Uddhav Thackeray સાંગલી બેઠક મામલે મક્કમ, કૉંગ્રેસે પણ ઉર્તાયો છે ઉમેદવાર
મુંબઈઃ શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દિલ્હી ખાતે એક પ્રેસ કૉન્ફરન્સમાં કૉંગ્રેસ અને ભાજપ બન્નેને અલગ અલગ રીતે ઝાટક્યા હતા. ઠાકરેએ ભાજપની તો વિરોધપક્ષ તરીકે ટીકા કરી હતી, પરંતુ સાથી પક્ષ કૉંગ્રેસને પણ રોકડું પરખાવ્યું હતું. જોકે આ વાત મહાવિકાસ અઘાડીમાં ફૂટ પાડી શકે તેવી શક્યતા છે.
કૉંગ્રેસ અને ઉદ્ધવસેના મહારાષ્ટ્રના સાંગલીની બેઠક માટે લડી રહ્યા છે. બન્નેએ અહીં પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે ઠાકરેએ જણાવ્યું હતું કે બેઠક વહેંચણીની ચર્ચા હવે પછી માત્ર 2029 એટલે કે આવતી લોકસભાની ચૂંટણીમાં થશે. આનો મતલબ એ થયો કે સાંગલીની બેઠક ઠાકરે કૉંગ્રેસને આપવા તૈયાર નથી.
આ બેઠક પર કૉંગ્રેસે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસંતદાદા પાટીલના પૌત્ર વિશાલ પાટીલને ઊભો રાખ્યો છે જ્યારે શિવસેનાએ ચંદ્રહાર પાટીલને આ બેઠક પર ટિકિટ આપી છે. આથી કૉંગ્રેસ અને ઉદ્ધવ સેના વચ્ચે ફૂટ પડે તેવી શક્યતા છે.
બીજી બાજુ ઠાકરેએ ભાજપને પણ ઝપટમાં લીધી હતી. અજિત પવાર, પ્રફુલ પટેલ, અશોક ચવ્હાણ બધાને પક્ષમાં લઈને ભાજપ હવે ભારતીય જનતા પાર્ટીને બદલે ભ્રષ્ટ જનતા પાર્ટી બની ગઈ છે. તેમણે ઈલેક્ટ્રોલ બોન્ડનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે અજિત પવારની એનસીપી અને એકનાથ ઠાકરેની શિવસેનામાં તમામ ઠગોને સ્થાન મળતા અમારો પક્ષ ઠગ ફ્રી બની ગયો હોવાનું પણ તેમણે કહ્યું હતું.