“UPSCની તૈયારી સમયનો વ્યય છે…” EAC-PM સભ્ય સંજીવ સાન્યાલની ટિપ્પણી અંગે વિવાદ, જાણો શું છે મામલો
નવી દિલ્હી: વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) ના સભ્ય સંજીવ સાન્યાલ(Sanjeev Sanyal)એ સિવિલ સર્વિસની પરીક્ષા માટે તૈયારીઓ કરી રેહલા ઉમેદવારો અંગે ટીપ્પણી કરી હતી જેને કારણે વિવાદનો મધપુડો છંછેડાયો હતો. સાન્યાલે કહ્યું કે વર્ષો સુધી UPSCની તૈયારી કરતા રહેવું એ, યુવા શક્તિનો વ્યય છે. સરકારી સેવામાં સર્વોચ્ચ હોદ્દા પર રહી ચુકેલા ભૂતપૂર્વ સનદી અધિકારીઓએ સાન્યાલની ટીપ્પણી સાથે અસહમતી દર્શાવી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ્સની સિરીઝમાં, સંજીવ સાન્યાલે જણાવ્યું હતું કે “ UPSC અથવા આવી અન્ય પરીક્ષાઓ માટે પ્રયાસ કરવો તે સંપૂર્ણ રીતે યોગ્ય છે, પરંતુ માત્ર જો વ્યક્તિ અધિકારી બનવાની ઈચ્છાશક્તિ ધરવતો હોય તો જ. સમસ્યા એ છે કે લાખો લોકો 5-8 વર્ષ સુધી તૈયારીઓ કરતા રહી, તેને ‘જીવનની રીત’ તરીકે સ્વીકારી લે છે. આ યુવા શક્તિનો વેડફાટ છે.”
ALSO READ: ભર ટ્રાફિકમાં બાઇક પર યુપીએસસીનો અભ્યાસ કરતો જોવા મળ્યો Zomato ડિલિવરી બોય
એક પૂર્વ સનદી અધીઅકરીએ જણાવ્યું કે, ‘જો UPSC દ્વારા સિવિલ સર્વિસીસમાં જોડવા માટે લક્ષ્ય રાખવું એ સમયનો વ્યય હોય, તો પછી ક્રિકેટર અથવા એક્ટર જેવા પ્રોફેશન, જેમાં પરિશ્રમ, પ્રેરણા અને નિશ્ચયની સાથે સમયની જરૂર હોય છે, તો એ પણ સમયનો વ્યય હોવો જોઈએ. મારા મતે, આ પ્રતિષ્ઠિત પરીક્ષા અને તેના માટે આકાંક્ષા રાખનારા હિંમતવાન વિદ્યાર્થીઓ વિશેનું વાહિયાત નિષ્કર્ષ છે. યુપીએસસી કેટલાક ઉમેદવારો માટે એક શોખ બની ગયો હશે, તે કેટલાક માટે સાચું હોઈ શકે છે પરંતુ બધા માટે નહીં.
તમણે કહ્યું કે ઉમેદવારોને નિરાશ કરે એવા કોઈપણ નિવેદનો આપતા પહેલા, તમારે આવા ઉમેદવારોને પૂછવું જોઈએ કે તેમણે UPSC તૈયારી કરવામાં આટલો વધારે સમય કેમ લગાવ્યો છે. તેમના જવાબો તમને વાસ્તવિકતાનો જણાવશે.
ભૂતપૂર્વ IAS અધિકારી એમજી દેવસહાયમે જણાવ્યું હતું કે સન્યાલને સિવિલ સર્વિસીસની થોડી ઓછી જાણકારી છે. તેઓ સિવિલ સેવાઓને જીવન જીવવાની ફાઇવ-સ્ટાર રીત તરીકે જુએ છે. તેમને ખબર નથી કે યુવા સનદી કર્મચારીઓ દૂર સુદૂરના વિસ્તારોમાં કેવી રીતે કામ કરે છે, જ્યાં તેઓ પાયાનો અનુભવ મેળવે છે. સાન્યાલ આઈએએસને કોર્પોરેટ પ્રિઝમ દ્વારા જોઈ રહ્યા છે અને તે ભૂલ ભરેલું છે.
તેમણે કહ્યું કે સાન્યાલે બંધારણીય સભાની ચર્ચાઓ અને સરદાર વલ્લભભાઈ પટેલના મંતવ્યો વાંચવાની જરૂર છે, સરદારે સ્વતંત્ર દેશમાં સિવિલ સર્વિસની ભૂમિકાની રૂપરેખા આપી હતી. જો કે, એમજી દેવસહાયમ સાન્યાલ સાથે આંશિક રીતે સહમત છે કે સિવિલ સર્વિસને એકસાથે રાખનારા કેટલાક સ્તંભો વર્ષોથી ભૂંસાઈ ગયા છે.
તેમણે કહ્યું કે “જે રાજકારણીઓ હવે જાહેર જીવનમાં આવ્યા છે તેઓ ભ્રષ્ટ, ભેદભાવપૂર્ણ અને સાંપ્રદાયિક છે અને તેઓ સિવિલ સર્વિસમાં પણ આ વાયરસ ઇન્જેક્ટ કરવામાં સફળ થયા છે. તેજસ્વી અને પ્રામાણિક અધિકારીઓને બહાર ફેંકી દેવામાં આવે છે, કેમ કે તેઓ રાજકારણીઓ સાથે સહમત થતા નથી.”
અન્ય એક પૂર્વ IAS અધીઅકરી એ જણાવ્યું કે ” તેમાં કોઈ શંકા નથી કે સિવિલ સર્વિસ યુવાનોને પાયાના સ્તરે સેવા કરવાની પૂરતી તક આપે છે. લોકો પરિસ્થિતિઓનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના પર નિર્ભર કરે છે. એવા અનેક ઉદાહરણો છે જ્યાં યુવા અધિકારીઓએ એટલું બધું હાંસલ કર્યું છે જે બીજે ક્યાંય ન થઈ શકે. જો કે સિવિલ સર્વિસમાં સુધારાની જરૂર છે.”