અમેઠી અને રાયબરેલીને લઈને કોંગ્રેસમાં અસમંજસ, રાહુલ-પ્રિયંકા વારસો સંભાળશે કે નહીં?
કોંગ્રેસ પાર્ટી ઉત્તર પ્રદેશમાં પીડીએ ગઠબંધન (SP-Congress PDA Alliance) હેઠળ સમાજવાદી પાર્ટી સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી રહી છે. સપા 62, કોંગ્રેસ 17 અને ટીએમસી એક સીટ પર ચૂંટણી લડશે. કોંગ્રેસ પાર્ટીએ હજુ સુધી તેના તમામ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી જેમાં તેની પરંપરાગત બેઠકો અમેઠી અને રાયબરેલીનો પણ સમાવેશ થાય છે.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી માટે જાહેર કરાયેલ ઉમેદવારોની પ્રથમ યાદીમાં જ કોંગ્રેસે તત્કાલિન અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી અને સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી. જો કે આ વખતે આવી કોઈ ઉમેદવારની જાહેરાત ન થતાં કોંગ્રસમાં અસમંજસની સ્થિતી સર્જાઈ હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.
અમેઠી અને રાયબરેલી બંને બેઠકો પર ઉમેદવાર પર સહમત થવામાં પાર્ટીની અસમર્થતા અને વિલંબ ખૂબ જ આશ્ચર્યજનક છે. જેના કારણે સવાલો ઉઠી રહ્યા છે કે શું પાર્ટી આ બે બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરવા માટે વધુ વિચારી રહી છે અને શું આ વખતે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી આમાંથી કોઈ એક બેઠક પર ચૂંટણી લડતા જોવા મળશે કે કેમ?
યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી રાયબરેલી બેઠક છોડી ચૂક્યા છે અને આ ઉંમરે રાજસ્થાનની રાજ્યસભા બેઠક દ્વારા સંસદમાં પહોંચ્યા છે. તેમના ગયા પછી આશા છે કે રાયબરેલીની સીટ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના હાથમાં જશે, પરંતુ હજુ સુધી કોંગ્રેસ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી.
કોંગ્રેસના અન્ય એક આંતરિક સૂત્રએ માહિતી આપી છે કે ભાઈ-બહેન તેમના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. બંનેએ ચૂંટણી પ્રચાર માટે દેશભરમાં વ્યાપક પ્રવાસ કરવો પડશે. તેઓ તેમના મતવિસ્તારો સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરશે નહીં.
બંને ભાઈ-બહેનમાંથી કોઈ પણ છેલ્લા બે વર્ષમાં અમેઠી અને રાયબરેલી ગયા નથી. એટલા માટે તેઓ તમામ પાસાઓ પર નજર રાખી રહ્યા છે. જ્યારે, કોંગ્રેસના એક નેતાનું કહેવું છે કે અહીં ભાઈ-બહેનમાંથી કોઈ એકને ચૂંટણી લડવી પડશે, નહીં તો પાર્ટીને બેઈજ્જતીનો સામનો કરવો પડી શકે છે.
કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે 8 માર્ચથી અત્યાર સુધીમાં લગભગ 12 લિસ્ટમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, પરંતુ તેમાં અમેઠી અથવા રાયબરેલીનો કોઈ ઉલ્લેખ નથી.
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન અમેઠીથી રાહુલ ગાંધી ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. જો કે, તેમણે વાયનાડથી પણ ચૂંટણી લડી હતી, જેના કારણે તેઓ જીતીને સંસદ પહોંચ્યા હતા. આ વખતે તેઓ અમેઠીથી પણ ચૂંટણી લડશે કે કેમ તેની શંકા છે.