મયંક માત્ર ‘પાંચ કિલોમીટર’ દૂર છે એટલે શોએબ અખ્તર કાંપી રહ્યો હશે!
‘લખનઊ એક્સપ્રેસ’ હવે ‘રાવલપિંડી એક્સપ્રેસ’ની લગોલગ આવી રહ્યો છે
લખનઊ: પાટનગર દિલ્હીનો ફાસ્ટ બોલર મયંક યાદવ દિલ્હી કૅપિટલ્સની ટીમ વતી નહીં, પણ લખનઊ સુપર જાયન્ટ્સ વતી આઇપીએલમાં ધમાલ મચાવી રહ્યો છે. તેની ‘લખનઊ એક્સપ્રેસ’ એટલી પૂરપાટ દોડી રહી છે કે તેની અને પાકિસ્તાનના ‘રાવલપિંડી એક્સપ્રેસ’ વચ્ચે બહુ મોટું અંતર નથી એવું કહીએ તો ખોટું નથી.
21 વર્ષના મયંકે મંગળવારે બેન્ગલૂરુમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ સામેની મૅચમાં એક બૉલ કલાકે 156.7 કિલોમીટરની ઝડપે ફેંક્યો હતો. આઇપીએલની વર્તમાન સીઝનનો આ ફાસ્ટેસ્ટ બૉલ છે. તે હવે ભારતના જ ફાસ્ટેસ્ટ બોલર મનાતા ઉમરાન મલિક (157.0)ની ખૂબ નજીકમાં છે, પણ સમય જતાં વિશ્ર્વના ફાસ્ટેસ્ટ બોલર્સની નજીક પણ પહોંચી જશે તો નવાઈ નહીં લાગે.
શોએબ અખ્તર (રાવલપિંડી એક્સપ્રેસ) કલાકે 161.3 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકવા બદલ વિશ્ર્વનો ફાસ્ટેસ્ટ બોલર છે. તેના પછી બીજા નંબરે ઑસ્ટ્રેલિયાનો શૉન ટેઇટ (161.1 કિલોમીટર) તથા બ્રેટ લી (161.1 કિલોમીટર) છે અને ત્રીજા સ્થાને ઑસ્ટ્રેલિયાના જ જેફ થૉમસન (160.6 કિલોમીટર) છે.
આઇપીએલના અને મયંકના ઘણા ફૅન્સનું માનવું છે કે જો તે આ જ રીતે ઝડપી બોલિંગ કરતો રહેશે તો થોડા સમયમાં જ શોએબ અખ્તરનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખશે.
જોકે મયંકની બોલિંગની ઝડપને અત્યારથી જ શોએબની સ્પીડ સાથે સરખાવીને સોશિયલ મીડિયામાં જોક્સ અને મીમ્સ પણ વાઇરલ થયા છે. મયંકના એક ચાહકે એક્સ પર લખ્યું છે, ‘મયંકની બોલિંગ જોઈને શોએબ અખ્તર કાંપી રહ્યો હશે.
આઇપીએલના ફાસ્ટેસ્ટ બોલર્સમાં શૉન ટેઇટ (157.7) પહેલા નંબરે છે. લૉકી ફર્ગ્યુસન (157.3) બીજા નંબરે અને ઉમરાન મલિક (157.0) ત્રીજા નંબરે છે. મયંક યાદવ (156.7) ચોથા ક્રમે અને ઍન્રિક નોર્કિયા (156.2) પાંચમા ક્રમે છે.
સોશિયલ મીડિયામાં મયંકની ભરપૂર પ્રશંસા થઈ રહી છે:
(1) સૂર્યકુમાર: તેઝ ઔર તૂફાની…વૉટ અ સ્પીડ. (2) ડેલ સ્ટેન: ધેટ્સ અ સિરિયસ બૉલ (3) હર્ષા ભોગલે: તમે જે પણ કરી રહ્યા હો એ અટકાવીને મયંક યાદવની બોલિંગ જુઓ. લખનઊની ટીમને અભિનંદન…તમે રત્ન શોધી કાઢ્યો છે.
એક્સ પર એક ક્રિકેટપ્રેમીએ પણ બહુ સરસ લખ્યું છે, ‘દરેક વ્યક્તિ મયંક યાદવનો ફૅન બની રહ્યો છે. કલ્પના કરો…જૂનના ટી-20 વર્લ્ડ કપમાં બુમરાહ અને મયંક સામસામા છેડેથી બોલિંગ કરશે તો બૅટર્સની શું હાલત થશે!’