આ મહાભારતનું લાક્ષાગૃહ કે પછી મજાર…

બાગપત: વારાણસીના જ્ઞાનવાપી જેવો વધુ એક ધાર્મિક વિવાદ ઉત્તર પ્રદેશમાં બાગપતના લાક્ષાગૃહ અને મજાર અંગે ચાલી રહ્યો છે. આ મહાભારત કાળના લાક્ષાગૃહની જમીન પર મજાર બનાવવાનો વિવાદ છે, હિંદુ પક્ષ આ મિલકત હિંદુઓની હોવાનું કહી રહ્યો છે. આ માટે બાગપત કોર્ટમાં બંને પક્ષકારો વચ્ચે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

આજે આ વિવાદનો ચુકાદો આવવાનો હતો પરંતુ હાપુડમાં લાઠીચાર્જના વિરોધમાં વકીલો હડતાળ પર હોવાને કારણે સિવિલ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો ન હતો. હવે આગામી તારીખ પર ચુકાદો મુલતવી રાખવામાં આવ્યો હતો. ચુકાહા બાદ જ સ્પષ્ટ થશે કે વિવાદિત સ્થળ મહાભારત કાળનું લાક્ષાગૃહ છે કે પછી મજાર. આ કેસ છેલ્લા 53 વર્ષથી બાગપત સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

વરણાવતનો ઈતિહાસ મહાભારતમાં નોંધાયેલો જોવા છે. વરણાવતમાં જ પાંડવોને બાળીને મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, આ માટે શકુની અને દુર્યોધને લાક્ષાગૃહનું નિર્માણ કર્યું હતું. એ ઘટના દ્વાપર યુગની હતી અને ત્યારથી હજારો વર્ષો વીતી ગયા છે. હિંદુ અનુયાયીઓનું કહેવું છે કે આ જ જમીન પર મુસ્લિમોએ બદરુદ્દીનની કબર બનાવી હતી અને હવે તેઓ તેને મજાર કહે છે.
સમગ્ર વિવાદ 1970 માં શરૂ થયો હતો, લાક્ષાગૃહ ટેકરાની આશરે 100 વીઘા જમીન પર માલિકી હક્ક બાબતે છેલ્લા 53 વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો હતો, જ્યાં સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડમાં વકફ પ્રોપર્ટી તરીકે નોંધાયેલ છે. આ કેસમાં બ્રહ્મચારી કૃષ્ણદત્ત મહારાજને પ્રતિવાદી બનાવવામાં આવ્યા હતા. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કૃષ્ણ દત્ત તેને નષ્ટ કરીને તેને હિન્દુઓનું તીર્થસ્થળ બનાવવા માંગે છે. જ્યારે કૃષ્ણદત્તે દાવો કર્યો હતો કે પ્રાચીન ટેકરા અને સમાધિ લાક્ષાગૃહનો ભાગ છે. જ્યાં ક્યારેય કોઈ કબર કે મજાર અસ્તિત્વમાં હતી જ નહી.
હિન્દુ પક્ષના વકીલ રણવીર સિંહે કહ્યું કે મુસ્લિમ પક્ષ 100 વીઘા જમીનને કબ્રસ્તાન અને કબર કહીને કબજે કરવા માંગે છે. તેણે આ અંગેના તમામ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે, જ્યારે લાક્ષાગૃહનો ઈતિહાસ મહાભારત કાળનો છે, જેના વિશે દેશ અને દુનિયા જાણે છે. લાક્ષાગૃહ ટેકરા પર સંસ્કૃત પાઠશાળા અને મહાભારત કાળના અવશેષો પણ મળી આવ્યા હતા. આ સિવાય ASIએ અહીં ખોદકામ કરીને પ્રાચીન સભ્યતાના અવશેષો મેળવ્યા હતા, જેના આધારે હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે મકબરો સહિતનો સમગ્ર ભાગ મહાભારત સમયનો છે અને તેમને માલિકીનો અધિકાર આપવા કોર્ટમાં માંગણી કરી હતી.