ઉત્સવ

ઉસને ઐસા ક્યોં કહા?

મધુ રાયની વાર્તા -મધુ રાય

ક્યા હાલ હૈ, તુમ્હારા, સબ ઠીક હૈ?’ એણે ફોન ઉપર પૂછ્યું.

‘સુરુ.’ મેં હોઠ ફફડાવીને મેધા સામે જોયું, મેધાએ માથું હલાવી જણાવ્યું કે કાંઈ વાંધો નહીં. ‘ક્યા હાલ હૈ તુમ્હારા’ એ સુરુની કાયમની ઓપનિંગ લાઇન હતી. મને અને મેધાને ખબર હતી કે એ ઔપચારિકતા પછી તરત સુરુ પોતાના ‘હાલ’ની વાત કરવાની હતી, વીસ, બાવીસ કે ચાલીસ મિનિટ. અને પછી-

‘તો ક્યા પકાયા હૈ આજ તુમલોગને?’ કહીને અમારે ત્યાં જમવા આવવા માગતી હતી. સુરુ ડોક્ટર હતી, પચાસેક વર્ષની ઉંમર હતી તો પણ એનું એકવડું કદ અને તરવરાટ, તલસાટ, ઠસ્સો બાવીસ વર્ષની જુવતી જેવાં હતાં. સુરુ અમારા ઘરેથી સિર્ફ ટ્વેન્ટીટુ મિનિટ્સ’ના ડ્રાઇવિંગ ‘ડિસ્ટન્સ’ ઉપર રહેતી હતી. મહેલાત જેવું મકાન હતું, મોંઘી સજાવટથી ભરચક્ક હતું. અમારા ઘરે આવતાં મને ભેટતી અને મારા ગાલે ચૂમી કરતી. મેધાને કહેતી કે આઇ ડ્રાઇવ ઓલ ધિસ વે ફોર ધિસ હગ વિથ યોર ગાય, મેધા, પછી ખિલખિલાટ સાથે ‘મેધા કા ટર્ન’, મેધાને હગ, મેધાને કિસ. અને ફરી નવેસરથી ઓપનિંગ લાઇન, ‘તો બોલો ક્યા હાલ હૈ તુમ્હારા?’ અને તરત ‘આહહહ! સ્મેલ્સ ગૂઉઉડ! ક્યા પકાયા આજ, ફિર વોહી પોટેટો કા સબ્જી બનાયા ક્યા? તુમલોગ સાલે હર ચીજ મેં પોટેટો, પોટેટો, પોટેટો!’

મેધાને ફરી એક હગ. યે સાડી નયા લિયા ક્યા? તુમ તો બિલકુલ મીરાબાઈ હો! સાલી કપડે, ગહેને, મેકઅપ યે તો સબ હમલોગો કા- ઓ માઇ ગોડ, પાલક બનાયા! આહ, યુ નોવ, આઈ એમ ક્રેઝી અબાઉટ પાલક કા સબ્જી! કેન ઇટ પાલક સેવન ડેઝ ઇન એ વીક. તો બોલો વોટ ઇઝ ન્યુ વિધ યુ ગાયઝ? બચ્ચા કબ બનાયગી, હાં? મેરી તરાહ બુઢ્ઢી બન જાયગી તો ક્યા હોગા?’

આ અમારા માટે ‘ક્યૂ’ હતી, સુરુ પોતાને બુઢ્ઢી કહે એટલે મેધાને કહેવાનું થતું, ‘તુમકો બુઢ્ઢી કૌન બોલગા.’ હું કહેતો ‘તુમ્હારે પીછે તો સભી ડાક્ટર લોગ પાગલ હૈં.’

ખિલખિલાટ, દર્પણમાં ચહેરાનું અવલોકન. ‘જાઓ સાલે ફ્લેટરી વિલ નોટ ગેટ યુ એનીવ્હેર!’ કહીને જુદા સ્વરમાં સુરુ કહેતી, ‘યેહ લો તુમ્હારે લિયે મૈં ગિફ્ટ લાયી હૂં.’

અવારનવાર એને મેડિકલ કોન્ફરન્સમાં જવાનું થતું. ત્યાંથી સુવેનિયર તરીકે દવા કંપનીઓ તરફથી મળતા થેલા, ફાઉંટન, હેન્ડબેગ, થર્મામીટર કે વિટામિન્સ સેમ્પલની પડીકીઓ સુરુ અમને ગિફ્ટ’ આપતી. મારી સાથે તેમ જ સુધા સાથે જુવાનિયાંની જેમ વાતો કરતી. ‘વાયગ્રા બી મિલતા હૈ લેકિન તુમલોગો કો દેને કા મતલબ ક્યા હૈ. યેહ સાલા તો ટ્વેન્ટીફોર સેવેન રેડી હૈ, યસ?’ સુરુ મેધાને ફુસફુસ કરતી.

સુરુ ડોક્ટર હોવાના નાતે મેધાને અમારા દામ્પત્યની અંગત વાતો પૂછતી, ‘યે સાલા તુમારા બી ટેક કેર કરતા હૈ યા સ્ટ્રેટ અવે સો જાતા હૈ?’ સુરુ મોટાભાગે અંગ્રેજીમાં વાતો કરતી અને અંગ્રેજી અપશબ્દો છૂટથી બોલતી, જેની આદત અમારી યુવાન વય છતાં મને કે મારી પત્નીને નહોતી. એ બાબત સુરુ ઠઠ્ઠો કરતી કે તુમ દો સાલ સે ઇસ ક્ધટ્રી મેં આયે હો. મગર અબી બી દેસી કે ઠેઠ દેસી રહે હો.’ એના કહેવા મુજબ એને કાયમ એના ડોક્ટર દોસ્તો ચાઈનીઝ, મેક્સિકન, ઇટાલિયન, જાપાનીઝ, અમેરિકન એમ ‘સાલા દુનિયાભર કા ખાના ખાને લે જાતે હૈં.’ એક ખિલખિલાટ હાસ્ય. તુમ્હારે યહાં આઇ ફીલ એટ હોમ!’ પછી તરત- ‘હમારા એક ડાક્ટર હૈ, બહુત હોટ હૈ, ડો. મેડોક, હમ લોગ ઉસકો મેડ ડોગ બોલતે હૈં, ઉસકે પીછે પીછે સભી યંગ યંગ નર્સીસ ઘૂમતી હૈં. લેકિન સાલા કિસીસે ડેટ નહીં કરતા.’ ‘આંખ નીચી, પાંપણ ઊંચી, સાલા મેરે પીછે પાગલ હૈ.’ મેધાને એક જોરનો ધક્કો, કહેતા હૈ, ‘યુ આર એ રાઇપ ટ્રોપિકલ ફ્રૂટ.’ ખિલખિલ. ‘ફ્રૂટ કા મતલબ ક્રેઝી બી હોતા હૈ, યુ નો, તો સાલા પ્યાર સે મુઝકો સ્વીટ બી કેહતા હૈ, પ્લસ ક્રેઝી કેહતા હૈ. હી ઇઝ એ ફ્રીકિંગ વર્ડસ્મિથ. ક્રાસવર્ડ પઝલ ઇન્ક સે ભરતા હૈ, દસ મિનટ મેં ફિનિશ.’

આ બધી માહિતીની અમને જાણ હતી. અને એના બીજા દોસ્તો, બધા ડાક્ટર, એને સ્વેલ્ટ બ્યૂટી, ઇન્ડિયન કૂકી, વગેરે ‘યંગ યંગ વર્ડિંગ સે ફ્લેટર કરતે રહતે હૈં. ઔર સાલે, ધે આલ ટેક મી ટુ એક્ઝોટિક ડિનર્સ. યસટર ડે, એક કાર્ડિયોલોજિસ્ટ હૈ, ડો. ન્યૂમન, સાલા થાઈ ફૂડ ખાને લે ગયા. યુ નો? થાઈ લોગ હમારી તરાહ સબ સ્પાઇસીસ બહુત ખાતે હૈં. તુમલોગો કો બહુત યાદ કિયા હમને. એક બાર જાયેંગે થાઈ રેસ્ટોરાં મેં, ઓકે? પ્રોમિસ.’ સુરુ હાથ મિલાવતી. અમારા બંને સાથે.

‘આઈ નોવ, આઈ નોવ, બહુત દિન સે આઈ કીપ ટેલિંગ યુ, ખાના ખાને લે જાઉંગી લેકિન-યે ક્યા તુમ્હારા એસી ડાઉન હૈ ક્યા? ઇટ્સ હોટ! એસી આન કરો ના!-લેકિન યુ નોવ હાઉ બીઝી આઇ એમ, નો? સો થાઈ ફૂડ ખાતે ખાતે આઇ થોટ દો હપ્તા હો ગયા મૈંને ગોપાલ કે યહાં ખાના નહીં ખાયા. સાલા તુમલોગ કે ઘર મેં ઘર કા ખાના ખાને મિલતા હૈ, હેલ્ધી ફૂડ, નો? ઇન્ડિયન રેસ્ટોરાં મેં પતા નહીં ક્યા ક્યા દેતે હૈં, કબ કા પકાયા, કિસને પકાયા, સાલેને હાથ ધોયા યા ગંદા હાથ સે પકાયા, હૂ નોવઝ!’

‘જમ્યા પછી કેન આઇ હેલ્પ યુ વિથ ડિશીઝ?’ એવો વાસણ ધોઈ આપવાનો વિવેક કરતી. પણ જવાબ મળે તે પહેલાં ‘વૈસે, માઇ પ્લેટ તો ઓલરેડી આઈ વોશ્ડ , નો?’ કહીને ફ્રીજ ખોલતી. અરે, નાઇસ! દેસી કુલ્ફી! યુ વોન્ટ સમ ગોપાલ?’ કહીને મેધાએ ધોઈને મૂકેલી પ્લેટમાં જાતે આઇસક્રીમ કાઢી પૂછતી, ‘વ્હેર યુ હાઇડ યોર ચમ્મચ વમ્મચ.’

સુરુ ફરી મારી પાસે આવીને બેસતી. ‘તુમ્હારી વાઇફ ઇઝ લાઇક સીતા. નો ડિમાન્ડ, નો? કિતને સાલ સે નયા સાડી નહીં લિયા ઉસને? તુમને કબી બી પૂછા હૈ? સોના ચાંદી તો સાલી પહેનતી હી નહીં.’ ખિલખિલ. યુ સ્ટીલ ગો ટુ યોર કોલેજ ક્યા? તુમ વોન્ટ ટુ રાઇટ એ બુક સમ ડે ઓર વ્હોટ?’ સુરુ પૂછતી. ‘યુ માઇન્ડ ઇફ આઇ લાય ડાઉન એ બિટ? ડિનર કે બાદ, યુ નોવ, આઇ ઓલવેયઝ ફીલ સ્લીપી.’ કહીને સુરુ સોફા ઉપર લાંબી થતી. ‘સો હાવ ઇઝ યોર ફેમિલી ઇન ગાંધીધામ?’

સુરુ કાયમ ભૂલ કરતી. મેધા સુધારતી. ‘ગાંધીનગર.’

‘યાહ યાહ. એવરીબડી ઓકે ઇન ગાંધીનગર? તુમ્હારે ફાધર કા અલ્સર-ઓહ માઇ ગોડ! ઇટ ઇઝ નાઇન ઓ ક્લોક? મિસ યુનિવર્સ પેજેન્ટ હૈ યાર, ચેનલ સેવન પર, લગાઓ ના! આઈ નેવર મિસ ઇટ!’

થોડા વખત પહેલાં સુરુએ કોશ્ચુમ જ્વેલરીની બંગડીઓ અને એરિંગ્ઝનો સેટ મેધાને પહેરવા આપેલો પણ મેધાએ લીધો નહોતો. કોઈપણ જાતના શણગારની વિરુદ્ધ હતી મેધા. શરૂઆતમાં સુરુ ખોટું હિન્દી બોલતી હતી તે પણ મેધા સુધારતી, પણ પછીથી ટેવાઈ ગઈ હતી. મેધાએ ઇકોનોમિક્સમાં એમએ કરેલું, અને પીએચડી કરી રહી હતી, વિમેન એન્ડ ધેર ફેમિલી લાઇફ ઇન થર્ડ વર્ડ ક્ધટ્રીઝ ઉપર. સુરુને એ વાતનો અચંબો હતો કે એમાં કમાણી શી? ‘યુ નોવ, ઓલ માય ફ્રેન્ડઝ આર ડોક્ટર્સ. યુ ગાયઝ આર માય ઓન્લી રેગ્યુલર ફ્રેન્ડઝ.’

સુરુ અપરિણીત હતી. નાનપણથી માંડીને અત્યાર સુધીના એના ડઝનેક પ્રેમ કિસ્સાની કથાઓ એણે અમને અનેક વાર સંભળાવી હતી.


મોડી રાત્રે ફોન વાગ્યો અને મને ખ્યાલ આવ્યો કે સુરુના કરન્ટ પ્રેમીની કશીક ફરિયાદ છે. ક્યા હાલ હૈ,

તુમ્હારા, સબ ઠીક હૈ?’ એણે ફોન ઉપર પૂછ્યું.

‘ઇટ ઇઝ મિડનાઇટ, સુરુ!’ મેં કહ્યું.

‘યાહ, આઇ નોવ. મગર નીંદ નહીં આ રહી તો મૈં ક્યા કરૂં?’

‘ક્યા હુઆ?’

‘આઈ હેવ નોટ સીન હિમ ફોર ફાઇવ ડેયસ, નો ફોન, નથિંગ.’

‘સીન હુમ?’

ધેટ ફ્રીકિંગ મેડોક.’ સુરુ રડતી હતી. ‘લાસ્ટ ટાઇમ જબ હમલોગ વેર ટુગેધર ઉસને કહા થા, હી મે નોટ બી એરાઉન્ડ ફોર લોન્ગ.’

‘આઈ સી.’ મેં બગાસું દબાવતાં કહ્યું.

‘ઉસને ઐસા ક્યોં કહા?’

‘આઈ ડોન્ટ નોવ, સુરુ!’

‘આઈ એમ શ્યોર, હી વોન્ટ્સ ટુ ગો બેક ટુ હિઝ ફેટ વાઇફ.’

‘ઓહ. આઈ થોટ હી વોઝ ડિવોર્સ્ડ.’

‘નહીં યાર, ધેટ બિચ વિલ ટેક ઓલ હિઝ મની. હી વિલ બી લેફ્ટ વિથ નથિંગ! કાન્ટ ગેટ એ ડિવોર્સ.’ સુરુએ ચિલ્લાઈને કહ્યું. ‘તુમ સાલે પૈસે કો પ્યાર કરતે હો તો ડિવોર્સ મત લો. મગર મેરેકો નહીં મિલો ઇસકા મતલબ ક્યા હૈ?’

સુરુ ગુસ્સાથી પાગલ થઈ જાય ત્યારે સામા માણસને કહેવાનું હોય તે મને કહેતી. અમને પહેલાં એણે કહેલું કે મેડોક ડિવોર્સી છે. મેધાએ ભમ્મર સંકોચીને શું થયું એવો ઇશારો કર્યો. મેં હોઠ ફફડાવીને જણાવ્યું, મેડોક.

‘ઉસને ઐસા ક્યોં કહા?’

આવું એ વારંવાર પૂછતી. જેને મેં જોયોયે ના હોય એવા કોઈ માણસે એને કયા સંજોગોમાં શું કહ્યું તેનું કારણ મારે સ્પષ્ટ કરવાનું રહેતું. મેધાએ ફોન મારા હાથમાંથી લઈ લીધો, અને બંને ફુસફુસ વાતો કરવા લાગ્યાં. બત્તી બંધ કરીને મેં પડખું ફેરવી લીધું.

ડો. મેડોક સાથે સુરુનો પ્રેમ કબી હોટ કબી કોલ્ડ ચાલ્યા કરતો અને ‘ઉસને ઐસા ક્યોં કહા’ એ લાઇન સુરુ અમને વાંરવાર પૂછતી. ‘હી સેયઝ આઇ ડોન્ટ હેવ ટુ ટેલ યુ એવરીથિંગ. ઉસને ઐસા ક્યોં કહા?’ સુરુના જન્મદિનનાં ફૂલ મેડોકે મોકલ્યાં પણ પોતે જાતે કેમ ન આવ્યો? ‘એમ આઇ સપોઝ્ડ ટુ બી એલોન ઓન માય બર્થડે?’

તે દિવસ પછી ‘ઉસ દિન ઉસને ઐસા ક્યોં કહા’નો ખુલાસો થયો. ‘પતા હૈ? હી થોટ હી વોઝ ગોઇંગ ટુ ડાય!’ સુરુ અમને વારંવાર જણાવતી. કેમકે ડોક્ટર મેડોકને કશુંક કેન્સર હોવાનું માલમ પડેલું. સુરુ અન્કોલોજિસ્ટ હતી અને મેડોકે આગ્રહપૂર્વક સુરુ પાસે ટ્રીટમેન્ટ કરાવવાની માગણી મૂકી હતી. મેડોક પથારીવશ હતો અને સુરુ તેની સારવાર કરતી હતી, દિવસમાં બે વાર તેને મળતી, દિલાસો આપતી.

અમને સુરુના સ્વભાવની ગમે એટલી ફરિયાદ હતી પણ દાક્તરીમાં સુરુ ખંતીલી હતી. આ પહેલાં એણે પોતાની નેબર લેડીને અને બમ્બઈથી આવેલી પોતાની બહેનની ખંતથી સારવાર કરેલી. સુરુને ખાતરી હતી કે સાજો થયા પછી મેડોક તેને કદી નહીં છોડે. મેડોક વારંવાર એનો હાથ પકડીને કહેતો હતો કે આઇ ઓવ યુ માય લાઇફ.

‘ઉસને ઐસા ક્યોં કહા?’ સુરુ અમને પૂછતી. પછી જાતે જવાબ આપતી, ‘આઈ થિન્ક, હી મીન્સ ધેટ હી વિલ છોડ દેગા ઉસકી મોટી વાઇફ કો. મેરે સાથ શાદી કરેગા. લાઇફ કા મતલબ તો વોહી હોતા હૈ ના?’

સુરુ ખુશ રહેવા લાગી હતી. અમારે ત્યાં જમવા આવવાના પ્રસંગ ઘટતા જતા હતા. એનો અમને અફસોસ નહોતો. પણ કોઈ વાર એની ‘અદા’ મિસ થતી. અમને હજી સંતાન થયાં નહોતાં. સુરુને એક વિચિત્ર સ્વભાવનું સંતાન માનીને અમે નભાવતાં હતાં. બે રોટલી વધારે બનવવાની કે બે ડિશ વધારે ધોવાની આળસ મેધાને નહોતી. મને ભેટવા ચૂમવા છતાં અમને બંનેને ખબર હતી કે સુરુનો માંહ્યલો ડોક્ટરો સિવાય ડોલતો નથી. હું મેધાને કહેતો કે એની ચૂમીઓ મીન્સ આઈ તો મેક એ મિલિયન ડૉલર ઇન એ યર, મગર રેગ્યુલર લોગોં કે સાથ ભી આઈ ગેટ એલોન્ગ ફાઈન. પણ મેધા કહેતી કે એનું અહીં કોઈ નથી એટલે બિચારી પ્રેમની ભૂખી છે.

રોજ રોજ ઘરે પકાવવાની ઝંઝટને બદલે, કે વીસ મિનિટ ડ્રાઇવ કરીને કોઈ રેસ્ટોરાંમાં જવાને બદલે વીસ મિનિટમાં અમારે ત્યાં ઘર કા ખાના ખાવા આવવાનું પહેલાં લગભગ દર હફ્તે બનતું એ કમ થઈ ગયું હતું. કોઈ વાર ખુશ હોય ત્યારે ફોન આવતા. અમને મડોકની સુધરતી જતી તબિયતની દાક્તરી વિગતો તેમ જ મેડોક લટુડો પટુડો થઈને એની ખુશામદ કરે છે તેની ખુશખબરી જાણવા મળતી.


અને ફરી એક વાર ‘ક્યા હાલ હૈ, તુમ્હારા, સબ ઠીક હૈ?’ એણે ફોન ઉપર પૂછ્યું.

એના અવાજ ઉપરથી લાગ્યું કે ફરી જૂની સુરુ બોલે છે. મેડોક સાજો થઈ ગયો હતો. અને સુરુને ‘ઇમોશનલી અનસ્ટેબલ બિત્ચ’ કહીને એની ફેટ વાઇફ સાથે રહેવા ચાલ્યો ગયો હતો. ‘લેકિન હી મિસીસ મી.’ સુરુ કહેતી હતી. મેડોક અઠવાડિયે બે વાર છાનોમાનો સુરુના ઘરે આવે છે. ‘યુ નોવ વ્હાય? બિકોઝ હી હેઇટસ હિઝ બફેલો જૈસી વાઇફ! એન્ડ હી ઇઝ મેડ એબાઉટ મી. માય યંગ બાડી.’
મેં જવાબ ન આપ્યો. કેમકે હવે સુરુ એકલી વાત કરવાની હતી, વીસ, બાવીસ કે ચાલીસ મિનિટ. અને પછી-
‘તો ક્યા પકાયા હૈ આજ તુમલોગને?’ કહીને જમવા આવવા માગતી હતી.

મેધાએ એની સ્વાભાવિક નિસ્પૃહતાથી ડોકું હલાવી હા પાડી. ‘ખીચડી, ભાખરી, પરવળની સબ્જી.’

માય ગોડ! પરવલ? સચ્ચી? કહાં મિલા તુઝે? પરવલ તો હંમેશાં બહોત મેંહગા હોતા હૈ, નો? આઈ લવ પરવલ. માઈ મધર યૂઝ્ડ ટુ મેક પરવલ. વો લેકિન ઉસકી સ્કિન નિકાલ કે બનાતી થી.’
મેધાએ કહ્યું કે અમે છાલ ઉતારતા નથી, પણ એ કહેશે તો છાલ ઉતારીને બનાવીશું.

નો નો. ડોન્ટ ગો ટુ એક્સ્ટ્રા ટ્રબલ ફોર માઇ સેઇક.’ સુરુએ ખિલખિલ હસીને કહ્યું. ‘ઓર યુ કેન જસ્ટ-’
ઓકે ઓકે, તુમ્હારે લિયે અલગ સ્કિન ઉતાર કે બનાયેંગે.’ મેં વચ્ચે કહ્યું.

બી ધેર ઇન ટ્વેન્ટી મિનિટ્સ.’
સુરુએ આવીને મને વળગીને એની પેટન્ટ ચૂમી કરી. મેધાને ભેટતાં આશ્ર્વાસન આપ્યું કે ‘આઈ નોવ, બહુત દિન સે પ્રોમિસ કિયા હૈ. નેક્સ્ટ વીકએન્ડ ફોર શ્યોર. થાઈ ફૂડ. ઇટ્સ ઓન મી. યુ વિલ લવ્હ ઇટ. કબી નહીં ગયે ના? થાઈ ફૂડ ખાયા કબી? તુમ લોગ તો બહાર બહુત કમ ખાતે હો ના? ક્યા વોહ દોસા ઇડલી, યા કબી નોર્થ ઇન્ડિયન, નો? ધિસ વિલ બી માય ટ્રીટ! ઇટ ઇઝ નો ડાઉટ ક્વાઇટ એક્સપેન્સિવ. બટ યુ આર માય ઓન્લી રેગ્યુલર ફ્રેન્ડ્ઝ.’ કોઈ વાર મને લાગતું કે સુરુના મનમાં એમ કે રેગ્યુલર ફ્રેન્ડ્ઝ મીન્સ ગરીબ ફ્રેન્ડ્ઝ.

જમી લીધા પછી સુરુએ હાથમાં પ્લેટ લઈને ફ્રીજ ખોલ્યું. ડિઝર્ટ મેં ક્યા હૈ, આજ?’ એકાએક ફ્રીજનું બારણું અથડાયાથી એના હાથમાંથી પ્લેટ પડી ગઈ. ખડખડ અવાજ સાથે જમીન ઉપર પડતાં તૂટી ગઈ.

‘સોરી, સોરી!’ સુરુએ એકદમ પડેલા મોંએ માફી માગી. ‘વેરી સોરી, મેધા!’
મેં અને મેધાએ કહ્યું કે ‘ઠીક છે, પ્લેટ પડી ગઈ. તેં સોરી કહી દીધું. હવે કેટલી વાર સોરી સોરી કર્યા કરીશ?’ મેધાએ મુંબઈનો હલવો કાઢીને સુરુને ધર્યો. મારો કઝીન લાવેલો. લે. ‘તને મુંબઈ યાદ આવશે.’

સુરુએ હલવો લીધો, પણ હજી સોરી સોરી કર્યા કરતી હતી. ‘સોરી, મેધા, આઈ એમ સો સોરી એબાઉટ ધ પ્લેટ.’
‘અરે, એક પ્લેટ પડી ગઈ એમાં અટલી બધી વાર સોરી સોરી કેમ કહ્યા કરે છે?’ મેં કહ્યું.

‘ટ્રૂલી, ગોવિંદ, પ્લીઝ ફરગિવ મી!’
‘વ્હોટ આર યુ ટોકિંગ અબાઉટ?’ મેધાએ પૂછ્યું.

‘તુમ્હારા પ્લેટ તોડ દિયા ના? એક તો તુમ લોગ ગરીબ હો, ઉપર સે તુમ્હારા નુકસાન કર દિયા!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button