ફોર્બ્સે જાહેર કરી વિશ્વના ધનકુબેરોની યાદી, 200 ભારતીયોનો સમાવેશ, જાણો કોણ છે સૌથી આગળ

ફોર્બ્સની 2024 માટે વિશ્વના અબજોપતિઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 200 ભારતીયોના નામ સામેલ છે. ગયા વર્ષે તેમાં 169 ભારતીયોના નામ હતા. આ ભારતીયોની કુલ સંપત્તિ 954 બિલિયન ડોલર છે, જે ગયા વર્ષના 675 બિલિયન ડોલર કરતાં 41 ટકા વધુ છે.
ફોર્બ્સની ભારતીય અબજોપતિઓની યાદીમાં મુકેશ અંબાણી ટોચના સ્થાને છે, જેમની નેટવર્થ 83 બિલિયન ડોલરથી વધીને 116 બિલિયન ડોલર થઈ છે, જેનાથી તેઓ 100 બિલિયન ડોલર ક્લબમાં પ્રવેશનાર પ્રથમ એશિયન બન્યા છે. મુકેશ અંબાણીએ વિશ્વના નવમા સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે અને ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. યાદી અનુસાર ગૌતમ અદાણી બીજા નંબરના સૌથી અમીર ભારતીય છે. તેમની સંપત્તિમાં 36.8 બિલિયન ડોલરનો વધારો થયો છે. તેઓ 84 બિલિયન ડોલરની નેટવર્થ સાથે યાદીમાં 17મા ક્રમે છે.
સાવિત્રી જિંદાલ ભારતની સૌથી ધનિક મહિલા છે. ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં તેમનું નામ ચોથા સ્થાને છે. એક વર્ષ પહેલા તેઓ છઠ્ઠા સ્થાને હતા. તેમની કુલ સંપત્તિ 33.5 બિલિયન ડોલર છે.
આ યાદીમાં 25 નવા ભારતીય અબજોપતિઓએ પ્રવેશ કર્યો છે. જેમાં નરેશ ત્રેહાન, રમેશ કુન્હીકન્નન અને રેણુકા જગતિયાનીના નામ સામેલ થયા છે, જ્યારે બાયજુના રવિન્દ્રન અને રોહિકા મિસ્ત્રીનું નામ યાદીમાંથી બહાર આવી ગયું છે.
આ છે ભારતના 10 સૌથી અમીર લોકો:
મુકેશ અંબાણી- નેટવર્થ 116 અબજ ડોલર
ગૌતમ અદાણી- નેટવર્થ 84 બિલિયન ડૉલર
શિવ નાદર- નેટવર્થ 36.9 બિલિયન ડૉલર
સાવિત્રી જિંદાલ- નેટવર્થ 33.5 બિલિયન
દિલીપ સંઘવી- નેટવર્થ 26.7 બિલિયન ડૉલર
સાયરસ પૂનાવાલા – નેટવર્થ 21.3 બિલિયન
કુશલ પાલ સિંહ- નેટવર્થ 20.9 બિલિયન ડૉલર
કુમાર બિરલા – નેટ વર્થ 19.7 બિલિયન
રાધાકિશન દામાણી- નેટ વર્થ 17.6 બિલિયન ડૉલર
લક્ષ્મી મિત્તલ- નેટ વર્થ 16.4 બિલિયન ડૉલર