સોના કરતાં શેરમાં વધુ બખ્ખાં
રોકાણકારોએ પાછલા નાણાંકીય વર્ષમાં મેળવ્યું સારું વળતર
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
સોનામાં ફરી અગઝરતી તેજી અને આસમાને પહોંચતા ભાવની ચર્ચા ચગડોળે ચઢી છે. બજારમાં અને પ્રસાર માધ્યમોમાં સોનાચાંદીના ભાવમાં ભલતા જ ઊંચા ભાવ સંભળાઇ રહ્યાં છે. આ તરફ ઇક્વિટી માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી નવા વિક્રમી શિખરો સર કરી રહ્યાં છે, જોકે પ્રોફિટ બુકિંગને કારણે તેમાં પીછેહઠ પણ જોવા મળી છે. આપણે આ મામલામાં જોકે ગ્રાહક દષ્ટિકોણને બાજુએ મૂકીને જો રોકાણકારોની દૃષ્ટિએ જોઇએ તો પાછલા વર્ષ સોનાચાંદીએ રોકાણકારોને નિરાશ કર્યા છે. આની સામે ઇક્વિટી માર્કેટમાં રોકાણકારોને રાજીના રેડ કરી દીધા છે.
અમેરિકાના ફેબ્રુઆરી મહિનાના ફુગાવાના ડેટા અપેક્ષિત કર્મ્ફ્ટ લેવલની નીચે રહ્યાં હોવાના ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના કથન બાદ અમેરિકાની આ બેન્કિંગ ક્ષેત્રની નિયામક જૂન મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકશે એવો આશાવાદ જાગવાને કારણે આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટ અને તેની પાછળ સ્થાનિક સ્તરે હાજર અને વાયદા બજારમાં સોનાચાંદીના ભાવમાં તેજીનો ચમકારો જોવા મળ્યો છે.
એક તરફ વૈશ્ર્વિક પરિબળોને કારણે સોનાચાંદીના ભાવ વધ્યા છે, તો બીજી તરફ સ્થાનિકમાં લગ્નસરાની મોસમની ધરાકીને કારણે માગ વધુ રહેતા બંને કિંમતી ધાતુના ભાવમાં ચમકારો આવ્યો છે. જોકે આ ચમકારો તાત્કાલિક ધોરણનો છે અને તે કેટલો લાંબો ટકી શકે એનો અંદાજ લગાવી શકાય એમ નથી.
સોનું હંમેશા સેફ ઇન્વેસ્ટમેન્ટ ગણાય છે, પરંતુ વાત જ્યારે રિસ્ક એન્ડ રિટર્ન આવે છે ત્યારે રોકાણકારો હંમેશા મોટા જોખમ સામે સારા રોકાણને પસંદ કરતા હોય છે. અલબત્ત સલામતીને પ્રાધાન્ય આપતા ઇન્વેસ્ટર્સ સેફ હેવન પસંદ કરે છે. આપણે પાછલા નાણાકીય વર્ષનું સરવૈયું જોઇએ તો શેરબજારે વર્ષ રોકાણકારોને વર્ષ ૨૦૧૦ પછીનું સૌથી વધુ રિટર્ન આપ્યું છે.
એ સાથે સોના અને ચાંદીમાં પણ ઇન્વેસ્ટર્સ વર્ગને સતત બીજી વર્ષે કમાણી થઇ છે, પરંતુ મુદ્દો એ છે કે સોનાની તુલનાએ સેન્સેક્સમાં બમણું રિટર્ન મળ્યું છે. એકંદરે રોકાણકારો માટે વિદાય લેતું વર્ષ સારું રહ્યું છે.
સરવાળે શેરબજાર, સોના અને ચાંદીમાં સારા વળતર સાથે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ વિદાય લીધી છે. વાર્ષિક ધોરણે ગણતરી કરીએ તો રોકાણકારોને શેર અને સોનામાં જબરદસ્ત વળતર મળ્યું છે. જોકે એ નોંધવું રહ્યું કે, રોકાણના અન્ય સ્ત્રોતની તુલનામાં ચાંદીમાં ઓછું વળતર મળ્યું છે. શેરબજારમાં ઊથલપાથલના અનેક દોર વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ ૨૫ ટકાથી વધુ રિટર્ન જોવા મળ્યું છે.
આર્થિક અનિશ્ર્ચિતતાના પડકારો વચ્ચે શેરબજારે રોકાણકારોને એકંદરે આકર્ષક દેખાવ સાથે એક વર્ષ બાદ ફરી પોઝિટિવ રિટર્ન અપાવ્યું છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના અંતિમ ટ્રેડિંગ સેશનમાં ૨૮ માર્ચ, ૨૦૨૨૪ના રોજ સેન્સેક્સ ૬૫૫ પોઇન્ટ ઉછળી ૭૩,૬૫૧ પોઇન્ટના સ્તરે બંધ થયો છે. તો વર્ષ પૂર્વે ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ સેન્સેક્સ ૫૮,૯૯૧ પોઇન્ટની સપાટીએ બંધ થયો હતો.
આ રીતે પાછલા એક વર્ષમાં સેન્સેક્સ ૧૪,૬૦૦ પોઇન્ટ વધ્યો છે અને ટકાવારીના ધોરણે સેન્સેક્સમાં ૨૫ ટકા રિટર્ન મળ્યું છે. એવી જ રીતે ૨૮ માર્ચ, ૨૦૨૪ના રોજ એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૨૦૩ પોઇન્ટ વધીને ૨૨,૩૨૬ પોઇન્ટની સપાટી પર બંધ થયો છે. ૩૧ માર્ચ ૨૦૨૩ના રોજ ક્લોઝિંગ લેવલ ૧૭,૩૫૯ પોઇન્ટનું રહ્યું હતું.
આમ નાણાંકીય વર્ષ ૨૦૨૪માં નિફ્ટી ૪૯૬૮ પોઇન્ટ વધ્યો છે, તો ટકાવારીની રીતે નિફ્ટીમાં ૨૮ ટકા રિટર્ન મળ્યું છે. કોરોના મહામારીના વર્ષને બાદ કરતા આ વળતર, વર્ષ ૨૦૧૦ પછીનું સૌથી ઉંચુ વાર્ષિક રિટર્ન છે. ઉલ્લેખનિય છે કે, ૭ માર્ચ, ૨૦૨૪ના રોજ શેરબજાર બેન્ચમાર્ક સેન્સેક્સે ૭૪,૨૪૫ પોઇન્ટની ઐતિહાસિક ટોચ બનાવી હતી. વર્ષના છેલ્લા ટ્રેડિંગ સેશનના દિવસે બીએસઇની માર્કેટ કેપ ૩૮૬.૯૭ લાખ કરોડ રૂપિયા હતી.
એ જાણવું પણ રસપ્રદ રહેશે કે, અગાઉ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સેન્સેક્સ અને નિફ્ટીમાં નેગેટિવ રિટર્ન મળ્યું હતું. રોકાણકારો માટે નોંધવા જેવી એક મહત્ત્વની વાત એ પણ છે કે, પાછલા નાણાકીય વર્ષમાં શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી નવી ઉંચી સપાટીએ પહોંચ્યા છે. આ જોતા આગળ સાવધ વલણ અપનાવવું હિતાવહ રહેશે.
હવે આપણે બુલિયન માર્કેટ પર નજર ફેરવીએ તો સોનાએ રૂ. ૬૯૫૦૦ રેકોર્ડ હાઇ સાથે વર્ષમાં ૧૩ ટકા વળતર જેવું વળતર આપ્યું છે. આની સામે સેન્સેક્સમાં આપણે ૨૫ ટકા અને નિફ્ટીમાં ૨૮ ટકાનું વળતર જોયું છે. એ વાતમાં બે મત નથી કે, સોનું કિંમતી ધાતુ હોવાથી રોકાણ માટે શ્રેષ્ઠ અને સલામત વિકલ્પ માનવામાં આવે છે.
સોના અને ચાંદીમાં સતત બીજા વર્ષે પોઝિટિવ રિટર્ન મળ્યું છે. છેલ્લા છ મહિનામાં વૈશ્ર્વિક અને સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઐતિહાસિક ઉંચી સપાટીને સ્પર્શ્યા છે. જો વાર્ષિક ધોરણે ગણતરી કરીએ તો નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૦ ગ્રામ સોનાની કિંમત ૮૦૦૦ રૂપિયા વધી છે. તો એક કિગ્રા ચાંદીના ભાવ ૨૦૦૦ રૂપિયા વધ્યા છે. આમ રોકાણકારોને વાર્ષિક ધોરણે સોનામાં ૧૩ ટકા અને ચાંદીમાં ત્રણ ટકા રિટર્ન મળ્યું છે. નોંધનીય છે કે, અગાઉ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં સોનામાં ૧૫.૬ ટકા અને ચાંદીમાં ૬.૬ ટકા રિટર્ન મળ્યું હતું.