લાડકી

લાંછન

ટૂંકી વાર્તા -પૂજાભાઇ પરમાર

ઘર પર આવી જનકરાયે ડોરબેલ પર આંગળી મૂકી. બારણું ખોલી મફતલાલ બહાર આવ્યા. આંખો ચોળી. ‘તમે એકલા અટાણે?’ ‘ના અમે ચાર જણ છીએ.’ મફતલાલે ધોતીની ગાંઠ ભીડતાં પાછળ જોયું. વધારે ગમ ન પડી. આમ અચાનક જનકરાય કાંઇ પેલવારકું નહોતા આવ્યા. એકને બદલે ચાર જણ. જરૂર કાંઇક ગોપનીય કામ હશે.

મફતલાલે ભાવથી આવકાર્યા. ચાપાણીની રસમ શરૂ થઇ. ‘કહો લ્યો.’ મળીને આવ્યા છો તો કાંઇક કામ હશે.

‘ખાસ કાંઇ નહીં.’

‘તબિયત વિશે પૂછશો તો એકદમ સરસ.’

‘સારું સારું આ ઉંમરે શરીરની ફરિયાદ ન રહે તો સારું. વામનભાઇએ કહ્યું એટલે ત્રણેએ માથાં હલાવ્યાં. દોલતભાઇએ મૂળ વાત કહેવા હોઠ ઊંચકાયા પણ એમનાથી કાંઇ બોલી શકાયું નહીં. આખરે જનકરાયે વાત ઊંચકી. સાથે આવ્યા એ આ ગીરધરભાઇ. એમનો મગન ૨૮ વર્ષનો થયો છે પણ હજી ક્યાંય પાટો બાઝ્યો નથી. તમે મુકુંદભાઇ ખોખરાવાળાને સારી રીતે ઓળખો છો. એમના ઘર સાથે પણ તમારે ઘરોબો છે. ગોઠવાય તો એમની દીકરી સાથે ગોઠવી દો.

‘દીકરો શું કામ કરે છે?’

‘સંચો ચલાવે છે. મોકાની કેબિન છે. સીવવાનું કામ સારું જાણે છે. સારું સમાય છે. બાર સુધી ભણ્યો છે.’

‘તમે જાણો છોને. મુકુંદભાઇની દીકરી કૈલાસે બી.એ.બી.એડ્. કર્યું છે.

‘અરે ભાઇ, નોકરી ક્યાં કોઇને મળે છે. ગમે તેટલું ભણ્યા હોય તોય. જઇને વાત તો નાખી જુઓ.’

‘તમે આમ આવો. મફતલાલ અને જનકરાય અંદર ગયા.’

‘તમે ગીરધરભાઇને પેલી વાત કરી છે?’

‘કંઇ વાત?’

‘કૈલાસના બારામાં કોર્ટ કેસ થયો
હતો તે.’

ભાલાદમી, એણે તો વર્ષો થઇ ગયાં. વાતેય ભુલાવા આવી છે. છોકરો છોકરી એકબીજાને જુએ, રાજાને ગમે તે રાણી ને છાણા વીણતા આણી. ગીરધરભાઇને આ ટાણે કાંઇ કહેવાની જરૂર નથી. કૈલાસ ભારે રૂપાળી છે. છોકરાને ગમી જશે.

‘પણ છોકરી છોકરાને નહીં ગમાડે તો?’

‘ગમાડશે જરૂર ગમાડશે. કોર્ટનું લફરું જાણી જનારાં બધાં ભાગી જાય છે. કોઇ હાથ ઝાલતું નથી. હું છુંને. મોકલો મોકલો, છોકરાને જોવા મોકલો.’

મફતલાલ અને જનકરાય હતા ત્યાં આવી બેઠા. બીજીવાર ચા આવી. પી બધાં છૂટા પડ્યા.


રડતી માંદલી જેવી દીકરીને બાપે કહ્યું. ‘ફરિયાદ કર આજે તારે માથે થયું એવું બીજી માથે થાય. નામ આપી દેવાનું. હું છુંને.’

કોલેજની ઘણી વિદ્યાર્થિનીઓએ જોયું હતું. સાફ વાત હતી. દલો ઢસડીને કૈલાસને અવાવરું રૂમમાં લઇ ગયો હતો. ચીસાચીસ કરી મૂકી હતી. પણ કોઇ વિદ્યાર્થિની કે પ્રાધ્યાપક મદદે આવ્યું નહોતું. શ્ર્વાસ લેવા તરફડતી કૈલાસના મોઢે દલાનો પંજો દબાઇ ગયો હતો. થોડીવારે બારણું ખૂલ્યું. દલો બહાર આવ્યો. ચેમ્બરમાં દાખલ થઇ રિવોલ્વિંગ ચેરમાં બેસી ફાઇલો આમતેમ ઊથલાવવા લાગ્યો. જાણે કાંઇ બન્યું જ નથી. કુમળી વયની વિદ્યાર્થિની. એક ભયાનક ઘટના. બી.એડ્. કોલેજમાં અભ્યાસ કરવા આવી હતી કૈલાસ. બીજી વિદ્યાર્થિનીઓની જેમ.

બાપે કહ્યું હતું. ‘હું છુંને કૈલાસને હિંમત આવી. પોલીસ ઇન્સ્પેકટરની ચેમ્બરમાં દાખલ થઇ. થોડીવાર ફફડાટ જાગ્યો. મન કડું કર્યું.

‘આવો બેસો. પોલીસ ઇન્સ્પેકટર સાહેબે સામેની ખુરશી પર બેસવા સંકેત કર્યો. ધમણ વધી જતા ખુરશી હડફેટમાં આવી ગઇ. બેઠી બનેલી ઘટના વર્ણવવા મનમાં.

શબ્દોના ટુકડા જોડ્યાં પણ બેબાકળી અવસ્થામાં કાંઇ બોલી શકાયું નહીં. અંતે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી સાહેબને નહોતું સમજાતું તેવું સમજાવા લાગ્યું. ચહેરાને ધ્યાનથી જોતાં પૂછ્યું ‘શું ફરિયાદ છે બહેન? કૈલાસે ફફડતે હોઠે બધું કહી સંભળાવ્યું અને રુદનથી તૂટી પડી.

આખી કોલેજની છોકરીઓ, પ્રાધ્યાપકોય ખરા પણ સૌને નોકરી કરવી છે. દરિદ્ર માતાપિતાઓએ ડોનેશનની માંડ સગવડ કરી ભણવા મૂકી હોય ત્યાં સાક્ષી થવા કોણ ઊભું રહે? દલો બોલીનો કબાડ. કોલેજનો માલિક જ એ. ટ્રસ્ટ તો નામનું. છોકરીઓને ઊઘાડી ગાળો બોલે. ધગધગતા લાવા જેવો, કોઇ સામે બેસી શકે નહીં. પ્રાધ્યાપકો પણ.

સાહેબે ધીરજ આપી ફરિયાદ લખાવી લીધી. ‘જાઓ હું તપાસ કરું છું.

ઇન્સ્પેકટર સાહેબ કમ્પાઉન્ડમાં દાખલ થયા. પ્રવેશદ્વાર પર ખોદેલા અક્ષરોમાં સોનેરી રંગ પૂર્યો હતો. ‘ટ્રસ્ટ સંચાલિત દલપતભાઇ મહિલા બી.એડ્. કોલેજ’ ટ્રસ્ટનું કાંઇ ચાલે નહીં. દલપત કરે તે થાય. દલપત (દલો) જુદા જ પ્રકારનો માણસ.

ફરિયાદ દાખલ થયાની વાત એને મળી જ ગઇ હતી. જાતને ટટ્ટાર રાખતો એ બોલ્યો. આવો સાહેબ.

સાહેબે ધગધગતો રાતોચોળ ચહેરો કરી ભૂંડી ગાળ ફંગોળી. દલાએ ભારે જતનથી બહાર આબરૂ રાખી હતી પણ આ સાહેબ આગળ જીભ થોથવાવા લાગી. માંડ બોલાયું. સાહેબ, મારો કાંઇ ગુનો?

‘ગુનાવાળીના, તું અહીં છોકરીઓને અભ્યાસ કરવા બોલાવે છે કે એમના શિયાળ લૂંટવા?’ હરામખોર! સાહેબે એને હાથકડી પહેરાવી દીધી. દલાને ખબર જ હતી આમ થશે એટલે તેણે હાથકડીવાળા હાથ જોડ્યાં ‘સાહેબ, બહાર મારી આબરૂ છે. રિકવેસ્ટ કરું છું. મને એમને એમ લઇ જાઓ.’

સાહેબને થયું. આવડો મોટો માણસ આમ કરગરે છે. સાહેબે હાથકડી છોડાવી નાખી. સાહેબ એને લઇને ચાલ્યા ત્યારે કોલેજના રૂમોની બારીઓ ચોતરફથી ખુલ્લી થઇ ગઇ હતી.

આજે એ ડગમગી ગયો હતો. અત્યાર સુધી જે કાંઇ કર્યું હતું તે બેપરવાહીથી કર્યું હતું. કોઇએ ક્યારેય ફરિયાદ કરી નહોતી. આ કૈલી તો ભારે નીકળી. જાતે જ પોલીસથાણે ગઇ અને આવું થયું. પણ થઇ થઇને થશે શું? આ લોકોની નજર પૈસા સામે. થોકડીઓ મૂકી ત્યાં પાણી પાણી. છેક પોલીસ કમિશનર સુધી એવું. કોઇ પરેશાની નહીં.

કેસ કોર્ટમાં દાખલ થયો. વકીલોની જુસ્સાપૂર્વક દલીલો થઇ. અંતે નજર જોનાર નોકરી જવાની બીકે પ્રાધ્યાપકો કે કોલેજમાંથી કાઢી મૂકવાની બીકે વિદ્યાર્થિનીઓ કોઇ સાક્ષી ન થયું. પણ દલો નપુંસક હોવાનું જાણી અદાલતને દયા આવી અને દલાભાઇ છૂટી ગયા. કોલેજ બંધ થઇ જાય એવું માનવાને કારણ કયાં હતું… રાબેતા મુજબ બધું ચાલતું હતું. દલાભાઇ હતા તે ખુરશી પર આવી ગયા. નપુંસક હોવાનું સર્ટિ. ભારે કામ લાગી ગયું. નિર્દોષ છૂટી જવાનું કારણ જ આ સર્ટિ. બન્યું હતું. ડૉકટરનું ખીસું ગરમ થઇ ગયું હતું. પણ કૈલાસ તો ભારે નીકળી. એક વકીલે એને સલાહ આપી. ‘મેડિકલ કમિટીના બારણાં ખખડાવ. ત્યાં કોઇની વગ કે લાંચફીસ ચાલતી નથી. તને ન્યાય મળશે. હજી ક્યાં મોડું થયું છે?

કૈલાસના હૈયામાં હતાશાનો બોજ ઊંચકાતો નહોતો. હૈયું તૂટીતૂટીને ફાટતું હતું. ભીંતને ચોંટીને બેસી રહ્યો કામ નહીં આવે. બાપા તો બિન્ધાસપણે કહેતા હતા. ‘હું છુંને પણ અત્યાર સુધી કામ આવ્યા નહોતા. તે એકલી ઊપડી. પગ થથરતા હતાં પણ હિંમત તો એટલી કે પહેલા જેટલી ચારિત્ર્યમાં મોટી તડ પડી ગઇ હતી. દલા સામે વેર લેવું જ છે. મન ભારે જક્કી અને અડિયેલ. ભય તો હતો શું થશે? પૂરી તાકાતથી પહોંચી વડી અદાલતે. વકીલોનો જમેલો હતો. પબ્લિક પ્રોસિક્યુટર અચાનક સામે આવ્યા. પોતાની જીભ ઊપડે એ પહેલાં આંખોના બંધ છૂટી પડ્યાં. ચહેરો તો નીચે જ રાખેલો.
આમ કોઇ યુવાન છોકરી પુરુષવર્ગ સાથે રાખ્યા વગર એકલી અંદર ક્યારેય આવી નહોતી. પબ્લિક પ્રો. વકીલે જોયું ઉજળો વાન. ચહેરો પર થોથર, આંખના પોપચાં ભારે, પૂરેપૂરી દબાઇ ગયેલી. ‘બહેન, શું છે? આમ એકાએક શાને રડી પડ્યા?

‘માફ કરો સાહેબ, હું એક શિક્ષિત યુવતી છું. મારા પર રેપ થયો છે. રેપ કરનારે ડૉકટરનું નામર્દ હોવાનું ખોટું સર્ટિફિકેટ આપેલ છે. પુરાવાના અભાવે નામર્દ હોવાનું ડૉકટરનું સર્ટિફિકેટ કામ કરી ગયું. કોર્ટમાં હારી ગઇ. કૈલાસ ચોધાર આંસુએ રડી પડી. ‘મારે અપીલ દાખલ કરવી છે.

વાત સાંભળી હાજર બધા વકીલો ચોંકી ઊઠ્યા. અદાલતે કેમ તપાસવા નિયમોરાહે મગાવવા કાર્યવાહી શરૂ કરી.

વાત દલાને કાને આવી. ડૉકટરે નપુંસક હોવાનું ખોટું સર્ટિ. આપ્યું હતું તે પણ ચોંકી ઊઠ્યા. પવનને ઝપાટે સૂકી ડાળ તૂટી પડે એમ બંને તૂટી પડ્યાં. દલાની મેડિકલ કમિટી તપાસ કરે તો ડૉક્ટરનું નપુંસક હોવાનું આપેલું સર્ટિ. ખોટું સાબિત થાય. દલો દોડતો ડૉક્ટર આગળ ગયો. ‘સાહેબ, તમે સર્ટિ. આપ્યું છે તે ખોટું નહીં પડે ને?

‘ના તે અપીલમાં ખોટું નહીં પડે. લખ્યું એ સાચું. બીજું નહીં બોલું. તમે નિશ્ર્ચિત રહો. ડૉક્ટરે કહ્યું.

‘સાહેબ, તમે મને જેલભેળો નહીં કરોને?

દલો ગયો પછી ડૉકટર મૂછમાં હસ્યા એમનું આપેલું સર્ટિફિકેટ ખોટું સાબિત થાય તો એમને સજા થાય. પ્રેક્ટિસ અચકાય જાય એવું ડૉકટર બરાબર જાણતા હતા. કેસ વડી અદાલતમાં રિઓપન થયો. બંનેને મેડિકલ કમિટી સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યાં. દલાની મેડિકલ તપાસ થઇ. કમિટીના મેમ્બરે ડૉકટરને પૂછ્યું. ‘દલપત નપુસંક હોવાનું સર્ટિ. તમે આપ્યું છે?

‘હા મેં આપ્યું છે માર સહીથી.

‘પણ આ દલપત અમારી તપાસમાં પૂરા મર્દ હોવાનું સાબિત થાય છે.

‘આ દલપત? આને તો મેં ક્યારેય જોયા નથી. હું એમને ઓળખતો પણ નથી. મારી આગળ સર્ટિ. લેવા આવેલો દલપત નામે બીજો જ કોઇ માણસ હતો. આ ભાઇને મેં ક્યારેય પણ દીઠા નથી.
‘હત તારી… દલાએ ડૉકટરને મનમાં મોટી ગાળ આપી.

અંતે ડોક્ટર છૂટી ગયાને દલાને એક વર્ષની સજા પડી.


કૈલાસ ડ્રોઇંગરૂમમાં દોડી આવી. બે જણ આવી લાગ્યા હતા અને લગી. મફતલાલ અને ગીરધરભાઇ બે મુકુંદરાય ખોખરાવાળાએ કૈલાસને કહ્યું. ‘બેટા, બારણું ખોલ. કોઇ આવ્યું લાગે છે.
‘અરે, મફતલાલ તમે? ઘણે દિવસે? સાથે કોણ છે?

‘બંને એક સપાટે અંદર પ્રવેશ્યા. સોફા ઉપર બેઠા અને મફતલાલ બોલ્યા! ‘આ છે ગીરધરભાઇ. ખાસ કામે આવ્યા છીએ.

‘વેલકમ વેલકમ બોથ આર. યુ. કૈલાસ તરફ વળી ‘બેટા, ચા મૂક, બંને તરફ વળી ‘કહો લ્યો કહો. શું ખાસ કામ છે?’

‘આ ગીરધરભાઇ રહ્યાને એ મારા મિત્ર છે. ખાસ મિત્ર, એમના દીકરા મગનની કૈલાસ માટે વાત લાવ્યા છીએ.’

‘છોકરો શું કરે છે?’

‘ઘરનો સંચો, ઘરનું કેબિન, લાઇન લાગે છે કપડા સીવરાવવાવાળાઓની. બાર ધોરણ ભણ્યો છે.’

કૈલાસના કામ વાત તરફ વળેલા હતા. જલતરંગની માછલી જેમ સરસર કરતી તાસક પર ટી-પોટ મૂકી ડ્રાઇંગરૂમમાં આવી. સોનેરી શરીર આંખને ગમી જાય એવું પણ ૨૮મે વર્ષે મુખ ઉપર ઉમરની જલદી ન કળાય એવી આછી રેખાઓ અંકાઇ ગયેલી.

મુકુંદરાય ખોખરાવાળા તો ઘડીક કૈલાસના રૂપલાવણ્યની વાતમાં તો ઘડીક આત્મશ્ર્લાઘાની વાતમાં ઊતરી પડ્યા.

નીચા મોંએ આંખો સજજડ બંધ રાખીને કૈલાસ તો ખૂણે બેઠી રહી. એનાથી કાંઇ બોલી શકાય એમ નહોતું. એને થયું પપ્પા પેલી ડાઘાડૂઘીવાળી વાત ભસી ન નાખે તો સારું. ભેજાગેપ છે. ભસી નાખશે તો આવીને ચાલ્યા ગયેલામાં એકનો વધારો.

‘તમને ખબર છે ને મારી દીકરી વિશેની?’ મુકુંદરાયે પૂછ્યું.

‘પાકી ખબર છે. બી.એ.બી.એડ્. થયાની. છાંટા ઊડ્યા હોય એવું લેશમાત્ર બન્યું નથી એની ૨૮ વર્ષની ઉંમરમાં. મફતલાલે કૈલાસનો ડાઘ ઢાંક્યો.

‘ઓલુ?’

‘બાપા, તમે તો ખરા છો.’ કૈલાસ મુકુંદરાયને રસોડામાં ખેંચી ગઇ. ‘પપ્પા, હવે વાતોનું મોટું લપસીંદર બંધ કરો અને મહેમાનોને પૂછો કે રસોઇમાં શું જમવું છે?’

‘લે આતો હું પૂછવું જ ભૂલી ગયો. બહાર આવી પૂછ્યું. મહેમાનો, બોલો શું જમવું છે?’ મફતલાલે કહી નાખ્યું. ‘કૈલાસની હા હોય તો લાપસીના જ આંધણ મુકાયને. બરાબરને ગીરધરભાઇ?’
ગીરધરભાઇએ મણ એકનું માથું હલાવ્યું.

જમી પરવારી સૌ ઊભાં થયાં. બેઉ બાપ-દીકરી ગેટ સુધી વળાવવા આવ્યાં. ‘આવજો આવજો ના અવાજો થયાં.’

મગનને થયું એની જિંદગી જોડાણની વાત કરી આવ્યા છે બાપા. પણ એના પેટમાં કશુંક ગોળગોળ ફરતું હતું કાદવ જેવું કૈલાસ વિશે. એનું શું? પછી તો આકળવિકળ થઇ તપાસ આદરી મિત્રોનેય પૂછ્યું. એક જવાબ મળ્યો. એનાથી એનો શ્ર્વાસ રુંધાવા લાગ્યો.

બાપે કહ્યું ‘જા, ક્ધયા જોવા. આજનો દિવસ અણુંજામાં કાઢી નાખ. ક્યાં સુધી વાંઢો રહીશ?’

એને થયું. બાપા કહે છે તો લાવ જઇ આવું. ક્યાં દૂર જવાનું છે?

રિક્ષા. એણે બૂમ મારી.
‘ક્યાં જવાનું છે?’

‘મોટા ખોખરા.’
‘કોને ત્યાં?’

‘મુકુંદરાય ખોખરાવાળાને ત્યાં.’
‘મેળ પડ્યો લાગે છે કૈલાસ હારે?’

‘તમે એને ઓળખો છો?’

‘સારી રીતે, ઓલ્યા દલાભાઇ કોલેજવાળા હારે લફરું થયું હતું એ ને?’

મગનને કોઇએ ક્રૃરતાથી સબોસબ ચાબકા વીંઝયા હોય એવું થયું.

રિક્ષા ઝડપથી ચાલતી હતી ત્યાં સામેથી કોઇની ખાલી રિક્ષા આવતી દેખાઇ. મગને બૂમ મારી. ‘રિક્ષા.’
સામેની રિક્ષા ઊભી રહી ગઇ. બેઠો હતો એ રિક્ષાવાળાને ભાડું ચૂકવી એ ઘર તરફ વળી ગયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button