સ્પોર્ટસ

ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડ કઈ ટૂર્નામેન્ટને સજીવન કરવાના પ્રયાસમાં છે?

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: એક સમય હતો જ્યારે ફુટબૉલની જેમ ક્રિકેટમાં પણ વિશ્ર્વભરની ટોચની ટી-20 ક્લબ-સ્તરિય ટીમો વચ્ચે લીગ આધારિત ચૅમ્પિયન્સ લીગ ટી-20 ટૂર્નામેન્ટ રમાતી હતી, પણ 10 વર્ષથી એ સ્પર્ધા અદૃશ્ય થઈ ગઈ છે અને જાણે ભુલાઈ ગઈ છે એમ કહીએ તો પણ ખોટું નહીં કહેવાય. આઇપીએલ, બિગ બૅશ, કૅરિબિયન લીગ, પાકિસ્તાન સુપર લીગ, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ, શ્રીલંકા પ્રીમિયર લીગ, સાઉથ આફ્રિકા ટી-20 લીગ, યુએઇની ઇન્ટરનૅશનલ લીગ ટી-20 સહિત અનેક ટી-20 લીગ સ્પર્ધાઓ વર્ષ દરમ્યાન ચાલી રહી હોય અને આખું વર્ષ ક્રિકેટના ભરચક કાર્યક્રમ સાથે પૂરું થતું હોય તો એમાં હવે અગાઉ બંધ થઈ ગયેલી કે નવી ટૂર્નામેન્ટને સમાવવું ખૂબ અઘરું થઈ જાય.


આ પણ વાંચો:
2011ના વર્લ્ડ કપની જીતને 13 વર્ષ પહેલાંની એ ચૅમ્પિયન ટીમના ખેલાડીઓએ ગર્વભેર યાદ કરી

જોકે ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડ ચૅમ્પિયન્સ લીગ ટી-20 ટૂર્નામેન્ટને સજીવન કરવા પ્રયત્નશીલ છે. ત્રણેય બોર્ડ વચ્ચે આ વિષયમાં મંત્રણા થઈ રહી છે. છેલ્લી ચૅમ્પિયન્સ લીગ 2014માં રમાઈ હતી જેમાં ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની બેન્ગલૂરુ ખાતેની ફાઇનલમાં નવ બૉલ અને આઠ વિકેટ બાકી રાખીને વિજય મેળવ્યો હતો. ચેન્નઈના પવન નેગીએ પાંચ વિકેટ લીધી હતી અને પછી સુરેશ રૈના (109 અણનમ, 62 બૉલ, આઠ સિક્સર, છ ફોર)ની આક્રમક ઇનિંગ્સથી તેમ જ બ્રેન્ડન મૅક્લમ (30 બૉલમાં 39 રન) સાથેની 118 રનની ભાગીદારી સાથે ચેન્નઈએ 18.3 ઓવરમાં માત્ર બે વિકેટે 185 રન બનાવીને વિજય મેળવ્યો હતો. એ ચૅમ્પિયન્સ લીગમાં પાકિસ્તાનની લાહોર લાયન્સ ટીમ, વેસ્ટ ઇન્ડિઝની બાર્બેડોઝ ટ્રાયડન્ટ્સ તેમ જ ઑસ્ટ્રેલિયાની બિગ બૅશની અને બીજા દેશોની ટી-20 લીગની ટોચની ટીમોએ ભાગ લીધો હતો.


આ પણ વાંચો:
હાર્દિક જ્યારે ડગઆઉટમાં એકલો પડી ગયો, સાથીઓ પણ દૂર જતા રહ્યા

2009થી 2014 દરમ્યાન ચૅમ્પિયન્સ લીગની છ સીઝન રમાઈ હતી જેમાંથી ચાર ભારતમાં અને બે સાઉથ આફ્રિકામાં યોજાઈ હતી. ક્રિકેટ વિક્ટોરિયાના સીઇઓ નિક કમિન્સે મંગળવારે મુંબઈની ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા ખાતે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જતીન પરાંજપેની ખેલોમોર સાથેની ભાગીદારીમાં ભારતમાં લૉન્ચ કરવામાં આવી રહેલી મેલબર્ન ક્રિકેટ ઍકેડેમી વિશેની ચર્ચા વખતે આવું કહ્યું હતું. નિક કમિન્સે એવું પણ જણાવ્યું હતું કે ‘મહિલાઓની ટી-20 ચૅમ્પિયન્સ લીગ શરૂ કરવાની પણ તૈયારી થઈ રહી છે જેમાં ભારતની ડબ્લ્યુપીએલ તેમ જ ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ અને ઑસ્ટ્રેલિયાની વિમેન્સ બિગ બૅશની ટીમો ભાગ લેશે.’

જતીન પરાંજપેના મતે દ્રવિડ પછી કોણ બની શકે ટીમ ઇન્ડિયાનો કોચ?

મુંબઈ: 1998માં ભારત વતી ચાર વન-ડે રમનાર તેમ જ મુંબઈ વતી રમેલી 62 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં 4,000 જેટલા રન બનાવનાર લેફ્ટ-હૅન્ડ બૅટર જતીન પરાંજપેનું દૃઢપણે માનવું છે કે રાહુલ દ્રવિડની પછી વીવીએસ લક્ષ્મણને ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ બનાવાશે.

દ્રવિડને આગામી જૂનમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ સુધી હેડ-કોચ તરીકે નીમવામાં આવ્યો છે. ત્યાર પછી જો દ્રવિડ એ હોદ્દા પર ચાલુ રહેવા નહીં માગે તો કોચિંગના અન્ય કોઈ નિષ્ણાતની નિયુક્તિ કરવામાં આવશે. પરાંજપેને દ્રવિડના સંભવિત અનુગામીનું નામ આપવા કહેવામાં આવ્યું ત્યારે તેણે તરત જ વીવીએસ લક્ષ્મણનું નામ આપ્યું હતું.

લોકો ક્રિકેટરોનો હુરિયો બોલાવે એ જોવું મને જરાય પસંદ નથી: ડેવિડ હસી

મુંબઈ: ઑસ્ટ્રેલિયા વતી લિમિટેડ ઓવર્સની કુલ 108 મૅચ રમીને 2,500થી પણ વધુ રન બનાવનાર ડેવિડ હસીએ સોમવારે મુંબઈમાં પત્રકારો સાથેની વાતચીતમાં રોહિત શર્મા તરફી ચાહકો દ્વારા આઇપીએલની એક પછી એક મૅચમાં હાર્દિક પંડ્યાનો હુરિયો બોલાવવામાં આવી રહ્યો છે એ ઘટના સંબંધમાં સવાલ પૂછાતાં કહ્યું હતું કે ‘લોકો ક્રિકેટરોનો હુરિયો બોલાવે એ જોવું મને જરાય પસંદ નથી. સાચું કહું તો સ્ટેડિયમમાં કોઈ પણ પ્રકારનો હુરિયો બોલાવાય એ જ મને નથી ગમતું. હાર્દિક ખૂબ ટૅલન્ટેડ પ્લેયર છે, તે બહુ સારો ઑલરાઉન્ડર પણ છે અને બૅટિંગ દરમ્યાન બૉલને જે રીતે ગ્રાઉન્ડની બહાર મોકલતો હોય છે એ જોવાની ખૂબ મજા આવે છે. તેની ફાસ્ટ બોલિંગ પણ ખૂબ સારી હોય છે અને તેની ફીલ્ડિંગ પણ સારી છે. તે અસરદાર પર્ફોર્મન્સ આપનારો પ્લેયર છે. રોહિત શર્મા પણ ભારતને મળેલા શ્રેષ્ઠ ક્રિકેટરોમાંનો એક છે. તે એમઆઇને તો ટાઇટલ્સ અપાવી જ ચૂક્યો છે, ભારતના ગ્રેટ કૅપ્ટનોમાં પણ તેની ગણના થાય છે.

ક્રિકેટરો મેદાન પર બેસ્ટ પર્ફોર્મ કરવાના ઇરાદાથી જ ઊતરતા હોય છે. મને લાગે છે કે મુંબઈ ઇન્ડિયન્સે કૅપ્ટન્સીના મુદ્દે દરેકના મંતવ્યો જાણ્યા પછી અને સલાહ લીધા હશે અને પછી જ ટીમ માટે જે નિર્ણય સર્વશ્રેષ્ઠ લાગ્યો એ લીધો હશે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button