લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ, ખંભાળિયામાં કોંગ્રેસના હોદ્દેદારો સહિત 800 કાર્યકરોએ કર્યો કેસરીયો
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપે શરૂ કરેલા ભરતી મેળામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો જોડાઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. હવે જામનગરના સાંસદ પૂનમબેન માડમના નેતૃત્વમાં ભાજપે ફરી એકવાર હાલાર વિસ્તારમાં કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. જામનગર જિલ્લાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઈતિહાસનો સૌથી મોટો રાજકીય બદલાવ જોવા મળ્યો છે અને જિલ્લામાંથી કોંગ્રેસનો લગભગ સફાયો થઈ ગયો છે.
ખંભાળિયામાં જામનગરના સાંસદ પૂનમ માડમની ખાસ ઉપસ્થિતિમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપૂત સમાજની વાડી ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ભાજપના ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રમુખ મયુર ગઢવી, જિલ્લા પંચાયતના પ્રમુખ પરિવારના પી.એસ. જાડેજા સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગી અગ્રણી અને આહીર આગેવાન એભાભાઈ કરમુર (પરિશ્રમ ગ્રુપ) સહિતના કોંગ્રેસના શહેર તથા તાલુકાના આગેવાનોએ કોંગ્રેસને અલવિદા કહી અને ભાજપમાં જોડાયા હતા.
ભાજપમાં જોડાનાર અન્ય આગેવાનોમાં વિરોધ પક્ષના નેતા અને તાલુકા પંચાયતના સભ્ય યોગેશભાઈ નંદાણીયા, તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મણભાઈ ચાવડા, દ્વારકા કોંગ્રેસ ઓબીસી સેલના પ્રમુખ કિશનભાઈ ભાટિયા, તાલુકા પંચાયત સદસ્ય માલસીભાઈ દહિયા, 800 કોંગ્રેસીઓનો સમાવેશ થાય છે. દ્વારકા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સાવન કરમુર, ખંભાળિયા એપીએમસીના ડાયરેક્ટર બાબુભાઈ ગોજીયા અને 14 સરપંચો સહિત કાર્યકરોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો સહિત આશરે 800 જેટલા કોંગી આગેવાનો-કાર્યકરોએ ઢોલ નગારા સાથે કેસરિયા ધારણ કર્યા હતા.
આ તમામ આગેવાનો અને હોદ્દેદારોને સાંસદ પૂનમ માડમ, મુળુ બેરા, અગ્રણી મુળુ કંડોરીયા, મયુર ગઢવી વગેરેએ ભાજપનો ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા હતા. વિકાસલક્ષી અભિગમ તેમજ પાર્ટીની સામાન્ય લોકોના હિત માટેની કામગીરીથી પ્રભાવિત થઈને કોંગી કાર્યકરોએ ભાજપમાં જોડાઈને લોકસેવાલક્ષી અભિગમ અપનાવ્યો હોવાના પ્રતિભાવો તેઓએ વ્યક્ત કર્યા હતા.