તમે પણ Public Place પર Charging Pointનો ઉપયોગ કરો છો? સરકારે બહાર પાડી એડવાઈઝરી…
પહેલાંના સમયમાં રોટી, કપડાં ઔર મકાન એ માણસની મુળભૂત જરૂરિયાત હતી પણ સમય બદલાતાં બદલાતાં તેમાં એક વસ્તુ ઉમેરાઈ ગઈ છે અને એ એટલે ચાર્જર. આજકાલ સ્માર્ટ ફોન ન વાપરતી હોય એવી વ્યક્તિ મળવી ખૂબ જ મુશ્કેલ છે અને એનાથી પણ ગજબની વાત તો એ હોય છે કે લોકો દરેક જગ્યાએ બસ ફોન ચાર્જિંગ કરવા માટે ચાર્જિંગ પોઈન્ટ જ શોધતા ફરતા હોય છે.
એક્સપ્રેસ ટ્રેન હોય કે, એરપોર્ટ કે પછી રેલવે સ્ટેશન લોકો ચાર્જિંગ પોઈન્ટ પર ચોંટ્યા રહે છે. જો તમે પણ આવું જ કરો છો તો પછી આ સમાચાર તમારા માટે જ છે. ભારત સરકાર દ્વારા હાલમાં જ સ્માર્ટફોન યુઝર્સ દ્વારા એક સ્પેશિયલ એડવાઈઝરી બહાર પાડી છે. આવો જોઈએ સરકારે શું કહ્યું છે પોતાની એડવાઈઝરીમાં…
આજકાલ મેટ્રો સ્ટેશન, એરપોર્ટ, કેફે, બસ સ્ટેન્ડ તે હોટેલમાં રહેલાં ચાર્જિંગ પોઈન્ટ પર જો તમે પણ તમારો ફોન ચાર્જ કરો છો તો તમારી આ આદત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. સાઈબર ક્રિમીનલ્સ જેકિંગ સ્કેમને લઈને એકદમ સક્રિય થઈ ગયા છે. તમે જેવો ફોન ચાર્જિંગમાં મૂકો એટલે ગણતરીની પળોમાં જ તમારો તમામ ડેટા, ઈન્ફોર્મેશન સ્કેમર્સ પાસે પહોંચી જાય છે.
ચાલો તમને જણાવીએ શું છે જેકિંગ સ્કેમ એ. USB ચાર્જર કે પછી જેકિંગ સ્કેમમાં સ્કેમર્સ જાહેર સ્થળો પરના ચાર્જિંગ પોઈન્ટની મદદથી લોકોને પોતાનો શિકાર બનાવે છે. સ્કેમર્સ પબ્લિક પ્લેસ પર રહેલા ચાર્જિંગ પોર્ટને ઈન્ફેક્ટ કરે છે એટલે સ્માર્ટ ફોન યુઝર જેવો પોતાનો ફોન ચાર્જ કરવા માટે પોર્ટ પર મૂકે છે એટલે એની માહિતી ચોરાઈ જાય છે.
આ સિવાય આવા ઈન્ફેક્ટેડ પોર્ટ પરથી ફોનને ચાર્જ કરવામાં આવે તો ફોનમાં માલવેર પણ આવી શકે છે અને આ માલવેર તમારા ફોનમાં કોઈ એપના રૂપમાં આવી શકે છે, જેને કારણે સ્કેમર્સને તમારા ફોનનું આખે આખું કન્ટ્રોલ મળી જાય છે.
જો તમે પણ આ પ્રકારના સ્કેમથી બચવા માંગો છો તો સરકાર દ્વારા એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે અને આ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે તમે નાની નાની તકેદારી રાખીને પોતાની જાતને સ્કેમર્સથી બચાવી શકો છો-
- USB ચાર્જિંગ પોઈન્ટની મદદથી થઈ રહેલાં સ્કેમથી બચવા માટે તમારે સૌથી પહેલાં તો તમારા ફોનની બેટરી પર ધ્યાન આપવું જોઈએ અને જો તમે લાંબા સમય સુધી ઘરથી બહાર રહેવાના હોવ તો તમારા ફોનની બેટરી ફૂલ ચાર્જ રાખો.
- જાહેર સ્થળો પર રહેલાં ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો.
- સેફટી માટે શક્ય હોય તો પાવર બેંક સાથે રાખો
- ફોન ચાર્જ કરવા માટે તમારા પર્સનલ કેબલનો જ ઉપયોગ કરો ફોનને લોક રાખો અને કોઈ પણ અજાણા ડિવાઈસ સાથેનું પેરિંગ સેટિંગ ઓફ કરો.
- જો પબ્લિક પ્લેસ પર રહેલાં ચાર્જિંગ પોઈન્ટનો ઉપયોગ કરવો જ પડે એમ હોય તો હંમેશા ફોન ઓફ કરીને ચાર્જ કરવા માટે મૂકો.