નવી દિલ્હી: દેશની નદીઓ(Rivers of India)માં જળસ્તર અંગ એક ચિંતાજનક અહેવાલ જાહેર થયો છે. સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના એક રીપોર્ટ અનુસાર ગંગા, બ્રહ્મપુત્રા, સિંધુ, પેન્નાર, નર્મદા, તાપી, સાબરમતી, ગોદાવરી, મહાનદી, કાવેરી જેવી વિવિધ પ્રદેશો માટે જીવાદોરી સમાન નદીઓમાં જળસ્તર(Water Level) ઝડપથી ઘટી રહ્યું છે. અહેવાલ મુજબ આ નદીઓમાં ગત વર્ષની સરખામણીએ ખુબજ ઓછું પાણી બચ્યું છે.
સેન્ટ્રલ વોટર કમિશન (CWC)એ 28 માર્ચના રોજ જાહેર કરેલા એક અહેવાલ મુજબ ભારતના 150 મોટા જળાશયોમાં તેની કુલ જળ સંગ્રહના 36%થી ઓછું પાણી છે. 86 જળાશયોમાં 40% કે તેથી ઓછું પાણી છે. આવા મોટાભાગના જળાશયો દક્ષિણના રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આંધ્ર પ્રદેશમાં 65 ટકા અને તેલંગાણામાં 67 ટકા વરસાદની અછત નોંધાઈ છે. CWC પાસે 20 નદી બેસિનનો લાઈવ ડેટા રહે છે. મોટાભાગના બેસિનોમાં સંગ્રહ ક્ષમતાના 40 ટકા જળસ્તર નોંધાયું હતું. 12 નદીઓના તટપ્રદેશમાં પાણીનો સંગ્રહ ગત વર્ષે આ સમયગાળામાં નોંધાયેલા જળસ્તર કરતા ઓછો છે. કાવેરી, પેન્નાર અને કન્યાકુમારી વચ્ચેની પૂર્વ તરફ વહેતી નદીઓ સૌથી વધુ જોખમમાં છે.
દેશની સૌથી મોટું બેસિન નદીનું ગંગા છે. પરંતુ હાલ ગંગામાં સંગ્રહ ક્ષમતા અડધા કરતા પણ ઓછું પાણી છે. ગંગા બેસિનમાં માત્ર 41.2 ટકા પાણી બચ્યું છે. જે ગયા વર્ષે આ સમાન સમયગાળાની સરખામણીમાં આ ઘણું ઓછું છે. ગંગા નદી 11 રાજ્યોના લગભગ 2.86 લાખ ગામડાઓને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે.
અહેવાલ મુજબ દક્ષિણ ભારતમાં મહાનદી અને પેન્નાર વચ્ચે પૂર્વ તરફ વહેતી 13 નદીઓમાં લગભગ પાણી જ નથી રહ્યું. જેમાં રુશિકુલ્ય, વરાહ, બહુદા, વંશધારા, નાગવલી, સારધા, તાંડવ, એલુરુ, ગુંદાલકમ્મા, તમ્મીલેરુ, મુસી, પાલેરુ અને મુનેરુ નદીઓનો સમવેશ થાય છે. આ નદીઓ આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાંથી વહે છે. ઉનાળા પહેલા તેમની સ્થિતિ ચિંતાજનક છે.
આ નદીઓના પાણીથી 86,643 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંચાઈ થાય છે. બેસિનનો 60 ટકા વિસ્તાર કૃષિ વિસ્તાર છે. આ વર્ષે પાણીના અભાવને કારણે ખેતીના પાકને પણ અસર થશે.