ભર ટ્રાફિકમાં બાઇક પર યુપીએસસીનો અભ્યાસ કરતો જોવા મળ્યો Zomato ડિલિવરી બોય

અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી એમ કહેવાય છે. Zomatoના એક ડિલિવરી બોયની ભણતર માટેની લગન જોઇને આ ઉક્તિ યાદ આવી જાય એમ છે. આર્થિક રીતે પગભર થવા અને સાથે સાથે પોતાના ઉચ્ચ અભ્યાસના સપના પૂરા કરવા માટે Zomatoના ડિલિવરી બોય બાઇક પર ડિલિવરી માટે જતા સમયે ટ્રાફિકમાં અટવાયો હતો. એ સમયે પણ તેનું ધ્યાન તેના ફોન પર હતું, જે તેણે તેની બાઇક પર સુરક્ષિત રીતે રાખ્યું હતું. Zomato ડિલિવરી બોય ટ્રાફિક જામમાં અટવાતા મોબાઇલમાં ધ્યાનપૂર્વક UPSC લેક્ચર સાંભળી રહ્યો હતો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે Zomato ડિલિવરી બોયના ભણતર પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. આવીડિયો આયુશ સાંઘી નામના વ્યક્તિ દ્વારા એક્સ પર શેર કરવામાં આવ્યો છે અને એમાં એમણે લખ્યું છે કે આ વીડિયોને જોઇને એમને નથી લાગતું કે લોકોને બીજા કોઇ મોટિવેશનની જરૂર હોય.
આ વીડિયોને હજારો લોકો જોઇ ચૂક્યા છે અને મિશ્ર પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. કેટલાકને Zomato ડિલિવરી બોયની આ પગલાંને જોખમી લાગે છે. વ્યસ્ત રસ્તા પર માર્ગ પર ધ્યાન આપવાને બદલે ભમતરના લેક્ચર પર ધ્યાન આપવાનું જોખમી સાબિત થઇ શકે છે એમ તેમને લાગે છે. તો કેટલાક નેટિઝન્સને આ વીડિયો પ્રેરણાદાયી પણ લાગ્યો છે, જે લોકોને પોતાના ધ્યેય પ્રત્યે સમર્પિત રહેવાની પ્રેરણા પૂરી પાડે છે. કેટલાક લોકો જણાવે છે આ વ્યક્તિના જીવનમાં ભણતરના મહત્વનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. તમે પણ આ વીડિયો જોયો? તમે આ વીડિયો વિશે શું માનો છો?