બીમાર સાસુ-સસરાને કારણે ચૂંટણીની કામગીરીમાં ન જોડાતા અમદાવાદમાં શિક્ષિકાની અટકાયત
લોકસભાની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં લાગ્યું છે, ચૂંટણી કામગીરી માટે વિવિધ સરકારી કર્મચારીઓને ફરજ બજાવવાની હોય છે. શિક્ષકોને પણ ચૂંટણીમાં વિવિધ કામગીરી સોંપવામાં આવે છે. આ દરમિયાન અમદાવાદમાં ચૂંટણીની કામગીરીમાં ન જોડાયેલા શિક્ષિકા સામે કાર્યવાહી થઈ છે. બૂથ લેવલ ઓફિસર (BLO)ના કામમાં ન જોડાતા ચેનપુર પ્રાથમિક શાળાના શિક્ષિકા હિનલ પ્રજાપતિની પોલીસે અટકાયત કરી હતી. મામલતદારના હુકમ બાદ પોલીસે આ કાર્યવાહી કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદના ચેનપુરમાં આવેલી ચેનપુર પ્રાથમિક શાળામાં હિનલ પ્રજાપતિ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની 1 ફેબ્રુઆરી 2024ના રોજ બૂથ લેવલ ઓફિસર તરીકે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં નિમણૂક કરવામાં આવી હતી. જો કે મહિલાએ પોતાના સાસુ-સસરા બીમાર હોવાને લીધે અને બાળકો નાના હોવાને કારણે આ કામગીરીનો અસ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ તેમણે હાજર થવા માટે ટેલિફોનિક અને લેખિતમાં સ્કૂલના આચાર્ય મારફત જાણ કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરીથી તેઓ હાજર થયાં નહોતાં અને હુકમનો અનાદર કર્યો હતો.
જેથી ઘાટલોડિયા વિધાનસભા મત વિભાગ અને પ્રાંત અધિકારી અમદાવાદ પશ્ચિમ દ્વારા સાબરમતી પોલીસને શિક્ષિકાની અટકાયત કરવા માટે વોરંટ આપવામાં આવ્યું હતું. વોરંટ આવતાં જ સાબરમતી પોલીસે ચેનપુર ખાતેની સ્કૂલેથી મહિલા શિક્ષકની અટકાયત કરી હતી અને તેમને ગોતા મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની રજૂઆત સાંભળીને તેમની માગ સ્વીકારવામાં આવી હતી.
શિક્ષિકાની અટકાયત અંગે અમદાવાદ પશ્ચિમના પ્રાંત અધિકારી ઉમંગ પટેલને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે મહિલા શિક્ષક ઓર્ડર કર્યા છતાં હાજર ન થતાં તેમને વોરંટ બજવણી માટે કચેરીમાં હાજર કરવામાં આવ્યાં. જો કે તેમની રજૂઆત સાંભળીને તેયોગ્ય લાગતા તેમનો તેમના ઘરથી નજીક ઓર્ડર કરવામાં આવ્યો છે.
આ મામલે શિક્ષિકાના પતિનું કહેવું છે કે, ‘મહિલાને BLOની કામગીરી સોંપાઈ હતી. ગુજરાત ચૂંટણી પંચનો પત્ર છે કે કોઈ મહિલાને અનિવાર્ય સંજોગોમાં જ BLOની કામગીરી સોંપવી. મહિલાને ગમે ત્યાં કામગીરી ન સોંપવી. જ્યાં તેમનો મત વિસ્તાર છે ત્યાં જ મુકવી. તેથી અમે ચૂંટણી પંચના પત્રને જોડીને રજૂઆત કરી હતી કે અમને આ કામગીરી ન આપો. અને જો કામગીરી આપો તો અમારા મત વિસ્તારમાં જ આપો. તેમ છતા તેમણે દૂરના સ્થળે કામગીરી આપી છે. જેને લઈને અમે આ કામગીરીનો અસ્વીકાર કર્યો છે. આખા ગુજરાતમાં આ પહેલો કેસ છે, જ્યારે મહિલા શિક્ષિકાની અટકાયત કરાઈ છે. અમે લેખિતમાં આધાર પૂરાવા સાથે રજૂઆત કરી છે.’