મહારાષ્ટ્રના રાજકારણના ફિલ્મી રંગ: ભાંડુપનો દેવાનંદ, શોલેનો જેલર….
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હિલચાલ વધી રહી છે. પાર્ટીના નેતાઓ તરફથી નિવેદનો ચાલુ કરી દેવામાં આવ્યા છે. આ બધા વચ્ચે ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતના નિવેદનને પગલે રાજકીય ગરમીમાં વધારો થયો છે. હવે મહાયુતી તરફથી તેમના નિવેદનનો વળતો જવાબ આપવામાં આવ્યો છે.
કોણે શું કહ્યું?
મહારાષ્ટ્રના રાજકારણમાં એક નેતા બીજા નેતા પર ટીકા કરવા માટે તેમની સરખામણી બોલીવુડના જાણીતા કલાકારો સાથે કરતા જોવા મળ્યા છે. સંજય રાઉતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી જોની લીવર સાથે કરી હતી. તેમણે મેરઠની રેલી બાદ ટીકા કરતાં કહ્યું હતું કે મોદી રોજ નવા જોક કરી રહ્યા છે. તેમના જોક સાંભળીને એવું લાગી રહ્યું છે કે જોની લીવર બાદ કોઈ મોટો કોમેડિયન હોય તો તે મોદી છે. ગુજરાતનો લીવર બધાનું મનોરંજન કરી રહ્યો છે.
જેને પગલે નીતેશ રાણેએ સંજય રાઉતને ભાંડુપનો દેવાનંદ કહ્યો હતો. જ્યારે રામ કદમે ઉદ્ધવ ઠાકરેની સરખામણી બોલીવુડની અત્યંત લોકપ્રિય ફિલ્મ શોલેના જાણીતા જેલરનું પાત્ર કરનારા અસરાનીની સાથે કરી હતી. તેમના જાણીતા ડાયલોગ આધે ઈધર જાઓ, આધે ઉધર જાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે પ્રસાદ લાડે રાઉતને છેલ્લી ચેતવણી આપી હતી.
સંજય રાઉતના જોની લીવર વાળા નિવેદન પર રામ કદમે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની હાલત અત્યારે શોલેના જેલર જેવી છે. અડધા અહીં જાઓ… અડધા ત્યાં… પાછળ વળીને જુઓ ત્યારે કોઈ નહીં. આવી હાલત થવા છતાં તેમના નેતા સંજય રાઉત વડા પ્રધાન માટે કેવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. તમારી બુદ્ધિને શું થઈ ગયું છે? મોદીનું જીવન તો આખા દેશ માટે છે.
તેમણે કહ્યું હતું કે માં ભારતી માટે તેમણે 10 વર્ષમાં રજા લીધી નથી. આખી દુુનિયા તેમને વિશ્ર્વ નેતા તરીકે સ્વીકારી રહ્યું છે. અને ઉદ્ધવ ઠાકરે અને તેમના નેતાની ભાષા જુઓ. તમારા આવા શબ્દો માટે તો જનતા જ તમને દંડ આપશે.