ટાબરિયો બની ગયો ગાંગુલી
અમદાવાદ: 2002માં ઇંગ્લૅન્ડમાં રમાયેલી નૅટવેસ્ટ ટ્રોફીની ફાઇનલ યાદ છેને? સૌરવ ગાંગુલીએ ભારતની શાનદાર જીત પછી લૉર્ડ્સની ગૅલેરીમાં ઊભા રહીને ટી-શર્ટ કાઢીને અવિસ્મરણીય વિજય સેલિબ્રેટ કરીને એને વધુ યાદગાર બનાવી નાખ્યો હતો. ગાંગુલીનો ત્યારે ફૅનબેઝ ખૂબ વધી ગયો હતો અને બીજી તરફ કેટલાક લોકોએ ગાંગુલીના આ વર્તનની ખૂબ ટીકા પણ કરી હતી.
થોડા દિવસ પહેલાં ગુજરાત ટાઇટન્સની એક મૅચ દરમ્યાન એનો બાળ-ચાહક પોતાની ખુરસી પર ઊભા રહીને પહેલાં તો ખૂબ નાચ્યો હતો અને થોડી વાર બાદ વધુ ઉત્સાહિત હાલતમાં તેણે પોતાની જર્સી કાઢીને ફેંકી હતી. એ પછી તે થોડા ચેનચાળા કર્યા બાદ નીચે ઉતર્યો અને આગળની રો પાસે જઈ ત્યાં પડેલી પોતાની જર્સી લેતો આવ્યો હતો.
આ ઘટનાની વીડિયોની સાથે સોશિયલ મીડિયા પર એક ફુટબૉલ મૅચ દરમ્યાન બનેલી આવી જ ઘટનાની મીમનો વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં એક બાળક જર્સી ઊંચી કરીને નાચ્યો હતો અને તેની આસપાસ બેઠેલા વડીલો પણ ખૂબ જોશમાં હતા.
ગુજરાત ટાઇટન્સની વાત પર પાછા આવીએ તો શુભમન ગિલના સુકાનવાળી આ ટીમ ત્રણમાંથી બે મૅચ જીતી ચૂકી છે. બેમાંથી એક વિજય મુંબઈ સામે અમદાવાદમાં મેળવ્યો હતો.