આપણું ગુજરાત

ભીષણ ગરમી અને હિટવેવના કારણે AMCએ સ્કૂલના સમયમાં કર્યો ફેરફાર, જાણો વિગત

ગુજરાતમાં ઉનાળાની શરુઆતમાં જ અગન ગોળા વરસી રહ્યા છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા ભીષણ ગરમીની આગાહી પણ કરવામાં આવી છે. બપોરના સમયમાં શાળાએ જતા પ્રાથમિક શાળાના બાળકોને ગરમીમાં લૂ લાગવાની શક્યતા છે. ગરમીને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઇ શકે છે. અમદાવાદ શહેરમાં પણ ગરમીનો પારો વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં બપોર પાળીના સમયમાં ફેરફાર કરી સમય સવારનો કરવામાં આવ્યો છે. ગરમીના કારણે 1 એપ્રિલથી 5 મે સુધી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવાર પાળીનો સમય 7:10થી 12 વાગ્યા સુધીનો રહેશે અને શનિવારે 7:10થી 11-30 સુધીનો રહેશે. બપોર પાળીની સ્કૂલનો સમય 7:10થી 12 સુધીનો રહેશે અને શનિવારે 7:10થી 11:30 વાગ્યા સુધીનો રહેશે. પૂરતી બેઠક વ્યવસ્થા હોય તેવી સ્કૂલો માટે જ આ પ્રકારની વ્યવસ્થા કરવાની રહેશે.

શાળા સંચાલકોએ સ્કૂલનો સમય નક્કી કરતા પહેલા મદદનીશ શાસનાધિકારી પાસે મંજૂરી મેળવવાની રહેશે. સ્કૂલના સમયમાં થયેલા ફેરફાર અંગેની જાણ જે તે સ્કૂલના વ્યવસ્થાપન કમિટીના સભ્યો અને વાલીઓનો કરવાની રહેશે. શિક્ષકોએ સ્કૂલ સમય કરતા 10 મિનિટ અગાઉ અને સ્કૂલના સમયના 10 મિનિટ બાદ સ્કૂલમાં હાજર રહી વ્યવસ્થા ગોઠવવાની રહેશે.

ઉલ્લેખનિય છે કે રાજ્યમાં વધતી જતી ગરમી અને હિટવેવની આગાહીને લઈને ગુજરાતના શૈક્ષિક મહાસંઘે બાળકોને ગરમીમાં લૂ ન લાગે તે માટે શાળાના સમયમાં ફેરફાર કરવા માગણી કરી છે. શાળામા સમય સવારનો કરવામાં આવે તેવી શિક્ષણ સચિવને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી. એટલુ જ નહી ગરમીના કારણે અમુલ જિલ્લામાં પીવાા પાણીની સમસ્યા સર્જાતી હોવાની સાથે જ ગરમી વધતા વિદ્યાર્થીઓને લૂ લાગવાથી બિમાર પડતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button