ધર્મતેજ

ઘરમાં મુસ્કુરાતું બાળક એ પરમાત્માનું રૂપ છે, પરમાત્માનું ટ્રાન્સલેશન છે

માનસ મંથન – મોરારિબાપુ

બાપ! અભિરામનો અર્થ થાય છે આનંદ સ્વરૂપ અને આનંદ આપનારું સંસારમાં જે વ્યક્તિ સદા આનંદમાં રહેતી હોય અને એ વ્યક્તિ દુનિયામાં આનંદ જ વહેંચતી હોય, એને મંગલમૂર્તિ કહેવામાં જરાય સંકોચ રાખતા નહીં. એક બાળક તમારા આંગણામાં આનંદથી નાચે છે અને એને જોઈને તમે આનંદિત થાવ છો, તો એ અભિરામ છે, પરંતુ આનંદ એ આપી શકે જેનામાં આનંદ હોય.
હું એક જગ્યાએ પ્રવચન કરવા ગયો. બધા તપસ્વીઓ હતા. ત્યાં નાના નાના છોકરાઓ પણ તપસ્વી ! છોકરાઓ આમ તો ગલગોટા જેવા હતા. હું એની સામે હસું, એમને અડું તો ગમે; મારી પાસે આવવું પણ ગમે. મેં એમને પૂછ્યું, ક્રિકેટ રમાય ? છોકરાઓએ ગુરુ તરફ ઈશારો કર્યો, બોલતા નહીં, ગુરુ બેઠા છે ! સમાજમાં આ શું થવા બેઠું છે ? ધર્મ આવી નવી ચેતનાને દુલાર કરે, ઉદાસીન ન બનાવે. હું હમણાં વડોદરા આવતો હતો ત્યારે મહુવા તળાજા વચ્ચે એક સ્કૂલ છે. ગામડાના છોકરાઓ ભણવા આવે તે પોતપોતાના ઘરેથી ટિફિન લઈને આવે. એ બધા જમતા હતા, બીજા- ત્રીજા ધોરણના. અમારી ગાડી આગળ નીકળી ગઈ. મેં પાછી લેવડાવી. નીચે ઊતર્યો; બધાના ટિફિનમાં ક્યાંક રોટલા, બટેટાનું શાક, અડદની દાળ, અડધું -અડધું બધું ખાઈ ગયા હતા, નહિતર મને ઈચ્છા થઈ ગઈ હતી ! હૃદયથી કહું છું; વ્યાસપીઠ પર બેઠો છું ; પણ જો કોઈએ ડબ્બો ખોલ્યો હોત અને કહ્યું હોય કે બાપુ જમવા આવો, તો હું મારું ગંગાજળનું વ્રત એક બાજુ મૂકીને જમ્યો હોત. ધર્મને આ રીતે સેવો. અમે આને અડતા નથી ! અમારે આ ખવાય નહીં ! મારે તો ગંગાજળનું વ્રત વર્ષોથી છે. મારા લોહીમાં ગંગાજળ સિવાય બીજું કંઈ નથી. છતાંય તે દિવસે હું જમત. ધર્મ એ આવા હાલતાં- ચાલતાં આશ્રમોમાં પધરામણી કરવી જોઈએ.
મંદિરનો મહિમા ઘણો છે. દુનિયાનું બહુ મોટું મંદિર અહીં બિરાજમાન છે. એનો મહિમા છે, પરંતુ ઘરમાં પણ એક બાળક હોય છે જેને ભૂલો નહીં. શું ઘરમાં મુસ્કુરાતું બાળક એ પરમાત્માનું રૂપ નથી ? બાળક પરમાત્માનો પર્યાય છે. મારી બોલીમાં મને એમ કહેવા દો કે બાળક પરમાત્માનું ટ્રાન્સલેશન છે, ભાષાંતર છે. એટલા માટે જિસસએ કહ્યું હતું કે જે બાળક જેવા હોવ તે મારા પિતાના પ્રદેશમાં પ્રવેશ કરી શકશે. એટલા માટે આપણી આખી વલ્લભ પરંપરા બાલકૃષ્ણની પૂજા કરે છે. આપણે ક્યારેક બાળકની બોલી નથી સમજી શકતા. બાળકની બોલી પરમાત્માની બોલી છે. નાનાં નાનાં બાળકો પણ મારી પાસે બેરખો લે ત્યારે કહું છું કે જ્યારે તમારું ભણવાનું, રમવાનું, સૂવાનું, બધું જ થઈ જાય અને સમય બચે તો માળા લઈ લો.
રામ- રામ કરવાની પણ જરૂર નથી. ખાલી બેઠાં બેઠાં ગણશો તો પણ કામ થઈ જશે. એમ કેમ? તમે પૈસા ગણો છો ત્યારે એટલો આનંદ આવે છે તો આ મણકા ગણો, એમાં શું મુશ્કેલી છે ?
એકવાર વિનોબાજી પાસે હું વર્ધામાં બેઠો હતો. એ વાતને વર્ષો વીતી ગયા છે. મહામૂની વિનોબાજીનું મૌન હતું. બજાજજી અને અન્ય કેટલાક અગ્રણી લોકો ત્યાં બેઠા હતા . મને પણ એ પ્રજ્ઞાવાન મહાપુરુષની પાસે બેસવાનો મોકો મળ્યો હતો. એક મહાશયે વિનોબાજીને પ્રશ્ર્ન પૂછ્યો કે આપની દ્રષ્ટિ દરેક ક્ષેત્રમાં છે, આપ દરેક ક્ષેત્રમાં ચિંતન રજૂ કરો છો. તો આપ બાળકો માટે પણ કંઈક માર્ગદર્શન આપો.
વિનોબાજીનું મૌન હતું. એમણે પાટીમાં લખ્યું અને સૌએ વાંચ્યું કે, બચ્ચે હી સચ્ચે હૈ,બાકી સબ કચ્ચે હૈ . વિનોબાજીનું આ એક કાવ્યાત્મક વાક્ય હતું. આમ તો એમાં પ્રાસ છે પરંતુ એમાં સત્ય પણ છે અને તથ્ય પણ છે. દેવસ્થાનમાં, કોઈ વરિષ્ઠને ત્યાં કે ગુરુદ્વારામાં હું ખાલી હાથે નથી જતો. એટલું જ નહીં પરંતુ આપણા સ્મૃતિકારોએ તો ત્યાં સુધી કહ્યું છે કે જેના ઘરમાં નાનું બાળક હોય એને ઘેર તમે જાવ તો ખાલી હાથે ન જવું. મને આ વધારે ગમે છે. કોક માણસ બોલતો હોય એ વેદ ભલે ન ભણ્યો હોય, પણ નીકળતી હોય વેદવાણી. અને આપણે ત્યાં કહેવાયું છે-
જેની સૂરતા શામળીયાની સાથ વદે વેદવાણી રે
ક્યારેક ક્યારેક બાળકના મોંમાંથી નીકળેલું સુરતાયુક્ત વચન વેદવાણી છે. એક સાતમી વાણી છે બુદ્ધ પુરુષની વાણી. ભલે તમારા કોઈ ગુરુ ન હોય, તમને ગુરુમાં શ્રદ્ધા ન હોય; ભલે અવિદ્યાનો પડદો હટ્યો ન હોય અને અંદરની વાણી તમે ન સાંભળી શક્યા હો, ત્યારે જેમના પ્રત્યે પૂરી શ્રદ્ધા અને વચનવિશ્ર્વાસ હોય અને માત્ર શ્રદ્ધા જ નહીં, જેમના પ્રત્યે પૂરો પ્યાર હોય એવી કોઈ પણ વ્યક્તિની વાણી સાતમી વાણી છે. એમાં એક બાળક પણ હોઈ શકે. તમે ક્યાંક જઈ રહ્યા હો અને બાળક અચાનક બોલી નાખે કે, પાપા ન જાઓ. ત્યારે પ્લીઝ, રોકી દો, કેમ કે બાળક એ સહજ બોલ્યું છે.
ચિત્રકૂટ, તલગાજરડામાં હું બેઠો હતો એક માં મારી પાસે આવી. એક વર્ષ પહેલા એના દીકરાના લગ્ન થયા હતા એને ઘેર પહેલા બાળકનો જન્મ થયો એને લઈને આવી અને એમ કહેવા લાગી, બાપુ, મારા બધા મનોરથ પૂરા થઈ ગયા. મારા દીકરાને ત્યાં બાળક જન્મ્યું છે. અમે તેને રામનામી ઓઢાડી બાળકનું સ્વાગત કર્યું. એ માતાજીએ કહ્યું કે બાપુ, હવે હરિદર્શન થઈ જાય એવો એક મનોરથ છે. તો મેં કહ્યું કે આ બાળક હરી નથી તો બીજું કોણ છે ? તમારા ઘેર આ હરી જ આવ્યા છે. આ બાળક બ્રહ્મ નથી તો કોણ છે? બ્રહ્મલોકમાં તો બધા મોઢા ચડાવીને બેઠા છે. ત્યાં બધા મોટા જ્ઞાનરોગીઓ બેઠા છે. એ બ્રહ્મલોકવાળા એકબીજા સાથે વાત પણ કરતા નથી.
સાહેબ, આપણી પાસે વેદ હોય પણ સંવેદન ન હોય તો ? સંવેદના ન હોય તો આકાશમાં કડાકા – ભડાકા થાય તોય ન સંભળાય અને સંવેદના હોય તો કીડીના પગનું ઝાંઝર પણ સંભળાય ! ક્યારેક નાનાં- નાનાં બાળકો પાસે વેદ નથી હોતો પણ વેદિકા બહુ જ હોય છે ! આ મને બહુ જ ગમે.
હરિ હૃદયમાં જ રહે. અને હૃદયની સંવેદના જેની પાસે છે એની પાસે વેદ હોય તો સોનામાં સુગંધ, પણ ન હોય તો પણ એ સાધુ છે. પેલી વાત છે ને કે ચર્ચમાં પ્રાર્થના થતી હતી. આખું ચર્ચ ભરાયેલું હતું, કોઈ ખુરશી ખાલી નહીં. એમાં એક છોકરો આવ્યો. એ છોકરાને કોઈ બેસવા ન દે. એ છોકરો જ્યાં પાદરી પ્રવચન કરતા હતા ત્યાં બેસી ગયો. એટલામાં એક મોટી ઉંમરનો માણસ ઊભો થયો અને પોતાની ખુરશી છોડી છોકરા પાસે બેઠો. છોકરાએ પૂછ્યું, દાદાજી! તમે અહીંયા કેમ બેસી ગયા? કહે બેટા, તને કંપની આપવા માટે. કોઇને કંપની આપવી એ પણ પ્રભુની પૂજા છે. (સંકલન: જયદેવ માંકડ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?