‘યુવાનોના લગ્ન કરાવીશ’સોલાપુરના ઉમેદવારનો ગજબનો ચૂંટણી પ્રચાર
સોલાપુર: લોકસભાની ચૂંટણી યોજાવાને હવે થોડા જ દિવસોનો સમય છે અને બધા જ ઉમેદવારો પોતપોતાની રીતના પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી આવતા જ ઉમેદવારો પોતાના મતવિસ્તારના લોકોને વિવિધ વાયદા કરે છે અને અન્ય લ્હાણીના સપનાં પણ દેખાડતા હોય છે.
જોકે, સોલાપુરની માઢા બેઠકના એક ઉમેદવારે પોતાના ચૂંટણી પ્રચાર માટે કંઇક જુદા જ પ્રકારનો વાયદો કર્યો છે, જેના કારણે તેમનું નામ ચર્ચામાં છે.
માઢા તાલુકાના વંચિત બહુજન આઘાડીના ઉમેદવાર રમેશ બારસકરે મહારાષ્ટ્રના યુવાનોના લગ્ન કરાવવાનો વાયદો કર્યો છે. પત્રકારો સાથે વાત કરતા બારસકરે જણાવ્યું હતું કે માઢા તાલુકામાં અનેક સમસ્યાઓ છે, જેમ કે ખેતી ઉત્પાદનને યોગ્ય ભાવ ન મળવા, મહિલાઓને કામ નથી મળતું.
આ ઉપરાંત યુવાનોના લગ્નની પણ મોટી સમસ્યા છે. લગ્નની ઉંમર થઇ ગઇ હોવા છતાં યુવાનોના લગ્ન નથી થઇ રહ્યા. યુવાનોના લગ્ન ન થવાની સમસ્યા આખા મહારાષ્ટ્રમાં છે. આ સમસ્યા દૂર કરવા માટે હું કામ કરીશ, એમ બારસકરે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે માઢા બેઠક ઉપરથી મહાયુતિએ રણજીતસિંહ નાઇક નિંબાળકરને ઉમેદવારી આપી છે, જ્યારે મહાવિકાસ આઘાડીએ અત્યાર સુધી આ બેઠક ઉપર પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. જોકે, બારસકર દ્વારા યુવાનોના લગ્નની સમસ્યાના નિવેદનની ખૂબ ચર્ચા થઇ રહી છે.