પરિષદના સભ્ય છે. તેમની પુત્રી રોહિણી એનસીપી (એસપી)ની મહિલા પાંખની પ્રમુખ છે.

ખડસે 2014ની વિધાનસભા ચૂંટણી દરમિયાન વિપક્ષના નેતા હતા. તેમણે કોંગ્રેસ-એનસીપી પર જોરદાર પ્રહારો કર્યા હતા. વિધાનસભામાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. ત્યારે બધાને લાગતું હતું કે કદાચ ખડસેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવામાં આવશે. પરંતુ ભાજપે મુખ્ય પ્રધાન પદ માટે ફડણવીસની પસંદગી કરી હતી. ફડણવીસની કેબિનેટમાં એક ડઝનથી વધુ મંત્રાલયોની જવાબદારી ખડસે પાસે હતી. 3 જૂન, 2016 ના રોજ, તેમને ભ્રષ્ટાચાર અને પદના દુરુપયોગના આરોપોને કારણે ખુરશી છોડવા માટે કહેવામાં આવ્યું હતું. ખડસે પર તેમના જમાઈ ગિરીશ ચૌધરીને પુણેમાં જમીન ફાળવવાનો આરોપ હતો.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તપાસ વધુ તીવ્ર બનાવી અને ચૌધરીની ધરપકડ કરી, જેને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. એન્ટી કરપ્શન બ્યુરોએ ખડસે અને તેમના પરિવારના સભ્યો સામે કેસ નોંધ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button