‘ભારતનું બનશે POK, થોડો સમય રાહ જુઓ’ પૂર્વ જનરલ વીકે સિંહનું મોટું નિવેદન
જયપુરઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી જનરલ (નિવૃત્ત) વી.કે. સિંહએ સોમવારે કહ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (PoK) થોડા સમય પછી પોતે જ ભારતમાં ભળી જશે. રાજસ્થાનના દૌસામાં, જ્યારે PoKના શિયા મુસ્લિમોની ભારતમાં રસ્તાઓ ખોલવાની માંગ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે સિંહે એવો જવાબ આપ્યો હતો કે, ‘થોડો સમય રાહ જુઓ, PoK આપોઆપ ભારતમાં ભળી જશે.’ G-20 સમિટની સફળતા પર પૂર્વ જનરલ વીકે સિંહે કહ્યું હતું કે ‘G-20 કાર્યક્રમ સફળ રહ્યો છે. આવી સંગઠિત ઘટના અગાઉ ક્યારેય બની નથી. દેશના 60 શહેરોમાં 200 જેટલી સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
પૂર્વ જનરલ વીકે સિંહે દૌસામાં એક સભાને સંબોધિત કરતા જી-20 સમિટ વિશે જણાવ્યું હતું કે અન્ય દેશોએ જી-20ના આવા સફળ આયોજન માટે ભારતની પ્રશંસા કરી છે. ‘કોન્ફરન્સમાં જારી કરાયેલા સામૂહિક મેનિફેસ્ટો (દિલ્હી ડિક્લેરેશન )માં ભારતે મોટી જીત હાંસલ કરી છે. વિશ્વ યુક્રેન સહિત અનેક મુદ્દાઓ પર વહેંચાયેલું હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુનેહથી આપણે બધાએ મળીને એક એવો રસ્તો શોધી કાઢ્યો જેના પર કોઈ દેશને કોઈ વાંધો નહોતો. તેમણે કહ્યું કે બાયોફ્યુઅલ એલાયન્સ અને ભારતથી યુરોપ સુધી કોરિડોરનું નિર્માણ ભારતની આર્થિક પ્રગતિનો માર્ગ મોકળો કરશે. જી-20ના સંગઠનને કારણે વિશ્વએ ભારતનું વિકસતું સ્વરૂપ જોયું છે અને પાંચમાથી ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહેલા ભારતે તેનું સ્વરૂપ બતાવ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘કોંગ્રેસના નેતા શશિ થરૂરે પણ G-20ના દિલ્હી ડિક્લેરેશનનું સ્વાગત કર્યું છે.’
પ્રેસ કોન્ફરન્સમાં વીકે સિંહે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. ટોંકમાં આપેલા પ્રિયંકા ગાંધીના નિવેદનો પર પલટવાર કરતા તેમણે કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીમાં બાલિશતા વધુ અને પરિપક્વતા ઓછી છે. રાહુલ ગાંધી પર પણ મોટું નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે તેઓ દેશમાં ટી-શર્ટ અને પેન્ટ પહેરે છે અને જ્યારે વિદેશ જાય છે ત્યારે કુર્તા-પાયજામા પહેરે છે. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી ક્યારેક પવિત્ર દોરો પહેરે છે તો ક્યારેક મંદિરમાં જઈને ઘંટ વગાડે છે. તેમણે કહ્યું કે જે લોકો માંસ, મટન ખાઈને માનસરોવરની યાત્રાએ જાય છે તેઓ નથી જાણતા કે ધર્મ શું છે.