આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણી 2024: મુંબઈની દક્ષિણ-મધ્ય બેઠકની મડાગાંઠ ઉકેલવા મહાવિકાસ આઘાડીનો નવો ફોર્મ્યુલા

નસીમ ખાનને બેઠક આપીને ભાજપને ધોબીપછાડ આપવાનો વિચાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવા આડે ગણતરીના કલાકો બચ્યા છે ત્યારે હજી સુધી બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા પાકી થઈ નથી. મહાવિકાસ આઘાડી અને મહાયુતિ દ્વારા મુંબઈની બધી બેઠકો પર પણ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા નથી. અત્યારે મહાવિકાસ આઘાડીમાં સૌથી મોટા વિવાદની બેઠક હોય તો તે છે દક્ષિણ-મધ્ય મુંબઈની બેઠક. ગયા વખતે પુનમ મહાજન આ બેઠક પરથી જીતી હતી અને આ વખતે આ બેઠક પરથી શિવસેનાએ અનિલ દેસાઈના નામની જાહેરાત પહેલાં જ કરી નાખી છે, પરંતુ કૉંગ્રેસ સુનિલ દત્ત/ પ્રિયા દત્તની આ બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઊભો રાખવા માગે છે. આને માટે અત્યારે કૉંગ્રેસમાં કેટલાક નામ ચાલી રહ્યા છે. આમાંથી એક નામ નસીમ ખાનનું છે.

ભાજપના પુનમ મહાજન અથવા તો તેને સ્થાને ઉમેદવારી મેળવનારા અન્ય કોઈપણ નેતાને હરાવી શકવાની ક્ષમતા જો મુંબઈના કોઈ કૉંગ્રેસી નેતામાં હોય તો તે નસીમ ખાનમાં છે, એવું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : ઠાકરે જૂથના નેતાને પોતાના જ રિસોર્ટનો હિસ્સો તોડવાની ફરજ પડી, જાણો કેમ?

વાસ્તવમાં નસીમ ખાન લઘુમતી કોમના હોવા છતાં તેમના પર લઘુમતી કોમના નેતાનું લેબલ લાગ્યું નથી. વાસ્તવમાં તેમના કાર્યકર્તાઓમાં ગુજરાતી, ઉત્તર ભારતીય અને મરાઠી ભાષિક તેમ જ હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ બધા જ સમુદાયના લોકો જોવા મળે છે. આમ કૉંગ્રેસના જે ગણતરીના સર્વ સ્વીકૃત નેતાઓ છે તેમાંથી એક નસીમ ખાન છે.

મુંબઈમાં એક સમયે ગુરુદાસ કામત અને મુરલી દેવરાના સમયે કૉંગ્રેસનો જે દબદબો હતો તેવો દબદબો ફરીથી લાવવાની ક્ષમતા મુંબઈના કોઈ નેતામાં હોય તો તે નસીમ ખાનમાં છે એવું કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં અંદરખાને ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2024: મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની બેઠકોની ફાળવણી ક્યાં અટકી?

મહારાષ્ટ્રના પ્રધાન રહી ચૂકેલા નસીમ ખાનનો જનસંપર્ક ઘણો બહોળો હોવા છતાં તેઓ ક્યારેય કોઈ વિવાદમાં સપડાયા નથી. આમ બિન-વિવાદાસ્પદ, સ્વચ્છ પ્રતિમા, ભારે જનસંપર્ક અને રાજકીય અનુભવને ધ્યાનમાં લેતાં નસીમ ખાન આ બેઠક માટે યોગ્ય ઉમેદવાર માનવામાં આવી રહ્યો છે. મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષા વર્ષા ગાયકવાડ પણ આ બેઠક માટે ઇચ્છુક છે, પરંતુ તેઓ આ બેઠક જીતી શકશે નહીં એવું કૉંગ્રેસના જ અનેક લોકોને લાગી રહ્યું છે.

દક્ષિણ મધ્ય મુંબઈની આ બેઠકમાં મુસ્લિમો, દલિતો નોંધપાત્ર સંખ્યામાં છે અને આ બંને સમાજ અત્યારે મુંબઈમાં કૉંગ્રેસની સાથે છે. આ ઉપરાંત ઉત્તર ભારતીય અને ગુજરાતી મતોનો લાભ પણ નસીમ ખાનને મળી શકે છે આવી સ્થિતિમાં કૉંગ્રેસની દૃષ્ટિએ નસીમ ખાન આ બેઠક માટેના યોગ્ય ઉમેદવાર છે. બીજી તરફ આ બેઠક પર ત્રિપાંખિયો જંગ થાય તો પણ તેમાં નસીમ ખાન સહેલાઈથી જીતી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button