ઠંડા ઠંડા કુલ કુલઃ તાપમાનમાં વધારાએ રેલવેને ફાયદો, જાણો કઈ રીતે?
મુંબઈ: મુંબઈમાં તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો હોવાથી ગરમીનું પ્રમાણ ખાસ્સું વધી ગયું છે. આ પરિસ્થિતિમાં પશ્ચિમ રેલવેની એર કન્ડિશન્ડ (એસી) લોકલ ટ્રેનોની ટિકિટ વેચાણમાં ખાસ્સો વધારો જોવા મળી રહ્યો છે. તાપમાનમાં વધારા સાથે એસી લોકલમાં પ્રવાસીની સંખ્યામાં વધારો થવાથી રેલવેની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે, જે એક રીતે ફાયદાકાર છે.
પહેલી એપ્રિલે પશ્ચિમ રેલવેએ એસી ટ્રેન માટે 3,561 સીઝન પાસ અને 23,623 દૈનિક ટિકિટ જારી કર્યા હતા. આ વર્ષના ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની સરખામણીએ દૈનિક સ્તરે આ માંગણી ઘણી વધારે હતી.
ફેબ્રુઆરી મહિનામાં એસી ટ્રેન માટે માસિક 1,431 પાસ જારી થયા હતા જ્યારે દરરોજ સરેરાશ 17,922 ટિકિટનું વેચાણ થયું હતું. માર્ચ મહિનામાં માસિક પાસની સંખ્યા 1452 હતી, જ્યારે 17891 ટિકિટ આપવામાં આવી હતી.
આ પણ વાંચો : કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગને જવાનોએ મહામહેનતે બુઝાવી, વીડિયો વાઈરલ
એપ્રિલ મહિનાની શરુઆતથી મુંબઈ સહિત પરાના વિસ્તારમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર થયો છે, જ્યારે મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને પાર થયું હતું. વધતી ગરમીને કારણે મુંબઈમાં એસી બસમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે.
મેટ્રોની માફક એસી લોકલમાં પ્રવાસીની સંખ્યામાં વધારો થયો છે, જેમાં શોર્ટ ડિસ્ટન્સની સાથે લાંબા અંતરના પ્રવાસીઓ પણ એસી લોકલના પ્રવાસ કરવાનું પસંદ કરી રહ્યા છે. ઉનાળાના દિવસોમાં તો ખાસ કરીને એસી લોકલ પણ નોન-એસી લોકલના માફક લોકો ટ્રાવેલ કરે છે, જે સારી વાત છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં એમ્બ્યુલન્સ ખરીદીમાં ભ્રષ્ટાચારઃ આરોગ્ય વિભાગે આરોપોને ફગાવ્યા
એસી લોકલની સર્વિસમાં વધારાની સાથે ટ્રેનમાં રેગ્યુલર ચેકિંગ કરવાનું જરુરી છે, જેમાં હજુ પણ ટિકિટ વિના ટ્રાવેલ કરનારા લોકોની સંખ્યા પણ વધારે છે. અમુક વખતે પેસેન્જરની સંખ્યા વધારે થવાથી ટ્રેનના દરવાજા બંધ કરવાની નોબત આવે છે. આ પ્રક્રિયામાંથી મુક્તિ મળવી જોઈએ, એમ બોરીવલીના પ્રવાસીએ જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેમાં શનિ-રવિવારે એસી લોકલની મર્યાદિત સર્વિસીસ હોય છે, જ્યારે વીકએન્ડ સિવાય રેગ્યુલર 96 સર્વિસ દોડાવાય છે. એસી લોકલ ખાસ કરીને ઉનાળામાં વધારે પેક હોય છે, જેમાં સિનિયર સિટીઝનથી લઈને મહિલાઓ/વિદ્યાર્થીઓની સાથે ટૂરિસ્ટ પણ વિશેષ ટ્રાવેલ કરે છે, એમ પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.