લીકર કૌભાંડઃ ઈડી આમ આદમી પાર્ટીની કેટલીક મિલકતો જપ્ત કરવાની વેતરણમાં પણ

નવી દિલ્હીઃ ઇડીએ બુધવારે દિલ્હી હાઈ કોર્ટને જણાવ્યું હતું કે તે દિલ્હી દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીની કેટલીક મિલકતો જપ્ત કરવા માંગે છે પરંતુ તે મૂંઝવણમાં છે. ઇડી વતી કેસમાં હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે ઇડી દ્વારા કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી ફગાવી દેવી જોઈએ.
એડિશનલ સોલિસિટર જનરલ એ કોર્ટને કહ્યું છે કે અમે આમ આદમી પાર્ટીની કેટલીક મિલકતો જપ્ત કરવા જઈ રહ્યા છીએ. આવું કરીશું તો તેઓ કહેશે કે અમે આ બધું ચૂંટણી વખતે કર્યું. જો અમે નહીં કરીએ તો તેઓ કહેશે કે પુરાવા ક્યાં છે?
તેણે કોર્ટને કહ્યું હતું કે હાલ અમે તપાસ કરી રહ્યા છીએ અને કેજરીવાલ તપાસમાં સહકાર ન આપતો હોવાથી વધું ૧૫ દિવસની ન્યાયિક કસ્ટડીની માંગણી કરી હતી.
ઇડીએ કહ્યું કે દારૂ કૌભાંડમાં કેજરીવાલની ભૂમિકાની તપાસ હજુ પૂરી થઈ નથી ત્યારે આ અરજી ફગાવી દેવી જોઈએ. એ સામે એવી દલીલ કરવામાં આવી હતી કે આ અરજી જામીન માટેની અરજી છે. કેજરીવાલને તેની ઇડીની કસ્ટડીનો સમયગાળો પૂરો થયા બાદ વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ઇડીએ કોર્ટને જણાવ્યું હતું કે કેજરીવાલ તપાસમાં સહકાર નથી આપતો અને માટે ૧૫ દિવસની ન્યાયિક કસ્ટડીની માંગ કરી હતી જે સાંભળ્યા બાદ કોર્ટે કેજરીવાલને સોમવારે ૧૫ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.