નેશનલ

ભૂકંપ માટે ભારતના આ રાજ્ય જોખમી ઝોનમાં: ત્રણ મહિનામાં 15 વખત ધરતીકંપ

શિમલાઃ પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભૂકંપના કારણે ઘણી વખત ધરતી ધ્રૂજી ગઈ છે. રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનાના ભૂકંપના આંકડા ડરામણા અને ચોંકાવનારા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા અનુસાર આ વર્ષે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં હિમાચલમાં 15 વખત ભૂકંપ આવ્યા હતા. લોકોએ આ આંચકા અનુભવ્યા હતા. જોકે, મોટા ભાગે રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ત્રણથી ચારની વચ્ચે રહી હતી.

છેલ્લા ત્રણ મહિનાના ભૂકંપના ડેટા પર નજર કરીએ તો જૂન મહિનામાં ત્રણ, જુલાઈ મહિનામાં આઠ અને ઓગસ્ટ મહિનામાં ચાર ભૂકંપ આવ્યા હતા. મોટાભાગના ભૂકંપ ચંબા જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે દેશમાં જુલાઈ મહિનામાં સૌથી વધુ ભૂકંપ હિમાચલમાં નોંધાયા હતા. જુલાઈમાં દેશમાં 57 ભૂકંપ આવ્યા હતા, જેમાંથી સૌથી વધુ આઠ ભૂકંપ હિમાચલમાં આવ્યા હતા.


હિમાચલ પ્રદેશ નજીકના ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના પડોશી પહાડી રાજ્યોમાં આવેલા ભૂકંપના આંકડા વધુ ભયાનક છે. છેલ્લા ત્રણ મહિનામાં ઉત્તરાખંડમાં 25 અને જમ્મુ-કાશ્મીરમાં 16 ભૂકંપ આવ્યા છે. ઑગસ્ટમાં હિમાચલમાં ચાર વખત ભૂકંપ આવ્યો, જમ્મુ-કાશ્મીરમાં ત્રણ વખત અને ઉત્તરાખંડમાં 15 વાર ભૂકંપ આવ્યો.


જુલાઈમાં હિમાચલમાં આઠ ભૂકંપ આવ્યા, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ અને ઉત્તરાખંડમાં સાત ભૂકંપ આવ્યા. જૂન મહિનામાં હિમાચલ અને ઉત્તરાખંડમાં ત્રણ-ત્રણ વખત ભૂકંપ આવ્યા જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 10 વખત ભૂકંપ આવ્યા. મે મહિનો હિમાચલ માટે રાહત આપનારો હતો, આ મહિનામાં કોઈ ભૂકંપ આવ્યો નથી, જ્યારે ઉત્તરાખંડમાં સાત અને જમ્મુ-કાશ્મીરમાં એકવાર ભૂકંપ આવ્યો હતો.

હિમાચલ પ્રદેશ ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ ઝોન ચાર અને પાંચમાં સામેલ છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. વર્ષ 1905માં કાંગડા અને ચંબા જિલ્લામાં આવેલા વિનાશક ભૂકંપમાં 10 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે ભૂકંપ એ પૃથ્વીની સામાન્ય ભૂસ્તરશાસ્ત્રીય હિલચાલ છે, જે સતત થતી રહે છે. 1 કરતાં ઓછી તીવ્રતાના ધરતીકંપો વધુ વખત આવે છે, પરંતુ તે નજીવા છે અને અભ્યાસમાં સમાવિષ્ટ નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button