પન્નુન મુદ્દે ભારતનું વલણ નિરસ કેમ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
અમેરિકામાં રહીને ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કહેવાતા કાવતરાનો મામલો ફરી ચર્ચામાં આવી ગયો છે. તેનું કારણ ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ પન્નુન કેસ મુદ્દે આપેલું નિવેદન છે. ગારસેટ્ટીનો દાવો છે કે, અમેરિકાની ધરતી પર પન્નુનની હત્યાના કરવા માટે ઘડાયેલા કાવતરાના કેસની ભારત અને અમેરિકા સંયુક્ત રીતે તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં પણ ભારત સરકારને પન્નુનની હત્યાના કાવતરાના કેસમાં જે પણ કરવાનું કહેવાયું એ બધું કર્યું છે.
એરિક ગારસેટ્ટીએ ડહાપણ પણ ડહોળ્યું છે કે, કોઈએ પણ બે દેશો વચ્ચેના સંબંધો મુદ્દે રેડ લાઈન ઓળંગવી ન જોઈએ અને કોઈપણ દેશ કે સરકારનો કર્મચારી વિદેશી નાગરિકની હત્યાના કાવતરામાં સામેલ ન હોવો જોઈએ.
ગારસેટ્ટનું નિવેદન આશ્ર્ચર્યજનક જ નહીં પણ આઘાતજનક પણ છે કેમ કે તેમણે આડકતરી રીતે પન્નુનની હત્યાના કાવતરામાં ભારત સરકારનો કર્મચારી સંડોવાયેલો છે એવું કહી દીધું છે. તેના કરતાં પણ વધારે આઘાતજનક વાત એ છે કે, ભારત સરકાર અમેરિકાના ઈશારે વર્તી રહી છે એવો ગારસેટ્ટીનો દાવો છે.
ગારસેટ્ટીના દાવા પ્રમાણે, ભારતે અમેરિકામાં પન્નુનની હત્યાના કાવતરાની તપાસ કરવા માટે એક તપાસ પંચ રચ્યું છે કે જેમાં કાયદાના પાલનમાં અનુભવી લોકોને મૂકાયા છે. આ પંચ પન્નુનની હત્યાના કાવતરામાં ભારત સરકારનો કોઈ અધિકારી સામેલ છે કે નહીં તેની તપાસ કરી રહ્યું છે. કોઈને પન્નુનની હત્યાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો કે નહીં એ અમેરિકા જાણવા માંગે છે અને અત્યાર સુધી ભારત પાસેથી જે પણ સહકાર માંગ્યો છે તે અમને મળ્યો છે એવો ગારસેટ્ટીનો દાવો છે.
પન્નુનનો આ દાવો આંચકાજનક છે કેમ કે અમેરિકાની ધરતી પર પન્નુનની હત્યાના કાવતરામાં ભારતની સંડોવણી હોવાનો આક્ષેપ અમેરિકાએ કર્યો ત્યારે ભારત સરકારે આપેલા રીએક્શન કરતાં સરકાર અલગ રીતે જ વર્તી રહી હોય એવું લાગી રહ્યું છે.
ભારત સરકારે પન્નુનની હત્યાના કાવતરામાં ભારત સરકારનો કોઈ અધિકારી સામેલ છે કે નહીં તેની તપાસ માટે માત્ર પંચ જ નથી રચ્યું પણ આ પંચ અમેરિકાના કહેવા પ્રમાણે કામ પણ કરી રહ્યું છે. ગારસેટ્ટીની વાત સાચી હોય તો તેનો અર્થ એ થાય કે, પન્નુનના મુદ્દે અમેરિકા સામે ભારતે સાવ શરણાગતિ સ્વીકારી લીધી છે.
ગયા વર્ષે બ્રિટિશ અખબાર ફાઇનાન્સિયલ ટાઇમ્સે ધડાકો કરેલો કે, પન્નુનની હત્યા માટે અમેરિકામાં કાવતરું ઘડવામાં આવ્યું હતું અને આ કાવતરાને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. આ કેસમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પન્નુનની હત્યાનું કાવતરું ઘડવાનો સૂત્રધાર હોવાનો દાવો કરીને અમેરિકી અધિકારીઓએ આક્ષેપ મૂક્યો હતો કે નિખિલ ગુપ્તાએ ન્યૂ યોર્ક સિટીમાં રહેતા પન્નુનને મારવા માટે એક હત્યારાને એક લાખ અમેરિકન આપવાની ખાતરી આપી હતી અને તેમાંથી ૧૫ હજાર ડૉલરનુ એડવાન્સ પેમેન્ટ નવ જૂન ૨૦૨૩ના રોજ કરવામાં આવ્યું હતું. નિખિલે જેને સોપારી આપી હતી એ અમેરિકન એજન્સીનો સીક્રેટ એજન્ટ હતો તેથી તેણે ભાંડો ફોડી દીધો તેમાં ગુપ્તા ભરાઈ ગયો
નિખિલ ગુપ્તા હાલમાં ચેક રિપબ્લિકની જેલમાં બંધ છે અને અમેરિકાને ગમે ત્યારે સોંપી દેવાશે. અમેરિકન અધિકારીઓનો આક્ષેપ છે કે નિખિલ ગુપ્તાએ એક અજાણ્યા ભારતીય સરકારી કર્મચારીના આદેશથી અમેરિકામાં પન્નુનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. અમેરિકાની સરકારે વિનંતી કરતાં ૩૦ જૂને નિખિલની ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી.
અમેરિકાએ આ મામલો ભારત સરકાર સમક્ષ ઉઠાવ્યો ત્યારે આક્રમક વલણ અપનાવ્યું હતું. અમેરિકાની ધરતી પર કોઈ અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડાય એ નહીં ચલાવી લેવાય એવો હુંકાર અમેરિકાએ કરેલો. તેની સામે ભારતે પણ પોતાને આ કાવતરા સાથે કશી લેવાદેવા નહીં હોવાનું કહેલું. નરેન્દ્ર મોદીએ પોતે ગયા વર્ષે ફાઈનાન્સિયલ ટાઈમ્સને ઈન્ટરવ્યુ આપ્યો તેમાં કહેલું કે, વિદેશમાં છુપાયેલા કેટલાક આતંકવાદી જૂથો અભિવ્યક્તિની સ્વતંત્રતાની આડમાં લોકોને અને હિંસા ભડકાવવામાં લાગેલા છે ત્યારે આવાં પરિબળોને નાથવાં જોઈએ.
આ પહેલાં કેનેડામાં હરદીપસિંહ નિજજરની હત્યામાં ભારતની સંડોવણીનો મુદ્દો ગાજ્યો ત્યારે ભારતે આક્રમક વલણ અપનાવીને કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો મર્યાદિત કરી નાંખેલા. ભારતના વલણને જોતાં લાગતું હતું કે, પન્નુનના મામલે પણ ભારત એવો જ મર્દાના મિજાજ બતાવશે પણ તેના બદલે આપણે તો અમેરિકાના પગમાં આળોટી ગયા છીએ.
આઘાતજનક વાત એ છે કે, પન્નુન હજુય અમેરિકાની ધરતી પર રહીને ભારત સામે લવારા કરી રહ્યો છે, ભારતના ટુકડા કરવાની વાત કરી રહ્યો છે. તેની સામે અમેરિકા કશું કરવા તૈયાર નથી.
ગારસેટ્ટીને પન્નુનના લવારા અંગે પણ સવાલ પૂછાયેલો. જવાબમાં ગારસેટ્ટીએ ડહાપણ ડહોળ્યું છે કે, અમેરિકામાં વાણી સ્વાતંત્ર્ય છે અને તેની રક્ષા કરવામાં આવે છે. અમેરિકા પોતાના કાયદા મુજબ કોઈપણ આરોપીને બીજા દેશને સોંપીએ છીએ અને અમેરિકાના કાયદા પ્રમાણે પન્નુનની ધરપકડ કરી શકાય તેમ નથી. ગારસેટ્ટીના કહેવા પ્રમાણે, માત્ર કોઈની વિરુદ્ધ બોલવા બદલ કોઈની ધરપકડ થવા લાગે તો પરિસ્થિતિ ખતરનાક બની જશે.
ગારસેટ્ટીનું નિવેદન અમેરિકાનાં બેવડાં ધોરણોનો પુરાવો છે. પન્નુન માત્ર ભારત વિરુદ્ધ બોલતો નથી પણ ભારતને ધમકીઓ આપે છે. ભારતીટોની હત્યા કરવાની વાત કરે છે, ભારતના ટુકડા કરવાની વાત કરે છે, ભારતમાં અરાજકતા અને અંધાધૂંધી સર્જવાની વાત કરે છે. વાણી સ્વાતંત્ર્યના નામે કોઈની ટીકા કરી શકાય પણ બીજા દેશમાં હિંસા ફેલાવવાની કે લોકોને મારવાની વાત ના જ કરી શકાય. અમેરિકા બીજા કોઈ દેશ સામેનાં નિવેદનોને વાણ સ્વાતંત્ર્યમાં ખપાવે એ અમેરિકાના દંભનો નાદાર નમૂનો છે.
કમનસીબે ભારત સરકારમાં અમેરિકાના દંભ સામે પડવાની હિંમત નથી. પન્નુનના મામલે મોટી મોટી વાતો કર્યા પછી આપણે પાણીમાં બેસી ગયા છીએ. અમેરિકાની ધરતી પર કાવતરું ઘડાયું હોય તો અમેરિકા તેની તપાસ કરે, આપણે શું લેવાદેવા? આપણો કોઈ કર્મચારી પન્નુનની હત્યામાં સામેલ નથી જ ને અમે કહીએ છીએ તેમાં ફેરફારને કોઈ અવકાશ નથી એવું કડક વલણ લેવાના બદલે આપણે અમેરિકાને પન્નુનની હત્યાના કહેવાતા કાવતરાની તપાસમાં સહકાર આપીને માટીપગા સાબિત થયા છીએ.