તરોતાઝા

પાચનક્રિયાને મજબૂત બનાવે સફેદ ડુંગળી

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

ઉનાળાની શરૂઆત ધીમે ધીમે થવા લાગી છે. કાગડોળે રાહ જોવાતી કેરી બજારમાં દેખાવા લાગી છે. ધનિકોના ભોજનમાં કેરીની વિવિધતા પીરસાવા લાગી છે. આમ આદમી, કિંમત પરવડે તેવાં ભાવ થાય તેની રાહ જોઈ રહ્યા છે. પરસેવાની સાથે વાતાવરણમાં ઉકળાટ વધવા લાગ્યો છે. ઉનાળાની મજા માણવી એ એક લ્હાવો છે. મસ્ત મજાની ગરમી પડતી હોય ત્યારે તેનાથી રાહત મેળવવા ઘેર ઘેર કેરી-ડુંગળીનું કચુંબર બનવા લાગે. ક્યાંક વરિયાળીનું શરબત તો ક્યારેક લીંબુનું શરબત પીવાય. ઠંડી છાસ કે લસ્સી પીવાની મજા ઉનાળામાં જ આવે. રસદાર ફળો જેવા કે તરબૂચ, સક્કરટેટી, જાંબુ, ફાલસા ખાવાની મજા ગરમીમાં જ આવતી હોય છે. ગરમીમાં ટાઢક મળી રહે તે માટે અનેક ઉપાયો થવા લાગે. શરીરને અંદરથી ઠંડક પહોંચે તે માટે ભોજનમાં બદલાવ લાવવો જરૂરી બની જતો હોય છે. ઉનાળામાં સૌથી વધુ ખ્યાલ પાચનતંત્રનો રાખવો પડે છે. જરાક ભૂલ થઈ કે પેટ બગડ્યું. પાચનને મજબૂત બનાવે તેવો એક ઉપાય એટલે જ સફેદ ડુંગળી.

મહારાષ્ટ્રમાં તો સફેદ ડુંગળીની મોટી મોટી સેર વેચાવા લાગી છે. સફેદ ડુંગળી દેખાવમાં અત્યંત આકર્ષક લાગતી હોય છે. તેથી જ તેના શોખીનો ઝટપટ તેનો સ્વાદ માણવા કાગડોળે રાહ જોતા હોય છે. સફેદ ડુંગળીની ખેતી ૫૦૦૦ વર્ષથી થતી આવે છે. એવું પણ જાણવા મળે છે કે ૧૬મી સદીમાં આયુર્વેદાચાર્યો સફેદ ડુંગળી ખાવાની ભલામણ કરતાં હતા. સ્વાસ્થ્યવર્ધક લાભ જાણી લીધા બાદ આપ પણ તેનો આહારમાં સમાવેશ કરવાનું મન બનાવી લેશો. વળી આ ડુંગળીની મળતી સેરને ૬-૭ મહિના માટે રાખી શકાય છે. જરૂર પડે તેમ તેમાંથી ડુંગળી કાઢતા રહેવાનું સરળ પડે છે. લાલ ડુંગળી ગરીબોની સંજીવની ગણાય છે. સફેદ ડુંગળી ધનિકો શોખથી ખાય છે. ડુંગળી કાપે તેની આંખે પાણી આવે. સ્વાદમાં સફેદ ડુંગળી લાલ ડુંગળીની સરખામણીમાં વધુ રુચિકર માનવામાં આવે છે.
સનસ્ટ્રોક હોય કે સનબર્ન સફેદ ડુંગળી ખાવાથી ઝડપી ફેર પડવા લાગે છે. તેનું મુખ્ય કારણ ડુંગળીમાં વિટામિન સી, આયર્ન, કૅલ્શ્યિમની સાથે ઍન્ટિ ઑક્સિડન્ટ તથા ઍન્ટિ-ઈન્ફલેમેટરી ગુણો જોવા મળે છે. હૃદયને તંદુરસ્ત રાખવા માટે, રોગપ્રતિકારક શક્તિ જાળવવા તેમજ વિષાણુથી બચવા માટે સફેદ ડુંગળીનો આહારમાં ઉપયોગ જરૂરી છે.

ભારતમાં ડુંગળીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. મહારાષ્ટ્રમાં વર્ષમાં બે વખત પાક લેવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, રાજસ્થાન, બિહાર વગેરે રાજ્યોમાં ડુંગળીની ખેતી થાય છે. સફેદ ડુંગળીની કિંમત લગભગ ૫૦ રૂપિયે કિલોના ભાવે મળે છે. સફેદ ડુંગળીમાં શર્કરા વધુ તેમજ સલ્ફરની માત્રા ઓછી હોય છે. તેનો ઉપયોગ સલાડ કે કચુંબરમાં કરવામાં આવે છે. સફેદ ડુંગળીનું સેવન એક ખાસ રીતે કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને મુરબ્બો બનાવવામાં આવે છે. જે પ્રમાણે કેરી કે આમળાંનો મુરબ્બો બને છે તેજ પ્રમાણે સફેદ કાંદાનો મુરબ્બો બનાવવામાં આવે છે. ફક્ત તેમાં ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ થાય છે. આ મુરબ્બાના ઉપયોગ બાદ પેટથી લઈને હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે.

સફેદ ડુંગળીના સ્વાસ્થ્યવર્ધક લાભ
ફાઈબરથી સમૃદ્ધ
સફેદ ડુંગળી ફાઈબરથી ભરપૂર જોવા મળે છે. જેને ફ્રુક્ટેન કહેવામાં આવે છે. જેનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધિત ફાયદો મેળવવા થતો આવ્યો છે. ફ્રુક્ટેનનો સમાવેશ કરવાથી આંતરડામાં તંદુરસ્ત બેક્ટેરિયા બનવા લાગે છે. મળત્યાગ સુચારું રીતે થવા લાગે છે.

લોહી પાતળું કરવામાં મદદરૂપ
સફેદ ડુંગળીમાં લોહીને પાતળું કરવાના ગુણો સમાયેલાં જોવા મળે છે. જેવા કે ફ્લેવોનોઈડ, સલ્ફર વગેરે ઘટ્ટ લોહીને પાતળું કરીને રક્તપ્રવાહ સામાન્ય બનાવવામાં મદદ કરે છે.

બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ
સફેદ કાંદામાં ક્રોમિયમ તેમજ સલ્ફરની માત્રા હોય છે. જે લોહીમાં શર્કરાની માત્રાને નિયમિત કરવામાં ઉપયોગી છે. વિશેષજ્ઞનું કહેવું છે કે ચોક્કસ માત્રામાં સફેદ ડુંગળીનું સેવન કરવાથી ડાયાબિટીસ
તેમજ ડાયાબિટીસ હોવાની શક્યતા હોય તેવા(પ્રી-ડાયાબિટીક)
દર્દીઓને ફાયદો થાય છે. ડુંગળીમાં સમાયેલાં કેટલાંક કમ્પાઉન્ડ
જેવા કે ક્વેર્સિટિન તથા સલ્ફરમાં ઍન્ટિ-ડાયાબિટીકનો પ્રભાવ જોવા મળે છે.

પુરુષોને માટે ગુણકારી
સફેદ ડુંગળી માટે એવો દાવો થઈ રહ્યો છે કે તેનું સેવન કરવાથી કામેચ્છા વધે છે. તેમજ શક્તિનો સંચાર કરે છે. મધ સાથે લેવામાં આવે તો ગજબનો ફાયદો થાય છે. ડુંગળીમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ હોય છે. પ્રાકૃત્તિક રીતે સ્પર્મ વધારવાનું કામ કરે છે. યૌન શક્તિ વધારતા કંદ તરીકે ડુંગળી ઓળખાય છે.

હૃદયની તંદુરસ્તી માટે લાભકારક
ડુંગળીનો ઉપયોગ હૃદયની તંદુરસ્તી માટે અત્યંત ગુણકારી ગણવામાં આવે છે. તેનું મુખ્ય કારણ ઍન્ટિ-ઓક્સિડન્ટ તેમજ ચોક્કસ કમ્પાઉન્ડની માત્રા છે. જેને કારણે શરીર ઉપર વધતાં સોજા ઘટે છે. ટ્રાઈગ્લિસરાઈડનું લેવલ ઘટાડવામાં મદદ કરે છે. જેને કારણે લોહીમાં કૉલેસ્ટ્રોલની માત્રા ઘટે છે.

વાળની તંદુરસ્તી માટે ગુણકારી
વાળ ખરતાં હોય તેમને માટે સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવો ફાયદાકારક છે. વાળ બરછટ હોય કે વાળની ચમક ઓછી થઈ હોય તે પાછી આવે છે. વાળમાં ખોડો તથા કસમયે વાળ સફેદ થતાં અટકે છે.

કૅન્સરથી લડવાની ક્ષમતા
એવિયમ પરિવારના શાકમાં સમાતા સફેદ કાંદામાં સ્લફર કંમ્પાઉન્ડ, ફ્લેવોનોઈડ ઍન્ટિ-ઓક્સિડન્ટ છે. જેમાં કૅન્સરથી લડવાની ક્ષમતા સમાયેલી છે. ડુંગળીમાં સલ્ફર તેમજ ક્વેર્સિટિન ફ્લેવોનૉઈડ તથા ઍન્ટિ-ઓક્સિડન્ટ સમાયેલું હોય
છે. જે ટ્યૂમરના ગ્રોથને રોકવામાં મદદ કરે છે.

રોગપ્રતિકારક ક્ષમતામાં સુધારો
સફેદ ડુંગળીમાં સેલેનિયમ હોય છે. જે વ્યક્તિની રોગપ્રતિકરાક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. સેલેનિયમ વાયરલ તેમજ વિવિધ પ્રકારની ઍલર્જીથી બચવામાં મદદ કરે છે.


સફેદ કાંદાનો મુરબ્બો
સામગ્રી : ૧ કિલો ગ્રામ સફેદ ડુંગળી, ૫૦૦ ગ્રામ મધ, ૩ નંગ એલચી, ચપટી જાયફળનો પાઉડર, જાવંત્રીનો પાઉડર ચપટી, તજનો પાઉડર ચપટી.
બનાવવાની રીત : સૌ પ્રથમ સફેદ ડુંગળીને છીણી લેવી. તેને તડકામાં એક દિવસ સૂકવવી. સૂકાઈ જાય ત્યારબાદ તેમાં મધ ભેળવવું. ૪૦ દિવસ સુધી તેને રાખી મૂકવું. ડુંગળીનો મુરબ્બો ખાવા માટે તૈયાર છે. મધ સૂકાઈ જાય તેવું લાગે તો પાછું ઉમેરવું. ડુંગળીને છીણવી ના હોય તો તેમાં ઝીણાં કાણા પાડીને આખી નાની સફેદ ડુંગળીનો મુરબ્બો બનાવી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button