કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા બેઠક પરથી લડશે ચૂંટણી
જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પૂર્વ સીએમ અને કોંગ્રેસ(Congress)ના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ (Gulam Nabi Azad)આ વખતે લોકસભા ચૂંટણી 2024 લડશે. તેમની પાર્ટી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (Democratic Progressive Azad Party)એ મંગળવારે કહ્યું કે ગુલામ નબી આઝાદ અનંતનાગ-રાજૌરી (Anantnag-Rajouri)બેઠક પરથી ચૂંટણી લડશે. 2019ની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ (National Conference)ના હસનૈન મસૂદી આ સીટ પરથી જીત્યા હતા. પરંતુ આ વખતે પાર્ટીએ અહીંથી મિયા અલ્તાફ અહેમદને પોતાના ઉમેદવાર બનાવ્યો છે.
ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના નેતા તાજ મોહિઉદ્દીને શ્રીનગરમાં મીડિયાને જણાવ્યું કે આજે કોર કમિટીની બેઠક યોજાઈ હતી. અમે નક્કી કર્યું છે કે (પાર્ટી અધ્યક્ષ) ગુલામ નબી આઝાદ અનંતનાગ-રાજૌરી સીટ પરથી ચૂંટણી લડશે. ઉલ્લેખનિય છે કે 2014માં ઉધમપુર લોકસભા સીટ પરથી બીજેપી નેતા જીતેન્દ્ર સિંહ સામે હાર્યા બાદ ગુલામ નબી આઝાદ માટે આ પહેલી લોકસભા ચૂંટણી હશે.
આ પણ વાંચો : લોકસભા ચૂંટણીઃ રામટેકથી પીએમ મોદી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ
મહેબૂબા મુફ્તી અનંતનાગ સીટથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે. આ બેઠક પરથી ભાજપ કોને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારશે અથવા કોને અનૌપચારિક સમર્થન આપશે તે હજુ સ્પષ્ટ નથી. આ સીટને લઈને નેશનલ કોન્ફરન્સ અને પીડીપી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બંને પક્ષો કોંગ્રેસની આગેવાની હેઠળના INDIA ગઠબંધનનો ભાગ છે. જો કે આ સીટ એકબીજાને આપવા માટે કોઈ તૈયાર નથી.
અનંતનાગ-રાજૌરીમાં દક્ષિણ કાશ્મીરના અનંતનાગ, શોપિયાં અને કુલગામ જિલ્લાઓ અને જમ્મુ ક્ષેત્રમાં રાજૌરી, પુંછના સરહદી જિલ્લાઓના મોટાભાગના ભાગોનો સમાવેશ થાય છે. હાલમાં નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ જજ હસનૈન મસૂદી અહીંથી સાંસદ છે.
આ પણ વાંચો : ઉત્તરાખંડના વિકાસને મુદ્દે કોંગ્રેસે વડા પ્રધાન મોદીની ટીકા કરી
તેમણે આ બેઠક પરથી પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીને હરાવ્યા હતા. જો કે, આ ચૂંટણીને લઈને રાજકીય નિષ્ણાતોનો દાવો છે કે પીર પંજાલના દક્ષિણી વિસ્તારો જેમ કે ડોડા, કિશ્તવાડ, બદરવાહ અને પૂંચમાં વોટ બેંક ધરાવતા ગુલાબ નબી આઝાદ વિપક્ષી પાર્ટીના ઉમેદવારોના મતોનું વિભાજન કરવામાં સફળ રહેશે.
ઉલ્લેખનિય છે કે એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા મનાતા ગુલામ નબી આઝાદે 2022માં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. ગુલામ નબી આઝાદ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. કોંગ્રેસના નારાજ નેતાઓના જી-23 જૂથમાં પણ તેઓ સામેલ હતા. જી-23 જૂથ સતત કોંગ્રેસમાં ઘણા ફેરફારોની માંગ કરી રહ્યું છે. આ પહેલા કોંગ્રેસના અગ્રણી નેતા કપિલ સિબ્બલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું, હાલ તેઓ સપા તરફથી રાજ્યસભાના સાંસદ છે.