વસઇમાં ધોળેદહાડે યુવકની હત્યા: ફરાર આરોપીની 35 વર્ષ બાદ ધરપકડ
પાલઘર: વસઇમાં ધોળેદહાડે યુવકની હત્યાના કેસમાં છેલ્લાં 35 વર્ષથી ફરાર આરોપીની પોલીસે સોમવારે ધરપકડ કરી હતી.
વસઇના નવઘર વિસ્તારમાં 30 નવેમ્બર, 1988ના રોજ ટોળાએ હુમલો કરીને સલીમ અકબર શેખ ઉર્ફે સલીમ કેસેટવાલા (24)ની હત્યા કરી હતી.
માણિકપુર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજુ માનેએ જણાવ્યું હતું કે આ પ્રકરણે વિજય સુદામ રાણે, શંકર બગલી મખાન, ધર્મા ધર્મેન્દ્ર, શેખર પૂજારી, ચંદ્રશેખર શેટ્ટી, ધનંજય બેલુર, કુમાર હોડે અને ક્લેમેન્ટ સાયમન લોબો ઉર્ફે મુન્ના વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો.
પોલીસે 1988માં આ કેસમાં છ આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે બેલુર અને લોબો ફરાર હતા. લોબો બેહરીનમાં હતો અને ત્રણ વર્ષ પહેલાં તે ભારત પાછો ફર્યો હતો.
પોલીસને તાજેતરમાં માહિતી મળી હતી કે ભારત પાછો ફરેલો લોબો વસઇના માણિકપુર વિસ્તારમાં રહે છે. આથી પોલીસ ટીમે સોમવારે છટકું ગોઠવીને લોબોને તેના ઘરેથી તાબામાં લીધો હતો.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સલીમ અખ્તર શેખ અને લોબો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જેને પગલે તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ હવે ફરાર બેલુરની શોધ ચલાવી રહી છે. (પીટીઆઇ)