પુરુષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિયોનો રોષ યથાવત, આ શહેરોમાં લાગ્યા “રૂપાલા હટાવો”ના બેનર
રાજકોટ: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર વાણી વિલાસ દ્વારા બહેન બેટીઓનું અપમાન કર્યું હોઇ સમગ્ર ગુજરાતમાં વિરોધ વંટોળ વધતો જાય છે. રૂપાલાએ કરેલી ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત ક્ષત્રિય સમાજ હવે રસ્તા પર ઊતરી આવ્યો છે. રાજકોટની સ્થાનિક કોર્ટમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં પૂતળાનું દહન અને ઘણા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કચેરીમાં આવેદન આપવામાં આવ્યા છે. આ દરમિયાન આજે ખંભાળિયામાં લાગ્યા “રૂપાલા હટાવો”ના બેનર લાગ્યા છે.
રાજકોટના એક કાર્યક્રમમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી ટિપ્પણીના ઊઠેલા વિરોધના વંટોળમાં ખંભાળિયાના ક્ષત્રિય સમાજમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. ખંભાળિયાની વિનાયક સોસાયટી ખાતે રાજપુત સમાજના લોકો દ્વારા પોતાના ઘરોમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ભાજપના કોઈપણ વ્યક્તિએ પ્રચાર માટે આવવું નહીં. જો રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તે પ્રકારના બેનરો લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
પુરુષોત્તમ રૂપાલાની વિરૂધ્ધ રાજકોટના ઉપલેટા શહેરમાં પુરષોત્તમ રૂપાલા અને જયરાજસિંહ જાડેજાના ફોટો સાથે બેનરો લાગ્યા હતા. આ બેનરમાં જયરાજસિંહ અને રૂપાલાના ફોટો પર ચોકડી મારવામા આવી હતી. ઉપલેટા પોરબંદર લોકસભા મત વિસ્તારમાં આવતું હોવાછતાં આ પ્રકારના બેનર લાગતા ચકચાર મચી ગઈ છે.
પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મહીસાગર યુવા ક્ષત્રિય સેના અને બાલાસિનોર ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લા યુવા ક્ષત્રિય સેના પ્રમુખ હિતેન્દ્રસિંહએ આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે રાજા મહારાજાઓ અંગ્રેજો સામે નમી ગયા, રોટી-બોટીનો વ્યવહાર કર્યો અને દુશ્મનો સામે ક્ષત્રિયોની તલવાર પણ કામ ના આવી. દેશના મહાન શૂરવીર યોદ્ધા અને પ્રજા વત્સલ રાજાઓ માટે અપમાનજનક ભાષાથી ક્ષત્રિયો અને અનેક રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાઈ છે.
આ જ પ્રકારે ઠાસરા-ગળતેશ્વર તાલુકાના ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરતા આવા નિવેદન કરનાર આ ઉમેદવારની તાત્કાલિક ધોરણે ટીકીટ રદ કરવાની માગણી કરી છે. ક્ષત્રિય કરણી સેના પરિવારના નેજા હેઠળ ઠાસરા મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે, જાહેર સભામાં ક્ષત્રિય રાજપૂત સમાજને અપમાનિત કરતા શબ્દો ઉચ્ચારવામાં આવેલા છે. વિવાદાસ્પદ નિવેદનને લઈને સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાઇ છે.