નેશનલ

Katchatheevu Island: ઇન્દિરા ગાંધીએ આ ટાપુ શ્રીલંકાને સોંપી દીધો હતો? જાણો શું છે હકીકત

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં પોતાના ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુથી નજીક આવેલા કચ્ચાથીવુ ટાપુ(Katchatheevu Island) અંગેનો વર્ષો જુનો મુદ્દો ઉખેડી કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે X પર કચ્ચાથીવુ ટાપુને શ્રીલંકાને આપી દેવાના તત્કાલિન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના નિર્ણયની ટાંકીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

વર્ષ 1974માં તમિલનાડુનો કચ્ચાથીવુ ટાપુ ઇન્દિરા ગાંધીની સરકારે શ્રીલંકાને સોંપી દીધો હતો, આ નિર્ણય અંગે એ સમયે તમિલનાડુમાં રાજકીય હોબાળો થયો હતો. હવે લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપે આ મુદ્દો ફરી ઉખેડ્યો છે. તમિલનાડુ ભાજપના વડા કે. અન્નામલાઈએ RTI અરજી દ્વારા આ ટાપુ અંગે માહિતી મેળવી હતી. ત્યાર બાદ વડા પ્રધાન મોદી(PM Modi)એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

ત્યારે એ જાણવું જરૂરી બની જાય છે કે ખરી હકીકત શું છે અને આ ટાપુ મામલે હાલની સ્થિતિ શું છે.
કચ્ચાથીવુ ટાપુ ભારત અને શ્રીલંકા વચ્ચેની પાલ્કની ખાડીમાં આવેલો 285 એકરનો એક નિર્જન ટાપુ છે. તેની મહતમ લંબાઇ 1.6 કિમી અને 300 મીટર પહોળો છે. તે ભારતના રામેશ્વરમના ઉત્તરપૂર્વમાં આવેલો છે, જે ભારતીય દરિયાકાંઠાથી લગભગ 33 કિમી દૂર છે. તે શ્રીલંકાના ઉત્તરીય છેડે જાફનાથી લગભગ 62 કિમી દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે.

આપણ વાંચો: શ્રીલંકાને Katchatheevu ટાપુ આપીને દેશની અખંડિતતાને નબળી પાડી, પીએમ મોદીનો કૉંગ્રેસ પર હુમલો

ટાપુ પરનું એકમાત્ર બાંધકામ 20મી સદીની શરૂઆતનું કેથોલિક સેન્ટ એન્થોનીનું ચર્ચ છે, એના સિવાય ટાપુ નિર્જન છે. વાર્ષિક તહેવાર દરમિયાન, ભારત અને શ્રીલંકા બંનેના ખ્રિસ્તી પાદરીઓ અને ભક્તો ચર્ચની મુલાકાત લે છે. 2023 માં, 2,500 ભારતીયોએ તહેવાર દરમિયાન રામેશ્વરમથી કચ્ચાથીવુની યાત્રા કરી હતી. ટાપુ પર પીવાના પાણીનો કોઈ સ્ત્રોત ન હોવાથી કાયમી વસવાટ માટે યોગ્ય નથી.

ટાપુના ઈતિહાસની વાત કરીએ તો 14મી સદી દરમિયાન જ્વાળામુખી વિસ્ફોટને કારણે દરિયામાં આ ટાપુનિર્માણ થયું હતું. પ્રારંભિક મધ્યયુગીન સમયગાળામાં, તે શ્રીલંકાના જાફના સામ્રાજ્ય હેઠળ હતો. 17મી સદીમાં આ ટાપુ રામનાથપુરમ સ્થિત રામનાદ જમીનદારીના નિયંત્રણ આવ્યો. ત્યાર બાદ ટાપુ બ્રિટિશ રાજ દરમિયાન મદ્રાસ પ્રેસિડેન્સીનો ભાગ બન્યો. પરંતુ વર્ષ 1921 માં ભારત અને શ્રીલંકા બંનેની બ્રિટિશ વસાહતોએ, માછીમારીની સીમાઓ નક્કી કરવા માટે કચ્ચાથીવુ પર દાવો કર્યો હતો. આ વિવાદ 1974 સુધી ઉકેલાયો ન હતો.

એક અખબારી આહેવાલ મુજબ પૂર્વ વડા પ્રધાન નહેરુએ લખ્યું હતું કે, હું આ નાનકડા ટાપુને બિલકુલ મહત્વ આપતો નથી અને તેના પરના ભારતના દાવાઓ છોડવામાં મને કોઈ સંકોચ નથી. આ મુદ્દો અનિશ્ચિત સમય માટે પેન્ડિંગ રહે અને સંસદમાં ફરીથી ઉઠાવવામાં આવે તે મને પસંદ નથી.

1974માં ઈન્દિરા ગાંધીએ ભારત અને શ્રીલંકા વચ્ચેની દરિયાઈ સરહદ વિવાદ હલ કરવાના પ્રયાસના ભાગ રૂપે આ ટાપુ શ્રીલંકાને આપી દીધો હતો. ‘ભારત-શ્રીલંકા મેરીટાઇમ એગ્રીમેન્ટ’ તરીકે ઓળખાતી સંધીના ભાગ રૂપે, ઇન્દિરા ગાંધીએ કચ્ચાથીવુને શ્રીલંકાને સોંપ્યો હતો. તે સમયે, ઇન્દિરા ગાંધીએ મત રજુ કર્યો કે કે ટાપુનું વ્યૂહાત્મક મૂલ્ય ઓછું છે અને ટાપુ પર ભારતનો દાવો જતો કરવાથી શ્રીલંકા સાથેના સંબંધો વધુ ગાઢ બનશે.

એ સમયે કરવામાં આવેલા કરાર મુજબ, ભારતીય માછીમારોને કચ્ચાથીવુ સુધી માછીમારી કરવાની છૂટ હતી. કમનસીબે, માછીમારીના અધિકારોનો મુદ્દો કરાર બાદ પણ ઉકેલાયો ન હતો. શ્રીલંકા દાવો કર્યો કે ભારતીય માછીમારોને કચ્ચાથીવુ પર “આરામ કરવાનો, જાળ સૂકવવાનો અને વિઝા વિના કેથોલિક ચર્ચની મુલાકાત” લેવાનો જ અધિકાર રહેશે.

ભારતમાં કટોકટીના સમયગાળા દરમિયાન 1976 માં અન્ય એક કરાર કરવામાં આવ્યો, માછીમારીના અધિકારોના સંદર્ભમાં અનિશ્ચિતતા જ રહી. આજ સુધી, શ્રીલંકાનું નૌકાદળ નિયમિતપણે ભારતીય માછીમારોની ધરપકડ કરે છે અને કસ્ટડીમાં તેમના પર ત્રાસ ગુજારવામાં આવે છે અને ઘણા માછીમારો મૃત્યુ પામે છે. દર વખતે આવી ઘટના બને ત્યારે કચ્ચાથીવુ પરત મેળવવાની માંગ ઉઠે છે.

આપણ વાંચો: શ્રીલંકાની આડોડાઈઃ લંકન નૌકાદળે આટલા ભારતીય માછીમારની ધરપકડ કરી

અખબારી અહેવાલ મુજબ, તમિલનાડુ રાજ્યની વિધાનસભાની સલાહ લીધા વિના કચ્ચાથીવુ ટાપુ શ્રીલંકાને આપી દેવામાં આવ્યો હતો. માછીમારીના અધિકારો અંગે ઈન્દિરા ગાંધીના પગલા સામે ઉગ્ર વિરોધ થયો હતો. વર્ષ 1991માં શ્રીલંકાના ગૃહ યુદ્ધમાં ભારતના હસ્તક્ષેપના પરિણામે, તમિલનાડુ એસેમ્બલીએ ફરીથી કચ્ચાથીવુને પરત લેવાની અને તમિલ માછીમારોના માછીમારીના અધિકારોને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. ત્યારથી, કચ્ચાથીવુ તમિલ રાજકારણમાં વારંવાર આવે છે.

2008માં, એઆઈએડીએમકેના તત્કાલીન સુપ્રીમો, સ્વર્ગસ્થ જે જયલલિતાએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે બંધારણીય સુધારા વિના કોઈ પ્રદેશને બીજા દેશને સોંપી શકાય નહીં. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે 1974ના કરારે ભારતીય માછીમારોના પરંપરાગત માછીમારીના અધિકારો અને આજીવિકાને નુકશાન પહોંચાડ્યુ છે.

ગયા વર્ષે, તમિલનાડુના મુખ્ય પ્રધાન અને DMK નેતા એમકે સ્ટાલિને શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘેની ભારત મુલાકાત પહેલાં PM મોદીને એક પત્ર લખ્યો હતો, જેમાં વડા પ્રધાનને કાચાથીવુ સહિતના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા કહ્યું હતું.

આમ છતાં ભાજપની નરેન્દ્ર મોદી સરકારે પણ તમિલ રાજકારણીઓની માંગણીઓ પર વાસ્તવમાં કંઈ ખાસ કાર્યવાહી કરી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જોકે હવે ચૂંટણી સમયે આ એક મહત્વનો મુદ્દો બની રહેશે, તેમ માનવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button