વેપાર

ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે ત્રણ પૈસા ઘટીને ૮૩.૪૨ના મથાળે બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત ગુરુવારનાં ૮૩.૩૯ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૩૭ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૪ અને ઉપરમાં ૮૩.૩૪ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે ત્રણ પૈસા ઘટીને ૮૩.૪૨ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે સ્થાનિક બજાર ગુડ ફ્રાઈડે નિમિત્તે અને ગઈકાલે સોમવારે ગત માર્ચના અંતે નાણાકીય વર્ષ ૨૦૨૪નાં વાર્ષિક કામકાજોને કારણે સ્થાનિક બજાર સત્તાવાર ધોરણે બંધ રહી હતી.

ગઈકાલે અમેરિકાનાં ગત માર્ચ મહિનાના ઉત્પાદનના ડેટામાં દોઢ વર્ષ પશ્ર્ચાત્ વૃદ્ધિ જોવા મળ્યા બાદ અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે અમેરિકી અર્થતંત્ર મજબૂતી દાખવી રહ્યું હોવાથી વ્યાજદરમાં કપાત માટે ઉતાવળ કરવાની આવશ્યકતા ન હોવાનું જણાવતાં ડેટા જાહેરાત બાદ ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ જોવા મળ્યું હતું. પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૫ ટકા વધીને ૧૦૪.૯૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૭૮ ટકા ઉછળીને બેરલદીઠ ૮૮.૯૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button