17 એપ્રિલની કોલકાતા-રાજસ્થાન મૅચના શેડ્યૂલમાં કદાચ ફેરફાર થશે, જાણો શા માટે
કોલકાતા: આ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે એટલે એની તૈયારીઓ થઈ રહી હોય અને બીજી બાજુ આઇપીએલની મૅચો પણ રમાતી હોય એટલે સલામતી જાળવતા તંત્ર પર પ્રચંડ બોજ આવે એ સ્વાભાવિક છે. આ સ્થિતિમાં આઇપીએલ આખી કે આંશિક રીતે ભારતની બહાર તો નથી યોજાવાની, પરંતુ કોઈક મૅચના શેડ્યૂલમાં ફેરફારના સમાચાર આવે તો નવાઈ લાગવી ન જોઈએ.
જોકે અહીં જે ખબર આવી છે એ થોડી અલગ પ્રકારની છે, કારણકે એમાં આઇપીએલની એક મૅચના સંભવિત ફેરફાર માટે તહેવારનું કારણ બતાવાયું છે.
17મી એપ્રિલે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) અને રાજસ્થાન રૉયલ્સ (આરઆર) વચ્ચે મૅચ રમાવાની છે. જોકે આ મૅચનું સ્થળ કદાચ બદલાશે.
એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઇટના અહેવાલ મુજબ રામનવમીનો તહેવારનો તહેવાર હોવાથી સલામતીની પૂરતી વ્યવસ્થા કદાચ ન થઈ શકે એ કારણસર કેકેઆર-આરઆરની મૅચ અન્ય કોઈ સ્થળે રખાય એવી સંભાવના છે.
ALSO READ : આજની આઇપીએલ મેચમાં MI અને RRના આ ખેલાડીઓ બનાવશે રેકોર્ડ
બીસીસીઆઇ અને ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગાલ સતતપણે કોલકાતા પોલીસના સંપર્કમાં છે. ક્રિકેટ બોર્ડે હજી સુધી સત્તાવાર રીતે કંઈ જ નથી જણાવ્યું, પણ બન્ને ટીમના ફ્રૅન્ચાઇઝી અને બ્રૉડકાસ્ટરને પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે.
બીસીસીઆઇએ પહેલી 21 મૅચોનું શેડ્યૂલ બહાર પાડ્યા પછી તાજેતરમાં જ આખી ટૂર્નામેન્ટનું સમયપત્રક બહાર પાડ્યું હતું. લોકસભાની ચૂંટણી 19મી એપ્રિલે શરૂ થશે. દેશભરમાં 19 એપ્રિલથી 1 એપ્રિલ સુધી સાત તબક્કામાં મતદાન થશે અને ચોથી જૂને મતગણતરી થશે તથા પરિણામો જાહેર થશે.
પૉઇન્ટ્સ-ટેબલમાં કેકેઆરની ટીમ મોખરે હતી, જ્યારે આરઆરની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સામેની સોમવારની મૅચ પહેલાં ત્રીજા સ્થાને હતી.