નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસી(Delhi excise policy) સાથે સંકળાયેલા માની લોન્ડરિંગ કેસમાં પુછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ આમ આદમી પાર્ટી(AAP)ના વધુ એક નેતા કૈલાશ ગેહલોત(Kailash Gahlot)ને ગઈ કાલે પુછપરછ માટે બોલાવ્યા હતા. દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે વિજય નાયર તેમના બંગલામાં રહેતા હોવાની જાણકારીને નકારી કાઢી હતી.
EDએ એક્સાઇઝ ગઈ કાલે નેતા કૈલાશ ગેહલોતની પાંચ કલાક પૂછપરછ કરી હતી. તેઓ 2021 માં વિવાદાસ્પદ લિકર પોલિસી તૈયાર કરવા માટે રચાયલા પ્રધાનોના જૂથના એક ભાગ હતા.
EDની ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે AAP કોમ્યુનિકેશન ઈન્ચાર્જ વિજય નાયર ગેહલોતને ફાળવવામાં આવેલા સરકારી બંગલામાં રહેતા હતા. EDએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ગેહલોતે એક સિમ નંબર સાથે IMEI નંબર ત્રણ વખત બદલ્યો હતો. વિજય નાયની આ કેસમાં અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.
ED ઓફિસની બહાર મીડિયા સાથે વાત કરતા કૈલાશ ગેહલોતે કહ્યું કે મને જાણકારી નથી કે નાયર મારા સરકારી બંગલામાં રહે છે કે નહીં. હું ક્યારેય સિવિલ લાઈન્સ વિસ્તારમાં ફાળવવામાં આવેલા સરકારી બંગલામાં રહેવા ગયો નથી. હું વસંત કુંજમાં મારા પરિવારના ઘરે જ રહું છું કેમકે મારા બાળકોની શાળા તેની સામે છે.
તેમણે એમ પણ કહ્યું કે ગોવા વિધાનસભા ચૂંટણીમાં તેમની કોઈ ભૂમિકા નથી. તેમણે કહ્યું કે લિકર પોલિસી બનાવવામાં કોઈ ગોટાળા થયા નથી અને સમય જતાં દરેકને તેની સત્યતાની જાણ થઈ જશે.
આ કેસમાં EDએ અત્યાર સુધીમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. મનીષ સિસોદિયા અને સંજય સિંહની ED દ્વારા પહેલેથી જ ધરપકડ કરવામાં આવી હતી અને બંને હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે, જ્યારે ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાની 15 માર્ચે અને કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.
કેજરીવાલ 1 એપ્રિલ સુધી અને કવિતા 9 એપ્રિલ સુધી ED કસ્ટડીમાં છે. EDનો આરોપ છે કે આબકારી નીતિ એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે દારૂના વેપારીઓને વધુ નફો મળે. જેમાં સાઉથ ગ્રુપ સાથે સાંઠગાંઠ કરવામાં આવી હતી, કે કવિતા સાઉથ ગ્રુપના સભ્ય હતા. દારૂના વેપારીઓએ AAPને 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી, જેમાંથી મોટી રકમ AAP દ્વારા ગોવા વિધાનસભા ચૂંટણીમાં ખર્ચવામાં આવી હતી. જોકે આ આરોપોની હજુ પુષ્ટિ થઇ શકી નથી.