એકસ્ટ્રા અફેર

કોંગ્રેસની કરચોરી, સાચી વિગતો કોણ છૂપાવી રહ્યું છે?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોંગ્રેસને બાકી ઈન્કમટેક્સ, દંડ અને વ્યાજ પેટે ૧૮૦૦ કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી માટે નવી ડિમાન્ડ નોટિસ પાઠવી એ સાથે જ નવું કમઠાણ શરૂ થયું છે. કોંગ્રેસે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીને ‘ટેક્સ ટેરરિઝમ’ ગણાવીને હોહા કરી મૂકી છે ને ભાજપ સરકારના ઈશારે ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટ કોંગ્રેસની બજાવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે સાથે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ભાજપની ગેરરીતિઓ સામે આંખ આડા કાન કરી રહ્યો હોવાનો આક્ષેપ પણ મૂક્યો છે.

બીજી તરફ ભાજપનું કહેવું છે કે, ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કરેલી કાર્યવાહી સાથે ભાજપને કશી લેવાદેવા નથી. કોંગ્રેસ અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ વચ્ચે લાંબા સમયથી આ મુદ્દે ખેંચતાણ ચાલે જ છે. કોંગ્રેસ તેની સામે કોર્ટમાં પણ ગયેલી પણ કોર્ટે તેની અરજી ફગાવી દીધી એટલે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કાયદા પ્રમાણે ડિમાન્ડ નોટિસ પાઠવી છે.
ભાજપની વાત અડધી સાચી છે કેમ કે ૨૮ માર્ચે દિલ્હી હાઈ કોર્ટે કોંગ્રેસની ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કરેલા ટેક્સ એસેસમેન્ટ સામે વાંધો ઉઠાવતી અરજીને ફગાવી દીધી પછી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોંગ્રેસને નોટિસ ફટકારી છે. આ પહેલાં કોંગ્રેસે ૨૦૧૪-૧૫ થી ૨૦૧૬-૧૭ સુધીની એસેસમેન્ટ પ્રક્રિયાને પડકારી હતી તે અરજીને પણ કોર્ટે ફગાવી દીધી તેથી કોંગ્રેસને હજુ બીજી નોટિસો પણ ફટકારાશે. અલબત્ત ભાજપને તેની સાથે કંઈ લેવાદેવા નથી એ વાત હજમ થાય એવી નથી.

કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તેના તાબા હેઠળ છે. ભાજપના નેતા એટલા ઉદાર નથી જ કે, સરકારી એજન્સીઓને પોતાની રીતે સ્વતંત્ર બનીને કામ કરવા દે. બીજું એ કે, કોંગ્રેસ એકલી કંઈ કરચોર નથી. આ દેશમાં મોટી મોટી કંપનીઓ, ઉદ્યોગો, ધનિકો વગેરે પણ કરચોરી કરે જ છે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તેમના કરના એસેસમેન્ટમાં એટલો રસ નથી બતાવતો જેટલો રસ કોંગ્રેસના કેસમાં બતાવે છે એ જોતાં ભાજપને આ વાત સાથે કંઈ લેવાદેવા નથી એ વાત સ્વીકારી શકાય નથી.
જો કે સામે એ વાસ્તવિકતા પણ છે કે, ભાજપના ઈશારે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ વર્તતો હોય તો પણ તેના કારણે કોંગ્રેસે કશું ખોટું કર્યું નથી એવું સાબિત થતું નથી. કોંગ્રેસ કહે છે તેમ આ કાર્યવાહી ‘ટેક્સ ટેરરિઝમ’ નથી બની જતી.

કોંગ્રેસ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીને ‘ટેક્સ ટેરરિઝમ’ સાબિત કરવા જે દલીલો કરે છે એ વાહિયાત છે કેમ કે કોંગ્રેસ પોતે ખોટું નથી કર્યું એવું સાબિત કરવાના બદલે ભાજપ પણ ખોટું કરી રહ્યો છે એવું સાબિત કરવા મથી રહ્યો છે. ભાજપે ખોટું કર્યું હોય એટલે કોંગ્રેસને પણ ખોટું કરવાનો અધિકાર મળી જાય એ માનસિકતા જ દયનિય કહેવાય.
કોંગ્રેસની આ દયનિય માનસિકતાનો પરચો આપતાં પ્રેસ કોન્ફરન્સમાં અજય માકને દાવો કર્યો હતો કે ૨૦૧૭-૧૮માં અમારા ૨૩ સાંસદ અને ધારાસભ્યોએ ૧૪ લાખ રૂપિયા દાનમાં આપેલા. કોંગ્રેસે ૧૪ લાખ રૂપિયાની રકમ દાનપેટે લીધી તેમાં નામ, સરનામું બધું જ જણાવ્યું હતું છતાં ઈન્કમટેક્સના કાયદાનો ભંગ કરાયો હોવાના બહાને ઈન્કમટેક્સ વિભાગે કોંગ્રેસના બેંક ખાતામાંથી ૧૩૫ કરોડ રૂપિયા દંડપેટે વસૂલી લીધા.

બીજી તરફ ભાજપને ૨૦૧૭-૧૮માં ૧,૨૯૭ લોકોએ લગભગ ૪૨ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું તેમાં ધરાર કાયદાનો ભંગ કરાયો હોવા છતાં કોઈ કાર્યવાહી ના કરાઈ. રાજકીય પક્ષને મળતા દાનની વિગત ઈન્કમટેક્સ વિભાગને અપાય ત્યારે દાન આપનારનું નામ અને સરનામું બંનેની માહિતી આપવાની હોય છે પણ ભાજપે દાન આપનારા લોકોનાં માત્ર નામ આપલે. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કાયદાના આ ઉલ્લંઘન સામે આંખ આડા કાન કર્યા છે.
માકનનો દાવો છે કે, કોંગ્રેસે છેલ્લા બે વર્ષનું એનાલિસિસ કર્યું તેમાં ભાજપને દાન આપનારા ૨૫૩ દાતાઓનાં તો નામ પણ નથી. ભાજપે અઢી કરોડ રૂપિયાની રકમ એવા લોકો પાસેથી લીધી છે જેમના નામ પણ ખબર નથી. ચૂંટણી પંચ અને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ભાજપ દ્વારા કાયદાના ઉલ્લંધન સામે આંખ આડા કાન કરી રહ્યું છે અને કોંગ્રેસને ટાર્ગેટ કરી રહ્યો છે. માકનના દાવા પ્રમાણે તો કોંગ્રેસને જે માપદંડ સાથે ૧૮૦૦ કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ મોકલાઈ છે તે જ ધારાધોરણ ભાજપને લાગુ પડાય તો ભાજપને તો ૪૬૦૦ કરોડ રૂપિયાનો દંડ થવો જોઈએ. માકનના દાવા પ્રમાણે, છેલ્લાં સાત વર્ષમાં ભાજપ દ્વારા કરાયેલા ઈન્કમટેક્સના કાયદાના ઉલ્લંઘનોના આધારે આ ગણતરી કરી છે.

કોંગ્રેસ આ મામલે સાચી હોઈ શકે છે. કેન્દ્રમાં ભાજપ સત્તામાં છે તેથી ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટે ભાજપને લાભ કરાવતો હોય કે તેના દ્વારા થતા કાયદાના ઉલ્લંઘન સામે આંખ આડા કાન કરતો હોય એ શક્ય છે પણ તેના કારણે કોંગ્રેસે ખોટું કર્યું નથી એવું સાબિત થતું નથી. ભાજપને ૪૬૦૦ કરોડ રૂપિયાની પેનલ્ટી થવી જોઈએ એવી કોંગ્રેસની ગણતરી સાચી હોઈ શકે છે પણ ભાજપને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કશું ના કરે એટલે કોંગ્રેસને પણ કંઈ ના કરે એવું થોડું હોય ? તેના કારણે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટ છે એવું સાબિત થાય ને તેની સામે કોંગ્રેસે લડત ચલાવવી જોઈએ. આ હકીકતો સાથે અદાલતમાં જવું જોઈએ ને જનતાની અદાલતમાં પણ જવું જોઈએ પણ ભાજપ ભ્રષ્ટાચાર કરે કે કાયદા તોડે એટલે પોતાને પણ એ અધિકાર મળવો જોઈએ એ દલીલ વાહિયાત ગણાય.

જો કે ઈન્કમટેક્સ વિભાગનું કહેવું છે કે, કોંગ્રેસ હકીકતોને છૂપાવી રહી છે અને પૂરેપૂરી વિગતો આપી રહી નથી. કોંગ્રેસ ૧૪ લાખ રૂપિયાના દાનને લગતી વિગતો ના આપી તેમાં ૧૩૫ કરોડ રૂપિયા પડાવી લીધા એવી રેકર્ડ વગાડે છે પણ વાસ્તવમાં કોંગ્રેસે તેને દાન પેટે રોકડામાં મળેલા ૬૦૨ કરોડ રૂપિયાની વિગતો છૂપાવી છે. આઈટી અધિકારીઓના કહેવા પ્રમાણે, ૨૦૧૯ના એપ્રિલમાં ઈન્કમટેક્સ અધિકારીઓએ દરોડા પાડ્યા તેમાં મેઘા એન્જિનિયરિંગ પાસેથી રોકડમાં મળેલા કરોડોના દાનની રસીદો મળી હતી. બીજી પણ આવી રસીદો મળી હતી ને એ અંગે કોઈ સંતોષકારક ખુલાસો કરાયો નથી.

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે કોર્ટમાં આ બધો રેકોર્ડ મૂક્યો હતો ને તેના આધારે જ કોર્ટે કોંગ્રેસ સામેની કાર્યવાહી પર સ્ટે નથી આપ્યો. ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનું તો કહેવું છે કે, કોંગ્રેસે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો એસેસમેન્ટ અંગેનો આખેઆખો ઓર્ડર લોકો સામે મૂકવો જોઈએ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે.
કોંગ્રેસ આ હિંમત બતાવશે ? ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button