નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP) એ સોમવારે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે ભૂતપૂર્વ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી બેઠક ચીનને તાસક પર ભેટમાં આપી દીધી હતી.
રવિવારે જ્યારે G20 સંમેલન સમાપ્ત થઈ રહ્યું હતું, ત્યારે અમેરિકા, રશિયા અને ફ્રાન્સે ભારતની અધ્યક્ષતામાં મળેલી બેઠકના પરિણામોની પ્રશંસા કરી હતી અને તે દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી સુરક્ષા પરિષદના વિસ્તરણ અને તમામ વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જોરદાર હિમાયત કરી હતી.
ત્યાર બાદ ભાજપે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે, ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની સ્થાયી બેઠક ચીનને ભેટમાં આપી દીધી હતી. એ સમયે જો ભારત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય બન્યું હોત તો આજે ભારતની અને વિશ્વની પરિસ્થિતિ જ જુદી હોત. આપણો ઇતિહાસ કૉંગ્રેસના આવા દેશવિરોધી કૃત્યોથી ઘેરાયેલો છે.
સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં અમેરિકા, ચીન, ફ્રાન્સ, બ્રિટન અને રશિયા એમ પાંચ કાયમી સભ્ય છે. આ પાંચ કાયમી સભ્ય પાસે વિટો પાવર છે જે તેમને સર્વોપરી બનાવે છે અને સંયુક્ત રાષ્ટ્રના કોઇ પણ ઠરાવને વિટો પાવર વાપરીને નામંજૂર કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્ય બનાવવાની ચર્ચા ઘણા સમયથી ચાલે છે અને તેના પાંચમાંથી ચાર કાયમી સભ્ય એ માટે સંમત છે, પણ ચીન હંમેશા વિટો પાવર વાપરીને ભારતને UNSCના કાયમી સભ્ય બનવાથી રોકી દે છે. ભારત જ્યારે આઝાદ થયું હતું ત્યારે UNSCએ ભારતને કાયમી સભ્યપદની ઓફર કરી હતી, પણ ચાચા નહેરુએ સ્થાયી બેઠક ચીનને આપી દીધી હતી.
સુરક્ષા પરિષદના વિસ્તરણ અને વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની જોરદાર હિમાયત કરતા પીએમ મોદીએ જી-20 સમિટમાં કહ્યું હતું કે વિશ્વને વધુ સારા ભવિષ્ય તરફ લઈ જવા માટે વૈશ્વિક વ્યવસ્થા વર્તમાન વાસ્તવિકતાઓ અનુસાર હોવી જરૂરી છે