નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં નાણામંત્રી સીતારમણે કહ્યું હતું કે પાર્ટીએ મને તમિલનાડુ અથવા આંધ્રપ્રદેશમાંથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી, પરંતુ મેં ઘણું વિચારીને ના પાડી દીધી હતી.
સીતારમણના કહેવા પ્રમાણે, તેમની પાસે ન તો ચૂંટણી લડવા માટે પૈસા છે અને ન તો ચૂંટણી જીતવાની કળા. નાણામંત્રીએ કહ્યું કે ચૂંટણી લડવા માટે તમારે ઘણા સમીકરણો સાધવા પડે છે. જેમ કે લિંગ, જાતિ, ધર્મ વગેરે.. વગેરે… તેમણે વધુમાં કહ્યું કે હું આ બધું કરી શકતી નથી, તેથી મેં મારી જાતને તેનાથી દૂર કરી દીધી છે. પાર્ટી પણ મારી વાત સમજી ગઈ.
જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ નાણામંત્રી લોકસભાની ચૂંટણી લડવાથી ખસી ગયા હોય. 1984 પછી, કેટલાક અપવાદોને બાદ કરતાં, કોઈ પણ નેતાએ નાણાપ્રધાન રહીને લોકસભાની ચૂંટણી લડી ન હતી અથવા તો તેઓ ચૂંટણી લડ્યા હોય તો પણ જીતી શક્યા નહોતા. આ યાદીમાં યશવંત સિંહાથી લઈને મનમોહન સિંહ અને પી ચિદમ્બરમથી લઈને અરુણ જેટલી સુધીના નામ સામેલ છે.
1980 પછી નાણા પ્રધાન બનેલા મોટાભાગના નાણા પ્રધાનો પેરાશૂટ રાજકારણીઓ હતા. પાર્ટીની આંતરિક રાજનીતિ કે અન્ય કોઈ કારણોસર તેમને નાણામંત્રી પદ મળી રહ્યું છે. આ સ્પેશિયલ સ્ટોરીમાં, આ નાણામંત્રીઓની કહાનીને 3 ઉદાહરણોથી સમજો-
1991માં જ્યારે કોંગ્રેસ સત્તામાં પરત આવી ત્યારે પાર્ટીએ પીવી નરસિમ્હા રાવને વડાપ્રધાન બનાવ્યા હતા. રાવે પોતાની કેબિનેટમાં મનમોહન સિંહનો સમાવેશ કર્યો હતો, સિંહ તે સમયે કોઈ ગૃહના સભ્ય ન હતા. પાર્ટીએ સિંહને રાજ્યસભા દ્વારા ગૃહમાં મોકલ્યા હતા. આ પછી સિંહે રાજ્યસભા દ્વારા જ રાજકારણ કર્યું છે. સિંહ 1996, 2004 અને 2009માં ચૂંટણી લડશે તેવી ચર્ચા હતી, પરંતુ તેમણે પોતાને લોકસભા ચૂંટણીથી દૂર રાખ્યા હતા. સિંહ જ્યારે 2004માં પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે પણ તેઓ રાજ્યસભાના સભ્ય હતા.
અટલ બિહારી કેબિનેટમાં 1999-2004 સુધી બે નેતાઓને નાણા મંત્રી બનાવવામાં આવ્યા હતા. જસવંત સિંહે પહેલા 3 વર્ષ સુધી નાણામંત્રી પદ સંભાળ્યું અને બાદમાં આ કાર્યભાર યશવંત સિંહાને સોંપવામાં આવ્યો હતો. 2004માં અટલ કેબિનેટમાં નાણાં પ્રધાન રહેલા જશવંત સિંહે ચૂંટણી લડી ન હતી, જ્યારે યશવંત સિંહા હજારીબાગ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ભાજપે આ ચૂંટણીમાં ઈન્ડિયા શાઈનિંગનો નારો આપ્યો હતો, પરંતુ તેના નાણામંત્રી ચૂંટણી હારી ગયા. 2004ની ચૂંટણીમાં સીપીઆઈના ભાનુ પ્રતાપ મહેતાએ સિંહાને લગભગ 1 લાખ મતોથી હરાવ્યા હતા. જોકે, સિન્હા 2009માં આ સીટ પરથી વાપસી કરવામાં સફળ રહ્યા હતા.
મનમોહન સરકારના બીજા કાર્યકાળમાં બે નાણાપ્રધાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ બંનેએ ચૂંટણી લડી ન હતી. મનમોહન સિંહ સરકારના બીજા કાર્યકાળમાં પ્રણવ મુખર્જીને નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ 2012માં રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારબાદ આ વિભાગ પી ચિદમ્બરમને આપવામાં આવ્યો હતો. 2014માં પી ચિદમ્બરમે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. ચિદમ્બરમ તે સમયે શિવગંગા સીટ પરથી સાંસદ હતા.
વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારે વકીલ અરુણ જેટલીને નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. જેટલી તે સમયે રાજ્યસભાના સાંસદ હતા. થોડા મહિનાઓને બાદ કરતાં જેટલી સમગ્ર 5 વર્ષ સુધી નાણામંત્રી રહ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, અરુણ જેટલીએ 2014માં લોકસભાની ચૂંટણી લડી હતી, જો કે 2014ની સામાન્ય ચૂંટણીમાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે અમૃતસર સીટ પર જીત મેળવી હતી. તેમણે ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીને એક લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. પરંતુ પાર્ટીની આંતરિક રાજનીતિ અને વડાપ્રધાન સાથેની મિત્રતાના કારણે અરુણ જેટલીને નાણા મંત્રાલયની જવાબદારી મળી હતી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી બાદ જેટલીને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા ન હતા.