ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો ફફડાટઃ રાજકોટ જિલ્લામાં બે દર્દીનાં મોત
રાજ્યમાં ગરમીની શરૂઆત થતાં જ રોગચાળો પણ વકર્યો છે, તેમાં પણ સ્વાઈન ફ્લૂના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ચાર મોટા શહેરો અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને સુરતમાં પણ સ્વાઈન ફ્લૂથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હોસ્પિટલોમાં વધી છે. જો કે આજે રાજકોટ જિલ્લામાં 2 દર્દીના મોત થતા હડકંપ મચી ગયો છે, જસદણના એક યુવાનનું સ્વાઈન ફ્લુથી જ્યારે કોટડા સાંગાણીમાં પણ એક યુવતીનું સ્વાઈન ફ્લુના કારણે મોત થયું છે.
રાજકોટ જિલ્લામાં એક મહિનામાં સ્વાઈન ફ્લુના 16 દર્દી નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જેતપુરમાં પાંચ, ધોરાજી,લોધિકા,પડધરીમાં એક એક સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો છે, ઉપલેટા, જસદણ, રાજકોટ તાલુકામાં બે -બે કેસ નોંધાયા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટ મનપાના તમામ આરોગ્ય કેન્દ્રને એલર્ટ કરવાનો આદેશ મનપા કમિશનર દ્વારા આપવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં આમ તો સ્વાઈન ફ્લૂનો એક પણ કેસ હાલ નોંધાયું નથી તેમ છતાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાંથી વિગતો મેળવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જ સ્વાઈન ફ્લૂ વધે નહીં તે માટે મનપાની આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સ પણ વધારવામાં આવ્યું છે. સામાન્ય શરદી ઉધરસ ના દર્દીઓને પણ સાવધાનીથી ચેક કરી, ટેસ્ટ કરવા અંગેની સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં સ્વાઈનફ્લુએ હાલ કાળો કેર વર્તાવ્યો છે. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના ત્રણ જ મહિનામાં 360 કેસ નોંધાયા છે. જેમાંથી 15 લોકોના મોત નિપજ્યાં છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસ સૌથી વધારે નોંધાયા છે, અચાનક સ્વાઈફ્લુના દર્દી વધતા આરોગ્ય વિભાગ ચિંતામાંમાં વધારો થયો છે. ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં રોગચાળોએ પણ માઝા મૂકી છે.
અમદાવાદના સોલા સિવિલમાં બે સપ્તાહમાં વાઈરલ ઈન્ફેક્શનના ત્રણ હજાર 20 કેસ નોંધાયા છે. બાળકોમાં પણ શરદી-તાવના કેસ વધારો થયો છે. ખાંસી લાંબો સમય સુધી મટતી ન હોવાની ફરિયાદ વધુ જોવા મળી રહી છે. ડેન્ગ્યુ, સ્વાઈફ્લુ, ઝાડા ઉલટી, તાવ-ઉધરસ સહિતના કેસમાં રાજ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.
સ્વાઈન ફ્લૂ રોગ H1N1 વાયરસથી થાય છે. આ એક શ્વસન ચેપી રોગ છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સ્વાઈન ફ્લૂનો ભોગ બને છે. આ રોગ ડુક્કરમાં જોવા મળતા ઈન્ફલ્યુએન્ઝા સ્ટ્રેનના કારણે થાય છે. નિષ્ણાતોના મતે, આ રોગ એઇડ્સ અને એચઆઇવીથી પીડિત દર્દીઓ માટે ખતરનાક છે. જોકે સ્વાઈન ફ્લૂના દર્દીઓની પ્રાથમિક કક્ષાએ સારવાર શક્ય છે. જો બેદરકારી રાખવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. આ માટે જો સ્વાઈન ફ્લૂના લક્ષણો જેવા કે તાવ, માથામાં દુખાવો, કફ – થાક અને નબળાઈ – શરીરમાં તીવ્ર દુખાવો -હાંફ ચઢવો, ગળામાં ખરાશ, ઉલટી, પેશાબ વધુ થવો, સહિતના લક્ષણો દેખાય તો પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.