સ્ત્રીના સુખને કારણે પુરુષ થાય કુરેબાન, તો પાણી ભરવા વળી શું ઝાઝું નુકસાન?
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી
એક ચોખવટ. ટેકનિકલ ક્ષતિને કારણે ગયા સપ્તાહની કોલમમાં મથાળું જૂનું છપાઈ ગયું હતું. અસલ મથાળું કોલમમાં જ રજૂ થયેલી બે પંક્તિ હતી કે આપ બળે એકલ ખૂણે, ધૂપ બધે પ્રસરત, જગમાં એવા જનમિયા, અગરબત્તી ને સંત ક્ષતિ બદલ વાચકો દરગુજર કરશે. સુભાષિતો – કાવ્ય પંક્તિઓ દ્વારા મળતો બોધ, એમાંથી ટપકતા જ્ઞાનની સફરમાં આગળ વધીએ. બુધવારે વિશ્ર્વ રંગભૂમિ દિવસ હતો. જૂની રંગભૂમિની જે કેટલીક ખાસિયતો – વિશેષતા હતી જેમાં નાટકમાં રજૂ થતાં ગીતો બહુ ઊંચું સ્થાન ધરાવે છે. ૧૯૧૯માં લખાયેલા મૂળશંકર મુલાણીના નાટક ‘ભાગ્યોદય’માં રાણા સંગની કથા હતી. રાણા સંગ (સંગ્રામસિંહ રાણા) ઉત્તર ભારતના મેવાડનો પ્રસિદ્ધ રાજા હતો. નાટકની કથામાં રાણા સંગનો નાનો ભાઈ પૃથુ તેજોદ્વેષી હતો અને એ મોટાભાઈની આગેકૂચમાં વિઘ્ન નાખે છે. નાટકનું એક ગીત અફાટ લોકપ્રિયતાને વર્યું હતું. માનવ સ્વભાવનું આલેખન કરતી ગીતની અત્યંત આદર પામેલી પંક્તિઓ હતી ‘ભાઈ જીવનની ગાડીએ ઉદ્યમ અને અભિમાન, જોડ્યા એ બે બળદિયા, નસીબ ગાડીવાન.’ જીવનનું ગહન તત્ત્વજ્ઞાન એક પંક્તિના કેટલાક શબ્દોમાં કેવું આબાદ ઝીલાયું છે. જૂની રંગભૂમિનાં નાટકોના ગીતમાં તત્કાલીન સમાજ અને એની અવસ્થા સુપેરે પ્રગટ થતા હતા.
૧૯૨૮ના દેશી નાટક સમાજના નાટક ‘સત્તાના મદ’ના પ્રહસન વિભાગમાં વૈકુંઠ અને ત્રિવેણી નામના પતિ-પત્નીનાં પાત્રોના કંઠે ગવાતા ગીતને બેહદ ચાહના મળી હતી. ત્રિવેણી ગાય છે કે ‘ભારી બેડાં ને હું તો નાજુકડી નાર, કેમ કરી પાણીડાં ભરાય રે, ભમ્મરિયા કૂવાને કાંઠડે કેમ કરી પાણીડાં ભરાય રે.’ વૈકુંઠને ત્રિવેણી માટે અનુકંપા જાગે છે અને એટલે એ ગાય છે કે ‘પાણી પાણી થઈ જતી એવાં પાણી ભરવા કાજ રસીલી ના જતી.’ ત્યારબાદ સંવાદ આવે છે જેમાં ત્રિવેણી પૂછે છે કે તો પછી ઘરનું બધું કામ કોણ કરશે? વૈકુંઠ જવાબ આપે છે કે આ ગુલામ કરશે. બીજું કોણ કરશે? પછી બે પંક્તિ લલકારે છે જેને સ્ત્રી દાક્ષિણ્યની ભાવના કહેવી કે બીજું કોઈ નામ આપવું એ વાચક નક્કી કરી લે. વૈકુંઠ ગાય છે કે ‘સ્ત્રીના સુખને કારણે પુરુષ થાય કુરેબાન તો પાણી ભરવા વળી શું ઝાઝું નુકસાન?’ જવાબમાં ત્રિવેણી ગાય છે કે ‘લોકોમાં મશ્કરી થાય રે, ભમ્મરિયા કૂવાને કાંઠડે.’ યાદગાર સિક્વન્સ પૂરી થાય છે અને તાળીઓનો ગડગડાટ અને વન્સમોર સિવાય બીજું કશું સાંભળવા નથી મળતું. ભમ્મરિયો કૂવાની જે વાત આવે છે એ કૂવો ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં મહેમદાવાદ ખાતે આવેલું એક પ્રાચીન સ્થાપત્ય છે. આ કૂવાનું નિર્માણ ૧૫મી સદીમાં મહેમુદશાહ બેગડા નામના બાદશાહે કરાવ્યું હતું. આ અષ્ટકોણાકાર કૂવો ૩૬ ફૂટ જેટલો વ્યાસ ધરાવે છે. ભૂગર્ભમાં નિવાસસ્થાનના ખંડમાં જવા માટે ચાર સીડી આવેલી છે તેમ જ બે સીડી ગોળાકારે ફરતી બનાવવામાં આવેલી હોવાથી આ કૂવાનું નામ ભમ્મરીયો કૂવો પડ્યું હતું. દેશી નાટક સમાજના ક્યારેય ન વિસરાય એવા નાટકમાં ‘વડીલોના વાંકે’નો સમાવેશ છે. આ નાટકમાં દંતકથા બની ગયેલાં અભિનેત્રી મોતીબાઈએ ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, જોતી તી વ્હાલાની વાત રે, ઘેરાતી આંખડીને દીધા સોગંદ મેં, મટકું માર્યું તો તારી વાત રે ગીતને અમર બનાવી દીધું. આખી રાત જાગી પતિની રાહ જોતી પત્ની સવાર પડી ત્યારે પણ પતિ નથી આવ્યો એની નથી ફરિયાદ કરતી કે નથી કોઈ કકળાટ કરતી. એને તો એ ઉજાગરા મીઠા લાગ્યા છે. એમાંય ઘેરાતી આંખડીને દીધા સોગંદ મેં, મટકું માર્યું તો તારી વાત રે’ પંક્તિમાં તો ફૂલોની સેજ ઉપર હૃદયની તમામ લાગણીઓ નૃત્ય કરતી હોય એવો ભાસ કરાવે છે. પ્રેમ વિશે દુનિયામાં જે અને જેટલું કહેવાયું હોય એ એક તરફ અને આ પંક્તિ બીજી તરફ અને તોય એનું પલડું હળવુંફૂલ ભારે. આ સિવાય યાદગાર પંક્તિઓ છે ઝટ જાઓ ચંદનહાર લાવો ઘૂંઘટ નહીં ખોલું હું, મને લાગ્યો એ હારનો નેડલો, તમથી નહિ બોલું હું. નેડલો એટલે સ્નેહ, પ્રેમ. પત્નીને ચંદનહાર માટે એ હદે પ્રીતિ જાગી છે કે પતિ લાવશે તો જ ઘૂંઘટ ખોલશે અને ત્યાં સુધી મીઠી ગોઠડી પણ નહીં કરે. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એથી જ શાણા સાહ્યબીમાં લેશ ફુલાતા નથી પંક્તિઓ અશરફખાને અમર બનાવી દીધી અને જાણે કે કહેવત બની ગઈ. ગીતામાં જે સ્થિતપ્રજ્ઞની વાત આવે છે એવો જ ભાવ અહીં વર્તાય છે.
STATIONARY and STATIONERY
શાહરૂખ ખાનની ‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મમાં એક ડાયલોગ છે ‘એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યા જાનો, રમેશ બાબુ!’ સંવાદ ઘણો લાંબો છે જેમાં કદ નાનું પણ કર્મ મોટું એવો ભાવાર્થ વ્યક્ત થાય છે. ટૂંકમાં કહીએ તો નાનો અમથો ફરક કે તફાવત દિવસ (દિન)ને ગરીબ (દીન) બનાવી દે છે. શબ્દના બંધારણમાં (સ્પેલિંગમાં) નજીવા તફાવતથી અર્થમાં કેવો ગંજાવર તફાવત નજરે પડે છે એ ભાષા યાત્રા આજે આગળ વધારીએ. શરૂઆત FAIR vs. FARE ઉદાહરણથી કરીએ. FAIR has different meanings. ફેર શબ્દના વિવિધ અર્થ છે. It is not fair to leave children alone at home. અહીં યોગ્ય, બરાબર એવો અર્થ છે. બાળકોને ઘરે એકલા રાખવા યોગ્ય નથી. My uncle lives a fair distance away so we don’t see him and his family very often. અહીં ખાસ્સું, લાંબુ એવો અર્થ છે. મારા કાકા ખાસ્સા દૂર રહેતા હોવાથી અમારું મળવાનું ઓછું થાય છે. I have spent a fair amount of time on all that. મેં એ બધા પર ખાસ્સો સમય પસાર કર્યો છે. આ શબ્દનો અર્થ ગોરો અથવા રૂપાળો એવો પણ થાય છે. It’s important to protect fair skin from scorching sun. આકરા તાપ સામે ગોરી ત્વચાનું રક્ષણ કરવું જરૂરી છે. FARE means the price charged to transport a person. મુસાફરી માટે વસૂલ કરવામાં આવેલું ભાડું. Bus fares in Mumbai are highly economocal. મુંબઈમાં બસના ભાડાં બહુ સસ્તા હોય છે. બંને શબ્દો એક વાક્યમાં વાપરી તફાવત સમજી લઈએ. It is not FAIR to charge a heavy FARE for a short journey. ટૂંકા અંતરની મુસાફરી માટે તગડું ભાડું વસૂલ કરવું યોગ્ય ન કહેવાય. STATIONARY and STATIONERY આજનું બીજું ઉદાહરણ છે. પહેલી નજરે તો બંને સ્પેલિંગ સરખા લાગે, પણ બારીકાઈથી જોશો તો ખ્યાલ આવશે કે એક અક્ષરનો ફરક છે – એ અને ઈ અક્ષરનો. પણ આ મામૂલી તફાવતને જરાને અર્થમાં ગંજાવર બદલાવ જોવા મળે છે. STATIONARY means it’s not moving. એ અક્ષર ધરાવતા સ્ટેશનરી શબ્દનો અર્થ છે હલનચલન નહીં કરતું, સ્થિર.The train was stationary for 90 minutes. જરાય હલનચલન કર્યા વિના ટ્રેન 90 મિનિટ સુધી (સ્થિર) ઊભી રહી. અહીં સ્ટેશનરી શબ્દ વિશેષણ છે. આ જ શબ્દ સંજ્ઞા બને છે ત્યારે એનો અર્થ સમૂળગો બદલાઈ જાય છે. With the advancing of technology the use of printed stationery in day to day life has reduced. ટેકનોલોજીનો ઉપયોગ ખાસ્સો વધવાથી દૈનિક જીવનમાં લેખન સામગ્રીનો વપરાશ ઘટી ગયો છે.
कथा शंभर, कृति शून्य
समाजात आपली भेट नाना प्रकारच्या लोकां बरोबर होते. काही प्रामाणिक असतात तर काही लबाड ही असतात. ढोंगी किंवा भोंदू ही असतात. સમાજમાં આપણી મુલાકાત વિવિધ પ્રકારના લોકો સાથે થતી હોય છે. કોઈ પ્રામાણિક હોય તો કોઈ લુચ્ચા – લબાડ પણ હોય. કોઈ સ્વભાવે સાલસ હોય તો કોઈ ઢોંગી કે મૂર્ખ પણ હોય. વાતો લાખની, કરણી શૂન્યની એ ઢોંગી લોકોની ખાસિયત હોય છે. બે મરાઠી કહેવતથી આ વાત સુપેરે સમજાઈ જશે. પહેલી કહેવત છે आयजीच्या जीवावर बायजी उदार. કહેવતનો ભાવાર્થ એ છે કે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને મદદરૂપ થવા માગે છે, પણ પોતે કોશિશ કર્યા વિના ત્રીજી વ્યક્તિ દ્વારા એ હેતુ સિદ્ધ કરી લે છે. અંતે સહાય પોતે કરી હોવાનો અંચળો ઓઢીને ફરે છે. બોલ બોલ બહુ કરવાનું પણ કામ કશું નહીં કરવાનું એવા અનેક લોકોનો ભેટો તમને જરૂર થયો હશે. નવાઈ એ વાતની છે કે આવા માણસોની લુચ્ચાઈ ભાગ્યે જ કોઈની નજરમાં આવે છે. આવો જ અર્થ ધરાવતી અન્ય એક કહેવત પણ છે हलवायाच्या घरावर तुळशीपत्रं ठेवणे. મરાઠીમાં કશાક ઉપર તુલસીનું પાન મૂકવું એટલે એ વસ્તુનો ત્યાગ કરવો એવો અર્થ થાય છે. ઉદાહરણ તરીકે सुखासीनतेवर त्याने तुळशीपत्र ठेवले એટલે કે સુખ સાહ્યબીનો તેણે ત્યાગ કર્યો. આ જ વાત કહેવતમાં કેવી રીતે વ્યક્ત થાય છે એ જોઈએ. જે વસ્તુ પોતાની માલિકીની ન હોય, એ પરબારી દાન કરી દેવી કે એનો ત્યાગ કરવો એટલે કંદોઈના ઘર (જે પોતાનું નથી) ઉપર તુલસીનું પાન મૂકવું. આ કૃતિમાં તુલસીનું પાન મૂકતી વ્યક્તિ કશું ગુમાવતી નથી, એનું કશું ઓછું નથી થઈ જતું, પણ એ ઓળખાય છે, નવાજાય છે દાની પુરુષ તરીકે. મદદ મેળવનાર કોઈ માથાકૂટમાં નથી પડતો. કારણ કે એની જરૂરિયાત સંતોષાઈ ગઈ હોય છે. કઠોર શબ્દો વાપર્યા વિના વેધક વાત કરવી એ ભાષાની લાક્ષણિકતા છે.
गुजराती कहावत हिंदी में
ગુજરાતી કહેવતોના હિન્દીમાં પ્રાગટ્યની સફરમાં આજે આગળ વધીએ અને જ્ઞાનમાં વધારો કરી ગમ્મત મેળવીએ. આવી રીતે મેળવેલું જ્ઞાનપાન ગરમ ગરમ શીરો કેવો સડસડાટ ગળે ઉતરી જાય એમ ધડાક કરી મગજમાં ઉતરી ત્યાં કાયમી નિવાસસ્થાન કરે છે.કેટલીક હિન્દી કહેવતોમાં રહેલા શબ્દનો અર્થ ન જાણવા છતાં એના એકંદરે સમાન બંધારણથી અર્થનો ખ્યાલ આવી જાય છે. ઉદાહરણથી વાત સ્પષ્ટ થઈ જશે. અત્યંત શરમજનક ઘટના બની હોય ત્યારે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું એવી કહેવત વપરાય છે. આ કહેવત હિન્દીમાં चुल्लू भर पानीमें डूब मरना તરીકે જાણીતી છે. ચુલ્લૂ એટલે બે હથેળી જોડાઈ જાય એટલી જગ્યા જેમાં ઢાંકણીમાં સમાય એટલું જ પાણી રહી શકે. જોકે, આ અર્થ ખબર ન હોવા છતાં કહેવત સમજાઈ જાય એવી છે. ભાવાર્થ જાળવી કહેવતો ક્યારેક ભાષા બદલાતા રૂપક પણ બદલે છે. દાતારી દાન કરે ને ભંડારી પેટ કૂટે કહેવત રમૂજ પેદા કરે છે અને વિચાર કરતા પણ કરી મૂકે છે. દાન ધરમ માટે પૈસા શેઠ ખર્ચે અને પેટમાં દુઃખે હિસાબ રાખતા મહેતાજીને કે આ વખતે પુરાંત ઓછી બોલશે, આ કહેવત હિન્દીમાં तेली का तेल जले और मशालची का हाथ जले અવતાર ધારણ કરે છે. મશાલ પ્રજ્વલિત રાખવા તેલની જરૂર પડે અને એ માટે તેલ વાપરનાર કોઈ હોય અને ‘બહુ તેલ વપરાઈ ગયું’ એવી ફરિયાદ કરનાર ત્રાહિત હોય એના જેવી વાત થઈ. માણસ મુસીબતમાં હોય અને એ દૂર થવાને બદલે એમાં વધારો થાય એ દર્શાવવા દુકાળમાં અધિક માસ એવી કહેવત છે. પરેશાનીનો સમય લંબાઈ જાય. कंगाली में आटा गीला કહેવતમાં ભાવાર્થ અદ્દલ જળવાયો છે. ટૂંકા પગારમાં માંડ બે ટંક ખાવા ભેગા થતા હોઈએ ત્યાં નોકરીમાંથી પાણીચું મળે એવી વાત થઈ.