ઉત્સવ

એ વાત યાદ રાખજો કે એક દિવસ અહીંથી જવાનું છે …

…..આ સનાતન સત્ય યાદ રાખીને બધાએ જીવવું જોઈએ!

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

થોડા સમય અગાઉ મારી એક પરિચિત વ્યક્તિ પર એના એક વેપારી મિત્રએ કેસ કર્યો. આમ તો એ બંને વચ્ચે દાયકાઓ જૂનો સંબંધ હતો, પણ વચ્ચે કશુંક મનદુ:ખ થયું હતું એમાં મારી પરિચિત વ્યક્તિ પર ગુસ્સે થઈને એના મિત્રએ ખોટો કેસ કરી દીધો હતો.

મારી પરિચિત વ્યકિતએ કહ્યું કે મારી કોઈ પણ વાતથી ખરાબ લાગ્યું હોય તો હું માફી માગુ છું, પણ પેલા વેપારી મિત્ર કહે : હવે હું તને બતાવી દઈશ અને તને આખી જિંદગી શાંતિથી જીવવા નહીં દઉં….’

મારી પરિચિત વ્યકિત માનસિક રીતે એવી પડી ભાંગી કે એણે મનોચિકિત્સકની સારવાર લેવી પડી. એને આ રીતે દુ:ખી થતી જોઈને મને વિચક્ષણ ફિલોસોફર ડાયોજિનિસના જીવનનો એક કિસ્સો યાદ આવી ગયો.

ડાયોજિનિસ વિવાદાસ્પદ ચિંતક હતા. લોકો એમને પાગલ ગણતા. ઘણા લોકો એમની ઠેકડી પણ ઉડાવતા હતા. જો કે ડાયોજિનિસ પોતાની મસ્તીમાં જીવતા. એમને એવા લોકોની સામે બીજો કોઈ વાંધો નહોતો. લોકો એમને પાગલ કહે એથી પણ એમને ફરક નહોતો પડતો, પણ કેટલાક લોકો એમને ચીડવવા – એમની હાંસી ઉડાવવા એમના ઘર સામે જમા થતા હતા. એના કારણે ડાયોજિનિસના ચિંતનમાં ભંગ પડતો હતો. એ એકાંતમાં રહેવા ઇચ્છતા હતા, પણ અળવીતરા લોકો એમને શાંતિથી રહેવા દેતા નહોતા.

છેવટે એકાંતમાં રહેવા માટે ડાયોજિનસે ગામથી દૂર નદીકિનારે એક ઝૂંપડું બાંધ્યું અને ત્યાં જ રહેવા માંડ્યા. એમણે ઝૂંપડાની બહાર પાટિયું મારી દીધું : અહીં જ્ઞાન વેચાતું મળે છે.

ગામલોકો ત્યાંથી પસાર થતી વખતે એ પાટિયું વાંચીને ડાયોજિનિસની હાંસી ઉડાવતા હતા.

જો કે ગામથી દૂર રહેવા ચાલ્યા ગયા પછી ડાયોજિનિસના ઝુંપડા સામે હવે ટોળાં જમા થતાં નહોતાં. હવે એવા લોકો ડાયોજિનીસના ઝૂપડા પડા સુધી ખાસ લાંબા થતા હતાં, જેમને ડાયોજિનિસ પાસેથી જ્ઞાન મેળવવું હતું. એવા લોકો ડાયોજિનિસ પાસે સમય વિતાવતા હતા. ડાયોજિનિસના ટીકાકારો એ બાજુથી નીકળે તો કંઈક ઊંધુંચત્તું બોલતા-બોલતા રવાના થઈ જતા.

આવી રીતે એક વાર એક ધનાઢય અને શોષણખોર વેપારી ડાયોજિનિસના ઝૂંપડા પાસેથી પસાર થયો. એણે પેલું પાટિયું જોયું અને એના પરનું લખાણ વાંચ્યું: અહીં જ્ઞાન વેચાતું મળે છે.’ એ વાંચીને એને હસવું આવ્યું અને ગુસ્સો પણ આવ્યો. બીજા ઘણા માણસોની જેમ એને પણ ડાયોજિનિસ ગમતો નહોતો. એણે ઘરે પહોંચીને પોતાના એક નોકરને પૈસા લઈને ડાયોજિનસ પાસે જવા આદેશ આપતા કહ્યું: પેલો ડાયોજિનિસ જે જ્ઞાન આપે છે એ વેચાતું લઈ આવ.’

આ વેપારીએ વિચાર્યું હતું કે આમાં વળી ડાયોજિનસનું કંઈક તિકડમ હશે. ડાયોજિનસ જે જવાબ આપે એના આધારે એની સામે રાજાને ફરિયાદ કરીશ…

વેપારીનો નોકર ડાયોજિનિસ પાસે ગયો. કહ્યું: મારા શેઠે મને તમારી પાસેથી જ્ઞાન ખરીદવા મોકલ્યો છે. આ લો પૈસા, અને સારાવાળું જ્ઞાન આપો ’
ડાયોજિનિસે નોકરને કહ્યું: તારા માલિકને કહેજે કે, મુત્યું અનિવાર્ય છે. માટે કોઈ પણ કામ કરતી વખતે એ ‘આ ત્રણ શબ્દ ભૂલવા નહીં.’

 નોકર પરત આવીને  ડાયોજિનિસે કહેલા શબ્દો એના વેપારી -માલિકને  કહી સંભળાવ્યા. એ સાંભળીને પહેલા તો વેપારીને થયું કે ડાયોજિનસ બેવકૂફ બનાવી ગયો! પણ પછી સતત એના મનમાં એ શબ્દો રમવા માંડ્યા.

આ વેપારી ખેપાની હતો, પણ આપણા ઘણા શોષણખોર અબજોપતિ ઉધોગપતિઓ, પોતાને ભગવાન સમજતા ફાઈવસ્ટાર બાબાઓ કે પોતે આ વિશ્ર્વના રણીધણી છે એવું માનતા ઘણા પોલીસ અધિકારીઓ કે પછી પોતે અમર છે એમ માનીને મનફાવે એમ વર્તતા ઘણા સત્તધીશો જેવો નહોતો એટલે એને સમજાયું કે ડાયોજિનિસે આપેલું જ્ઞાન જીવનમાં નજર સામે રાખવા જેવું છે એટલે થોડા સમયમાં જ એણે લોકોનું શોષણ કરવાનું છોડી દીધું!

મોટા ભાગના માણસો એ જ રીતે જીવતા હોય છે કે પોતે અમર છે- એમણે કયારેય મરવાનું નથી….વાસ્તવિકતા એ છે કે એક દિવસ અહીંથી જવાનું છે એ વાત યાદ રાખીને જીવવું જોઈએ. બધા માણસો માત્ર આટલું યાદ રાખીને જીવે તો દુનિયાભરના લોકોની ઘણી તકલીફો દૂર થઈ જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button