બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમ હોમ-ગ્રાઉન્ડ પર સતત બીજી મૅચ હારી ગઈ. 29મી માર્ચે કોલકતા નાઇટ રાઇડર્સ સામે વિરાટ કોહલીએ અણનમ 83 રન ફટકાર્યા છતાં આરસીબીએ પરાજય જોયો હતો અને હવે મંગળવારે લખનઊ સુપર જાયન્ટ્સ સામે કોહલી સારું ન રમી શક્યો અને 16 બૉલમાં ફક્ત બાવીસ રન બનાવી શક્યો ત્યાર પછી પણ આરસીબીએ હાર જોઈ.
લખનઊએ 182 રનનો લક્ષ્યાંક આપ્યા પછી બેન્ગલૂરુની ટીમ 19.4 ઓવરમાં 153 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી જેને પરિણામે લખનઊએ 28 રનથી જીત મેળવી. 13 બૉલમાં ત્રણ સિક્સર, ત્રણ ફોર સાથે 33 રન બનાવનાર મહિપાલ લૉમરોર બેન્ગલૂરુની ટીમનો ટૉપ-સ્કોરર હતો. લખનઊના સાત બોલરના આક્રમણ વચ્ચે બેન્ગલૂરુની ટીમ દોઢસો રન પણ માંડ-માંડ પાર કરી શકી હતી. લખનઊના નવા ફાસ્ટ બોલર મયંક યાદવે ફક્ત 14 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. તે લાગલગાટ બીજી મૅચમાં બેસ્ટ પ્લેયરનો પુરસ્કાર જીતી લીધો છે.
કૅપ્ટન ફાફ ડુ પ્લેસીનો ફ્લૉપ શો પણ બેન્ગલૂરુની ઉપરાઉપરી બીજી હાર માટે જવાબદાર છે. ડુ પ્લેસીએ 2023ની આઇપીએલમાં સેક્ધડ-હાઈએસ્ટ 730 રન બનાવ્યા હતા, પરંતુ આ વખતે સતત ચોથી મૅચમાં પણ ફ્લૉપ રહ્યો છે. આ જ કારણ છે જેને લીધે તેની જ ટીમે હોમ-ગ્રાઉન્ડ પર લાગલગાટ બીજી હાર ખમવી પડી. ડુ પ્લેસી આ સીઝનની ચાર મૅચમાં 35, 3, 8 અને 19 રન બનાવી શક્યો છે.
મંગળવારે ખરેખર તો લખનઊને બે વિકેટકીપર-બૅટર ક્વિન્ટન ડિકૉક (81 રન, 56 બૉલ, પાંચ સિક્સર, આઠ ફોર) અને નિકોલસ પૂરને (40 અણનમ, 21 બૉલ, પાંચ સિક્સર, એક ફોર) વિજય અપાવ્યો એમ કહી શકાય. ડિકૉકે મૅચ-વિનિંગ 81 રન બનાવ્યા હતા. તેને પણ એક જીવતદાન મળ્યું હતું. પૂરને ઇનિંગ્સની શરૂઆતમાં જ વિકેટકીપર અનુજ રાવતના હાથે જીવતદાન મળ્યા પછી પાંચ છગ્ગા ફટકારીને બેન્ગલૂરુને પોતાની તાકાત બતાવી દીધી હતી. એ રીતે, રાવતે પૂરનનો જે કૅચ છોડ્યો એ જ બેન્ગલૂરુને ભારે પડ્યો. પૂરને બનાવેલા 40 રન જ છેવટે બેન્ગલૂરુને નડી ગયા હતા.
પૂરન 14મી ઓવરમાં સ્ટોઇનિસની વિકેટ પડતાં બૅટિંગમાં આવ્યો હતો. 17મી ઓવર ટૉપ્લીએ કરી હતી જેમાં ડિકૉકને તેણે આઉટ કર્યો એના આગલા જ બૉલમાં પૂરનને મોટું જીવતદાન મળ્યું હતું. બેન્ગલૂરુના વિકેટકીપર અનુજ રાવતે પૂરનનો કૅચ છોડ્યો હતો. છેવટે પૂરનને મળેલું એ જીવતદાન બેન્ગલૂરુને ભારે પડ્યું હતું, કારણકે પૂરને ટૂંકી, પણ તૂફાની બૅટિંગમાં પાંચ છગ્ગા અને એક ચોક્કાની મદદથી અણનમ 40 રન ઝૂડી કાઢ્યા હતા. બૅન્ગલૂરુ વતી મૅક્સવેલે સૌથી વધુ બે વિકેટ તેમ જ ટૉપ્લી, યશ દયાલ અને સિરાજે એક-એક વિકેટ લીધી હતી.
વારંવાર કલાકે 150થી વધુ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકતા લખનઊના મયંક યાદવે (4-0-14-3) ફરી એકવાર મૅચ-વિનિંગ બોલિંગ કરી હતી. તેણે એક બૉલ કલાકે 156.7 કિલોમીટરની ઝડપે ફેંક્યો હતો. આઇપીએલની આ સીઝનનો આ ફાસ્ટેસ્ટ બૉલ છે. તેણે પોતાનો જ 155.8 કિલોમીટરની ઝડપવાળા બૉલનો રેકૉર્ડ તોડ્યો છે.
ખાસ કરીને કૅમેરન ગ્રીનને ઑફ સ્ટમ્પની બહાર પડેલો બૉલ કેવી રીતે અંદર આવી ગયો અને તેની બેલ્સ ઉડાડી ગયો એની ગ્રીનને ખબર જ નહોતી પડી. મયંકે 30મી માર્ચે પંજાબના પ્રભસિમરન, બેરસ્ટૉ અને જિતેશ શર્માની વિકેટ લીધી હતી અને મંગળવારે બેન્ગલૂરુના મૅક્સવેલ, ગ્રીન તથા પાટીદારને આઉટ કરીને ધમાલ મચાવી દીધી હતી. લખનઊના જ અફઘાનિસ્તાની પેસ બોલર નવીન-ઉલ-હકે પચીસ રનમાં બે વિકેટ લીધી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને