આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત ભાજપમાં પાંચ બેઠક પર જનતામાં અસંતોષનો જુવાળ, ઉમેદવારો બદલાશે?

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત ભાજપને કેટલીક સીટો પર જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે પાર્ટીના કેટલાક અગ્રણી નેતાઓ પણ આનો ઉકેલ શોધી રહ્યા છે. જેમ કે રાજકોટ, અમરેલી, સાબરકાંઠા, વલસાડ, અને સુરેન્દ્રનગર સીટ પરના ભાજપના ઉમેદવારો બદલવાની માગ સ્થાનિક નેતાઓ, કાર્યકરો અને સામાન્ય લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર પાર્ટીની વિજયયાત્રા ખતરામાં લાગી રહી છે.

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની અગાઉની ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજ આકરાં પાણીએ છે. સમાજ વિરૂધ્ધ કરેલી અભદ્ર ટિપ્પણી બાદ શનિવારે ક્ષત્રિય સમાજના નેતા અને કરણી સેનાના ગુજરાત પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. શેખાવતે કહ્યું, “પાર્ટી નેતૃત્વએ રૂપાલા સામે કોઈ પગલાં લીધાં નથી, તેથી હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.” જોકે, રૂપાલાએ આ ટિપ્પણીઓ માટે બે વખત માફી માંગી છે તેમ છતાં વિરોધનું વંટોળ યથાવત છે.

આ દરમિયાન, અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભરત સુતરિયાની પસંદગીને લઈને શનિવારે રાત્રે પક્ષના બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. અહીં, વર્તમાન સાંસદ નારણ કાછડિયાના સમર્થકો અમરેલીમાંથી તેના ઉમેદવાર તરીકે સુતરિયાને ઉભા કરવાના પક્ષના નિર્ણયથી નાખુશ દેખાયા હતા. સુતરિયાની ઉમેદવારી અંગેના મતભેદો ઉકેલવા રાજ્યના પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા શનિવારે રાત્રે અમરેલી પહોંચ્યા હોવા છતાં કેટલાક કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ચુડાસમાએ કહ્યું કે સુતરિયા અમરેલીથી ભાજપના ઉમેદવાર રહેશે.

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યા બાદ આ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની પત્નીને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિરોધમાં 26 માર્ચે ઠાકોરના સમર્થનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો મોડાસા શહેરમાં પાર્ટી કાર્યાલયની બહાર એકઠા થયા હતા. તેમને મનાવવા માટે પાર્ટી હાઈકમાન્ડે અનેક રાઉન્ડની બેઠકો યોજી હતી.

બીજી તરફ ભાજપના હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જીતેન્દ્રસિંહ ઝાલાએ ખુલ્લો પત્ર લખીને શોભના બારૈયાની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો. ઝાલાએ દાવો કર્યો, “મેં કહ્યું છે કે પાર્ટીએ એવી મહિલાને ટિકિટ ન આપવી જોઈએ જે તેની મહિલા પાંખની સભ્ય નથી. તે (શોભના) પાર્ટી સાથે જોડાયેલી નથી. તેમના પતિ ભાજપમાં જોડાયા છે પરંતુ તેઓ પક્ષના સભ્ય નથી.” જો કે, શોભના બારૈયાએ આ દાવાઓને નકારી કાઢ્યા અને કહ્યું, ”મને જનતાનો ટેકો અને વિશ્વાસ મળી રહ્યો છે. મારા પતિ 5,000 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા અને હું પણ (પ્રધાનમંત્રી) મોદી સાહેબની વિચારધારા સાથે જોડાયેલી છું અને તેથી જ મોદી સાહેબે મને તેમના આશીર્વાદ આપ્યા છે.

સુરેન્દ્રનગર બેઠક પર પણ ભાજપના કેટલાક કાર્યકરોએ ચંદુ શિહોરાની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો, વર્તમાન સાંસદ મહેન્દ્ર મુંજપરાની ટિકિટ કાપીને ચંદુ શિહોરાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. શિહોરા, જે ચુંવાળીયા કોળી પેટાજાતિમાંથી આવે છે, અને તેમને હાલ તળપદા કોળી સમાજ લોકોના જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

વલસાડ લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ ભાજપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. જેમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલને બદલવા માટે ત્રણ જેટલા લેટરો કાર્યકરો દ્વારા લખીને વિરોધ કરાયા બાદ હવે બેનરો લગાવીને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જેમાં વલસાડ લોકસભા બેઠક પર સમાવિષ્ટ વાંસદા તાલુકાના કંબોયા અને સિંગાડ ગામે ધવલ પટેલને બદલો અને ભાજપના સંનિષ્ઠ કાર્યકરો દ્વારા સખ્ત વિરોધ કરવામાં આવશે જેવા બેનરો લાગતા ભાજપનો વિરોધ હવે જાહેરમાં આવી ગયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button