Uncategorized

ભૂતપૂર્વ ક્રિકેટર કહે છે, કૅપ્ટનપદેથી હાર્દિકની હકાલપટ્ટીની ઘડીઓ ગણાઈ રહી છે

બંગાળના આ ખેલાડીના મતે રવિવાર પહેલાં જ રોહિત ફરી બની જશે કૅપ્ટન

કોલકાતા: મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલની કોઈ સીઝનમાં શરૂઆતની સિલસિલાબંધ મૅચો હાર્યું હોય એ કોઈ નવી વાત નથી, પરંતુ આ વખતે ઉપરાઉપરી ત્રણ મુકાબલામાં પરાજય જોવો પડ્યો એ સંબંધમાં હાલમાં જે મામલો છે એ સાવ જુદો છે. અત્યારે મુંબઈ ઇન્ડિયન્સે (એમઆઇ) નવા સુકાની હાર્દિક પંડ્યા સામેના વિરોધ વચ્ચે લાગલગાટ ત્રણ હાર જોઈ છે એટલે એમઆઇના ચાહકોને આ પરાજય વધુ આકરો લાગી રહ્યો છે.

વાનખેડે સ્ટેડિયમમાં સોમવારે રાજસ્થાન રૉયલ્સ (આરઆર) સામે એમઆઇની ટીમે માત્ર 125 રન બનાવ્યા હતા અને આરઆરની ટીમે છ વિકેટે 126 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. એમઆઇની ટીમ સતત ત્રીજી હારને કારણે પૉઇન્ટ્સ-ટેબલમાં તળિયે પહોંચી ગઈ છે અને આરઆરની ટીમ મોખરે પહોંચી ગઈ છે.


હાર્દિક અસંખ્ય ક્રિકેટપ્રેમીઓ તરફથી થઈ રહેલા વિરોધના પ્રચંડ પ્રેશરમાં છે અને સોમવારે વાનખેડેમાં મૅચ પછી ડગઆઉટમાં એકલો બેસી રહેલો જોવા મળ્યો હતો. ભારતના ભૂતપૂર્વ ખેલાડી મનોજ તિવારીએ કહ્યું છે કે ‘એમઆઇના કૅપ્ટનપદેથી હાર્દિકની હકાલપટ્ટી બહુ દૂર નથી. મને લાગે છે કે રવિવારે એમઆઇની જે આગામી મૅચ છે એ પહેલાં જ હાર્દિકને સુકાનીપદેથી હટાવીને રોહિત શર્માને ફરી નેતૃત્વની જવાબદારી સોંપી દેવાશે. હું અનુભવ પરથી કહું છું કે મોટા ફ્રૅન્ચાઇઝીઓ ફેરફાર કરવા બહુ લાંબો સમય નથી લગાડતા. બહુ જલદી નિર્ણય લઈ લેતા હોય છે. મોટા ભાગે રવિવારે વાનખેડેની મૅચ પહેલાં જ રોહિતને ફરી સુકાન સોંપી દેવામાં આવશે.’


કોલકાતા નાઇટ રાઇડર્સના ભૂતપૂર્વ ખેલાડી મનોજ તિવારીએ એવું પણ કહ્યું કે ‘હાર્દિક અત્યારે જબરદસ્ત માનસિક દબાણમાં છે અને એ કારણસર જ તેણે રાજસ્થાન રૉયલ્સ સામે બોલિંગ નહોતી કરી. અગાઉની મૅચોમાં તે એમઆઇ વતી બોલિંગની શરૂઆત કરતો હતો, પરંતુ સોમવારે વાનખેડેની પિચ બોલરોને વધુ અનુકૂળ હતી છતાં તેણે બોલિંગ કરવાનું ટાળ્યું હતું. જસપ્રીત બુમરાહના બૉલ બહુ સારા સ્વિંગ થતા હતા એટલા હાર્દિકને પણ એવા બૉલમાં સારા પરિણામ મળી શક્યા હોત.’


મનોજ તિવારીએ હાર્દિકની કૅપ્ટન્સીને ઑર્ડિનરી ગણાવતા કહ્યું હતું કે ‘તે મોટી ભૂલો કરી રહ્યો છે. તેણે હૈદરાબાદ સામેની મૅચમાં છેક 13મી ઓવર સુધી બીજી ઓવર નહોતી આપી એ તેની મોટી ભૂલ હતી. એમઆઇના બૅટિંગ-ઑર્ડરમાં પણ ક્ષતિઓ હોય છે. ક્યારેક તિલક વર્માને હાર્દિકની પહેલાં ક્રીઝ પર મોકલવામાં આવે છે તો ડેવાલ્ડ બ્રેવિસને કોઈ પણ સ્થાને મોકલવામાં આવે છે. એકંદરે, ટીમમાં કંઈક તો ગરબડ ચાલી જ રહી છે.’


એમઆઇની હવે પછીની મૅચ રવિવારે (બપોરે 3.30 વાગ્યાથી) વાનખેડેમાં દિલ્હી સામે રમાશે. વીરેન્દર સેહવાગે પણ કહ્યું છે કે ‘એમઆઇની આગામી મૅચ પહેલાં છ દિવસનો બ્રેક છે જે દરમ્યાન એમઆઇના તમામ ખેલાડીઓએ સાથે મળીને પ્રૅક્ટિસ કરવી જોઈએ અને હાલમાં ટીમના પર્ફોર્મન્સ બાબતમાં શું ઉકેલ લાવી શકાય એના પર ચર્ચા કરવી જોઈએ. મને લાગે છે કે એમઆઇની ટીમ બહુ જલદી કમબૅક કરશે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…