લોકસભા ચૂંટણીઃ એકનાથ શિંદે સેનાના 2 ઉમેદવારને ભાજપનું Red Signal?
મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ અને કેટલા તબક્કામાં મતદાન થશે અને મત ગણતરી ક્યારે થશે તેની પણ જાહેરાત થઇ ગઇ હોવા છતાં સત્તાધારી પક્ષ હોય કે પછી વિપક્ષ, બંનેના ગઠબંધનમાં બેઠકોની ફાળવણી મુદ્દે તું-તું-મૈં-મૈં ચાલી રહી હોવાનું દૃશ્ય છે. મહારાષ્ટ્રમાં મહાયુતિમાં સીટ વહેંચણી મુદ્દે ખેંચાખેંચીના વચ્ચે શિંદેની શિવસેનાના બે ઉમેદવાર માટે સાથી પક્ષ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું રેડ સિગ્નલ છે.
નાશિક બેઠકના મુદ્દે પહેલાથી જ મહાયુતિમાં ખેંચતાણ ચાલી રહી છે અને ત્યાંના હાલના શિવસેનાના સાંસદ હેમંત ગોડસે બળવો કરી શકે તેવી શક્યતા સેવાઇ રહી છે તેવામાં શિંદે જૂથની શિવસેના દ્વારા જાહેર કરવામાં આવેલા આઠ ઉમેદવારમાંથી બે ઉમેદવારના નામથી ભાજપ નારાજ હોવાનું કહેવાઇ રહ્યું છે.
આ પણ વાંચો: ભૂજબળની વધુ એક મુશ્કેલી: નાશિકની ઉમેદવારી જાહેર થાય તે પહેલાં સાંસદે પ્રચાર ચાલુ કરી દીધો
આ બંને હાલ શિંદે જૂથની શિવસેનાના સાંસદ છે અને તેમની ટિકિટ કપાઇ શકે તેવા ભયના કારણે તેમણે મુંબઈમાં ધામા નાખેલા છે. ભાજપે કરેલા આંતરિક સર્વેક્ષણમાં હિંગોલી અને હાતકળંગલેના શિવસેનાના સાંસદોની જીતવાની ઓછી શક્યતા હોવાનું જણાયું છે, જેને પગલે ભાજપે શિવસેનાને પોતાના ઉમેદવારો બદલવા જણાવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ટિકિટ કપાશે તેવા ભયના કારણે હિંગોળીના સાંસદ હેમંત પાટીલે અને હાતકળંગલેના સાંસદ ધૈર્યશીલ માનેએ પોતાના કાર્યકર્તાઓ સાથે બેઠકોનો દોર શરૂ કરી દીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. તે બંને મુંબઈમાં પહોંચ્યા છે અને એકનાથ શિંદેની સાથે મુલાકાતની તૈયારી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઃ નાશિકની સીટનું કોકડું ઉકેલાયું, વિધિવત જાહેરાત થઈ શકે
જ્યારે બીજી બાજુ નાશિક બેઠકનો મુદ્દો પણ ગૂંચવાયેલો જોવા મળી રહ્યો છે. મહાયુતિમાં હજી થાણે અને કલ્યાણ બેઠકનો મુદ્દો માંડ માંડ ઉકેલાય તેવી શક્યતા છે ત્યારે નાશિક બેઠકના કારણે મહાયુતિમાં ભંગાણ પડે તેવી પરિસ્થિતિ છે.
નાશિક બેઠક અજિત પવાર જૂથની એનસીપીના દિગ્ગજ નેતા છગન ભુજબળના ફાળે જાય તેવી ચર્ચા હોવાના કારણે નાશિકના હાલના શિવસેનાના સાંસદ હેમંત ગોડસે નારાજ થયા છે. જો આ બેઠક ઉપરથી ભુજબળને ઉમેદવારી આપવામાં આવે તો હેમંત ગોડસે અપક્ષ ચૂંટણી લડે તેવા અહેવાલો વહેતા થયા છે. જો મહાયુતિ તરફથી ગોડસેને ઉમેદવારી ન સોંપવામાં આવે તો તે અપક્ષ ચૂંટણી લડીને મહાયુતિના ઉમેદવાર સામે ઊભા રહેવાની તૈયારીમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં સાંગલીની સીટ પર ‘એમવીએ’માં સંકટ ઊભું થશે?
જો ગોડસે અપક્ષ ચૂંટણી લડે તો મહાયુતિ તરફથી એનસીપીના છગન ભુજબળ, મહાવિકાસ આઘાડી તરફથી રાજાભાઉ વાઝે અને અપક્ષ હેમંત ગોડસે આમ ત્રિપાંખિયો જંગ નાશિકમાં જોવા મળી શકે છે. આ જ મામલે ચર્ચા કરવા માટે હેમંત ગોડસે અને શિંદે જૂથના અમુક નેતાઓ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત લે અને ચર્ચા કરે તેવી માહિતી મળી છે.
આ પૂર્વે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ મહાયુતિમાં ફક્ત અમુક બેઠકો બાબતે મતભેદ હોવાની વાત કબૂલી હતી. આ બેઠકમાં નાશિક બેઠકનો પણ સમાવેશ થાય છે. જો મનસેની મહાયુતિમાં એન્ટ્રી થાય તો મનસે પણ નાશિક બેઠક ઉપરથી લડવા ઇચ્છુક હોવાની શક્યતા છે.