ઉત્સવ

અલવિદા ના કહેના નો કંટ્રી ફોર ઓલ્ડમેન

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: ઉંમર વધે ને ઉંબર ડુંગર લાગે. (છેલવાણી)
એક વૃદ્ધ પુરુષે, નર્સિંગ હોમમાં નર્સ પાસે જઇને પૂછ્યું,તમને ખબર છે કે મારી ઉંમર કેટલી છે? હું ભૂલી ગયો છું.’
તમે શર્ટ કાઢી અને ઉંધા ફરીને વાંકા વળીને ઊભા રહો.’ નર્સે કહ્યું.

વૃદ્ધે એમ કર્યું ને નર્સે તરત જ કહ્યું: ’૮૩ વરસ.’

આમાં તમને કઇ રીતે ખબર પડી ગઇ?’ પેલાએ પૂછ્યું.

તમે ગઈ કાલે જ મને કહ્યું હતું!’ નર્સે હસીને કહયું.

બૂઢાપામાં માણસ ભૂલવા માંડે છે- એમાં નવાઇ નથી પણ ઘરનાંઓ કે સમાજ પણ ધીરે ધીરે વૃદ્ધોને ભૂલવા લાગે એમાં એક કસક છે. ઇટલીનું એક નાનું શહેર, સાન જીઓવાન્ન, હવે ફરીથી ’જુવાન’ થવા માંગે છે કારણ કે એ ઇટલીમાં સૌથી વધુ સીનિયર સિટીઝનોવાળું શહેર છે. દાયકાઓના સ્થળાંતરને કારણે ત્યાં વસ્તી સંકોચાઈને લગભગ ૧૫૦-૨૦૦ એકલા જીવતા વૃદ્ધોની થઇ ગઈ છે. એક જમાનાનાં ભવ્ય શહેરમાં, આજે ખાલીખમ ને અવાવરૂ બંગલાઓ પડ્યા છે.

એટલે મેયર નિકોલાએ ગામને બચાવવા વિચાર્યું, આ ગામને ફરીથી વસાવવા જોઈએ છે શું?

જવાબ હતો: ‘નવા વધુ લોકો!’

પછી ૨૦૨૪માં નવા જુવાન લોકોને આકર્ષવા અમુક યોજનાઓ બનાવી. જુવાનો માટે ફૂટબોલનું મેદાન, પહોળાં રસ્તાઓ ને બાગ-બગીચા બનાવ્યા અને ત્યાનાં ખાલી અવાવરૂ પણ બંગલાઓને પાણીના ભાવે આપવાનાં શરૂ કર્યાઅને પછી તો આસ્તે આસ્તે નજીકના કારખાનાઓમાં કામ કરતા જુવાનો અને પ્રેમી કે પરણિત કપલ્સ આકર્ષાઈને ત્યાં આવીને વસવા માંડ્યા.

ત્યાં રહેવા આવેલી મેરિલેના નામની જુવાન માતાએ ઇન્ટરવ્યુમાં કહ્યું, ’ગઇકાલે મારી ૭ વર્ષની દીકરી મેરિકાને એક વિશાળ પૂતળા તરફ રસ્તા પર દોડતી જોઈને પહેલાં ડરી ગઇ..પણ બીજી બાજુ મેં જોયું કે મારાં દોઢ વરસનાં દીકરાને, રોડ પાસે બેંચ પર બેઠેલ કોઇ વૃદ્ધ, દાદાજીની જેમ વાર્તા કહી રહ્યો હતો, જે જોઇને મારી આંખો ભરાઇ આવી! મને થયું કે- હાશ! અહીં બાળકો, મુક્તપણે બિંદાસ દોડાદોડી તો કરી શકે છે ને મારે ચિંતા પણ કરવી નથી પડતી, જે મોટા શહેરની ટ્રાફિકવાળી દુનિયામાં અસંભવ છે. વળી વૃદ્ધો સામેથી અમને મદદ કરવા આવે છે નાનકડી ’નો પ્રોફિટવાળી’ માર્કેટ પણ ચલાવે છે’

ત્યાં વૃદ્ધોને પણ હવે નવું બદલાયેલું વાતાવરણ ગમે છે. હમણાં જૂના ચર્ચનાં વાર્ષિક ફેસ્ટિવલમાં મ્યુઝિકલ બેંડે જ્યારે ‘લાસ્ટ ક્રિસમસ’ ગીત રજૂ કર્યું ત્યારે નાનાં બાળકો તાળીઓ પાડીને નાચવા લાગ્યા. ત્યારે વૃદ્ધો, એ બાળકોને ભીની ને ઝાંખી નજરે જોઇ રહ્યા હતા. ૭૩ વર્ષની સેઝરિનએ કહ્યું, હવે વાતાવરણમાં તાજગી છે. બાળકોને લીધે આ ભેંકાર ચર્ચમાં કેવી રોનક આવી ગઇ છેને?’

ઇંટરવલ:
સૂની મેડીને જોઈ પૂછશો ન કોઈ કે અવસરીયા કેમ નથી આવતા?

પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને એટલે તોરણ નથી રે બાંધતા. (અનિલ જોશી)
એક વૃદ્ધ પુરુષ મરણ પથારીએ, જીવનનાં અંતની રાહ જોતો ઘરમાં સૂતો હતો પણ અચાનક એને નીચે કિચનમાં પત્ની લાડવા બનાવી રહી હતી એની સુગંધ આવી. પછી પેલો વૃદ્ધ, માંડ માંડ ધીમે ધીમે સીડી ઊતરીને, રસોડા સુધી પહોંચી ગયો…અને તેણે જેવો લાડવાની થાળીમાંથી એક લાડવો ઉપાડ્યો કે ત્યાં જ પત્નીએ હાથ પર વેલણ મારીને કહ્યું: લાડવાને અડતા જ નહીં. એ તો મેં તમારા ૧૨માં-૧૩માં માટે ખાસ બનાવ્યા છે.’ આમાં કાતિલ રમૂજ અને કરૂણતા બેઉ એક સાથે છે.

રિસર્ચ કહે છે કે સરેરાશ માણસ, ૬૦-૬૫ વર્ષે રિટાયર થઈને પછી એ ખુદને જ નક્કામો માનવા માંડે છે, એને લાગે છે કે જૂની દવાની જેમ જાણે એની ય ‘એક્સપાયરી ડેટ’ આવી ગઇ છે. જીવવાનું કોઈ કારણ બચતું નથી ત્યારે એને મૃત્યું અકારણ નજીક લાગે છે. એવામાં પરિવારની હૂંફ, ટોનિક બની જાય છે જેની પાછળ લાગણીનું લોજિક છે.

ભારતમાં, ચાઈનામાં, જાપાનમાં અનેક નાનાં નાનાં શહેરો કે સમૃદ્ધ ગામડાંઓ છે, જ્યાં બધી સગવડો પણ છે, ત્યાં માત્ર વૃદ્ધો જ રહે છે. ગુજરાતનાં ઉદવાડામાં ટાટા ને એવી બીજી ઘણી મોટી મોટી પારસી હસ્તીઓનાં ભવ્ય બંગલાઓ છે. પણ ત્યાં ગણ્યાં ગાંઠ્યા વૃદ્ધો એકલા રહે છે. યુવાનો વિદેશમાં કે શહેરમાં જતા રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાં કે પંજાબમાં પણ ઘણાં ગામડાઓ એવા છે જ્યાં સંતાનો વિદેશથી મા-બાપને પૈસા મોકલે છે, એમનું સુખરૂપ જીવન ચાલે છે. ત્યાં મંદિર, બજાર, ચોક, નદી, સભાગૃહ, ક્લબ બધું જ છે. આમ તો બધું જ રૂપાળુંને સુંવાળું છે. પણ એ ચમકતા ચાંદીના વરખ નીચે કોઇ મીઠાઈ નથી, એક કડવી વસ્તુ છે: ‘વૃદ્ધોની એકલતા’ સંતાનો, પોતાનાં ભવિષ્ય માટે દૂર જતા રહ્યા છે ને વૃદ્ધો પાસે માત્ર ભૂતકાળ બચ્યો છે. આમાં વાંક, વૃદ્ધો કે સંતાનો- બેઉમાંથી કોઇનો ય નથી. જયાં વાંક કોઇનો ના હોય, બેઉ પાત્રો સારાં ને સાચાં હોય અને તો યે વેદના જન્મે, ત્યાં જ અદ્ભુત ડ્રામા કે વાર્તા સર્જાય છે. એક અંગ્રેજી ફિલ્મનું કાવ્યાત્મક નામ હતું: ‘નો કંટ્રી ફોર ઓલ્ડ મેન.’

મરાઠી સાહિત્યકાર લેખક જયવંત દળવીએ ‘ચક્ર’ જેવી ઘણી કળાત્મક ફિલ્મો અને અનેક સુંદર નાટકો લખેલા. પરંતુ સંબંધો વિશે એમનું એક અદ્ભુત નાટક હતું: ‘નાતી-ગોતી’, જેમાં આજથી ૩૫-૪૦ વર્ષ પહેલાં ક્રાંતિકારી વિચાર હતો કે- એક નિ:સંતાન કપલ, અનાથાશ્રમમાંથી કોઇ બાળકને નહીં પણ વૃદ્ધાશ્રમમાંથી એક વૃદ્ધ કપલને મા-બાપ તરીકે દત્તક લઈ આવે છે ને પરિવાર ઉભો કરે છે! આને કહેવાય વાર્તા, વિચાર અને સમાજમાં ટ્વિસ્ટ.

એંડ-ટાઇટલ્સ:
આદમ: બૂઢાપામાં ભૂલી તો નહીં જાય ને?
ઈવ: કોને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button