આમચી મુંબઈ

હરીફ વેપારીઓને ખોટા કેસમાં સપડાવવા તેમની દુકાનોમાં શસ્ત્રો સંતાડવાના કાવતરાનો પર્દાફાશ

ચાર પિસ્તોલ-59 કારતૂસ જપ્ત: બે પિસ્તોલ-12 કારતૂસ ખાડીમાં ફેંકી: વેપારી સહિત બેની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વ્યાવસાયિક નુકસાન સરભર કરવાને ઇરાદે હરીફ વેપારીઓને ખોટા પોલીસ કેસમાં સપડાવવા માટે તેમની દુકાનોમાં ઘાતક શસ્ત્રો સંતાડવાના કાવતરાનો પર્દાફાશ કરી મીરા-ભાયંદર વસઈ-વિરાર ક્રાઈમ બ્રાન્ચે ફર્નિચરના વેપારી સહિત બે જણની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી ચાર પિસ્તોલ અને 59 કારતૂસ જપ્ત કરવામાં આવી હતી, જ્યારે બે પિસ્તોલ અને 12 કારતૂસ આરોપીએ ખાડીમાં ફેંકી દીધી હતી.


ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ ફિરોઝ આલમ શફીઉલ્લા ચૌધરી (39) અને શાકીર અબ્દુલ વહાબ ચૌધરી (38) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા બન્ને આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.


મીરા રોડના ગોલ્ડન નેસ્ટ સર્કલ પાસે આવેલી ફર્નિચરની દુકાનના માલિક ફિરોઝ અને કર્મચારી શાકીર પાસે ગેરકાયદે શસ્ત્રો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચના એસીપી મદન બલ્લાળ અને યુનિટ-1ના ઇન્ચાર્જ અવિરાજ કુરાડેની ટીમે તપાસ હાથ ધરી હતી.


તપાસ દરમિયાન ફિરોઝ અને શાકીર પાસેથી બે દેશી પિસ્તોલ અને 16 કારતૂસ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ફર્નિચરના અન્ય વેપારીઓને કારણેે આરોપી વેપારી ફિરોઝને ખાસ્સું આર્થિક નુકસાન થયું હતું. પરિણામે હરીફ વેપારીઓને પાઠ ભણાવવા અને તેમને પોલીસ કેસમાં સપડાવવા ફિરોઝે કાવતરું ઘડ્યું હતું.


ફિરોઝે ઉત્તન પરિસરમાં રહેતા ભૂતપૂર્વ કર્મચારીની મદદથી છ પિસ્તોલ અને કારતૂસો મેળવી હતી, જેમાંથી બે પિસ્તોલ અને 43 કારતૂસ ત્રણ દિવસ અગાઉ એક વેપારીની દુકાનમાંના સ્ટોલમાં સંતાડવામાં આવી હતી. તે મામલે કાશીમીરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ફિરોઝ એકાદ બે દિવસમાં તેની પાસેથી પિસ્તોલ અને કારતૂસો બીજા વેપારીની દુકાનમાં સંતાડવાનો હતો, જ્યારે કર્મચારી શાકીરને પણ તેણે અન્ય એક વેપારીની દુકાનમાં પિસ્તોલ-કારતૂસો સંતાડવાનું કામ સોંપ્યું હતું.


આરોપીઓએ દાવો કર્યો હતો કે ડરના માર્યા તેમણે બે પિસ્તોલ અને 12 કારતૂસ એક સૅક બૅગમાં ભરી ભાયંદરના વર્સોવા પુલ પરથી ખાડીમાં ફેંકી દીધી હતી. પોલીસ એ પિસ્તોલ અને કારતૂસોની શોધ ચલાવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button