કેરળ હાઈકોર્ટે RSSને મંદિરમાં શાખા સ્થાપવા રોક લગાવી, હથિયારોની તાલીમ પર પ્રતિબંધ
કેરળ હાઈકોર્ટે ગઈ કાલે સોમવારે કહ્યું કે તિરુવનંતપુરમ જિલ્લાના સરકારા દેવી મંદિરના પરિસરમાં કોઈ સામુહિક કસરત અથવા હથિયારોની તાલીમની મંજૂરી આપવામાં નહિ આવે. મંદિરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રશિક્ષણ શિબિર વિરુદ્ધ બે શ્રદ્ધાળુઓએ અરજી કરી હતી. તેમનું કહેવું છે કે RSS મંદિરનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યું છે. આ મંદિરના સંચાલનની જવાબદારી ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ (TDB)ની છે.
બે શ્રદ્ધાળુઓની અરજી પર સુનાવણી કરતા કોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો હતો. અરજદારોએ અદાલતને વિનંતી કરી હતી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને તેના સભ્યોને મંદિર પરિસરનો ગેરકાયદેસર ઉપયોગ કરતા અને તેના પર અનધિકૃત રીતે કબજો કરતા રોકવાનો આદેશ જારી કરે.
ન્યાયાધીશ અનિલ કે નરેન્દ્રન અને પીજી અજીત કુમારની બેન્ચે આદેશમાં જણાવ્યું હતું કે, ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ દ્વારા સંચાલિત આ મંદિરના પરિસરમાં કોઈ સામૂહિક પ્રશિક્ષણ અથવા શસ્ત્ર તાલીમની મંજૂરી આપવામાં આવશે નહીં. ચિરાયંકિઝુ પોલીસ સ્ટેશનના પ્રભારી વહીવટી અધિકારીને પ્રતિબંધોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે જરૂરી સહાય પૂરી પાડશે.
કોર્ટે પોલીસને તેના અગાઉના આદેશમાં ટીડીબીને જરૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો. બોર્ડે RSSને તેના ધાર્મિક સ્થળોના વિસ્તારોમાં શાખાઓ સ્થાપવા અને સામૂહિક કવાયત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. અરજદારોએ એમ પણ કહ્યું હતું કે આરએસએસના સભ્યો દ્વારા સંબંધિત અધિકારીઓની પરવાનગી વિના મંદિરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.